ગણના 32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યર્દનની પૂર્વે રહેતાં કુળો 1 હવે રૂબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલ્યાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે, 2 ત્યારે ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ આવીને મૂસાને તથા એલાઝાર યાજકને તથા મંડળીના અધિપતિઓને કહ્યું, 3 “અટારોથ, તથા દિબોન, તથા યાઝેર, તથા નિમ્રા, તથા હેશ્બોન, તથા એલાલે, તથા સબામ, તથા નબો, તથા બેઓન, 4 એટલે ઇઝારયલ પ્રજાની આગળ જે દેશ યહોવાએ માર્યો, તે દેશ ઢોરને માટે અનુકૂળ છે, ને તારા દાસોની પાસે ઢોર છે.” 5 અને તેઓએ કહ્યું, “જો તારી દષ્ટિમાં અમે કૃપા પામ્યા હોઈએ તો દેશ વતન તરીકે તારા દાસોને અપાય. યર્દનને પેલે પાર અમને લઈ ન જા.” 6 અને મૂસાએ ગાદના પુત્રોને તથા રૂબેનના પુત્રોને કહ્યું, “શું તમારા ભાઈઓ લડાઈમાં જાય ને તમે અહીં બેસી રહેશો? 7 અને ઇઝરાયલીઓને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિષે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો? 8 કાદેશ-બાર્નેઆથી મેં તમારા પિતૃઓને દેશ જોવા મોકલ્યા, ત્યારે તેઓએ એમ જ કર્યું, 9 કેમ કે જ્યારે તેઓએ એશ્કોલના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહિ.” 10 અને તે દિવસે યહોવાનો કોપ સળગી ઊઠ્યો, ને તેમણે સમ ખાઈને કહ્યું, 11 “વીસ વર્ષના ને તે કરતાં વધારે ઉમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક ને યાકૂબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહિ; કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી. 12 ફક્ત કનીઝી યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ [તે દેશ જોશે] ; કેમ કે તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે.” 13 અને ઇઝરાયલ ઉપર યહોવાનો કોપ સળગી ઊઠ્યો, ને તેણે ચાળીસ વર્ષ સુધી, એટલે જે પેઢીએ યહોવાની દષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાંનો નાશ થયો ત્યાં સુધી તેઓને અરણ્યમાં અહીંતહીં અથડાવ્યા. 14 “અને જુઓ, હે ભૂંડાઓના સંતાન, તમે તમારા પિતૃઓને ઠેકાણે ઊભા થઈને ઇઝરાયલ પરનો યહોવાનો કોપ હજી પણ વધારો છો. 15 કેમ કે જો તમે તેની પાછળથી ફરી જશો તો તે ફરી પણ તેઓને અરણ્યમાં મૂકી દેશે. અને તમારાથી આ સર્વ લોકોનો નાશ થઈ જશે.” 16 અને તેઓએ પાસે આવીને કહ્યું, “અમે અહીં અમારાં ટોળાંઓને માટે વાડા ને અમારા છોકરાંને માટે નગરો બાંધીશું. 17 પણ અમે પોતે તો સજ્જ થઈને ઇઝરાયલી લોકોને તેમની જગાએ પહોંચાંડતાં સુધી તેમની જગાએ પહોંચાડતાં સુધી તેમની આગળ ચાલીશું; અને અમારાં બાળકો દેશના રહેવાસીઓને લીધે કિલ્લાવાળાં નગરોમાં રહેશે. 18 અને ઇઝરાયલી લોકોમાંનો દરેક પુરુષ પોતાનો વારસો ન પામે ત્યાં સુધી અમે પોતાને ઘેર પાછા નહિ આવીએ. 19 કેમ કે યર્દનને સામે કાંઠેને એથી આગળ પણ અમે તેઓની સાથે વારસો નહિ લઈએ, કેમ કે યર્દનની આ પૂર્વની બાજુએ અમને અમારો વારસો મળી ચૂક્યો છે.” 20 અને મૂસાએ તેઓને કહ્યું, “જો તમે આમ કરશો, એટલે જો શસ્ત્રસજ્જિત થઈને તમે યહોવાની સમક્ષ લડાઈમાં જશો, 21 ને તમારામાંના સર્વ શસ્ત્રસજ્જિત માણસો યહોવાની સમક્ષ યર્દન પાર જશો, એટલે સુધી કે તેઓ પોતાની આગળથી પોતાના શત્રુઓને હાંકી કાઢે, 22 ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય, તો પછી તમે પાછા આવશો, અને યહોવા તથા ઇઝરાયલ વિષે નિરપરાધી ઠરશો, અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે. 23 પણ જો તમે એમ કરશો નહિ તો જુઓ, યહોવાની વિરુદ્ધ તમે પાપ કર્યું જાણજો. અને નક્કી જાણજો કે તમારું પાપ તમને પકડી પાડશે. 24 તમે તમારાં બાળકોને માટે નગરો તથા તમારાં ઘેટાંને માટે વાડા બાંધો; અને તમે જેમ કહ્યું છે તેમ કરો.” 25 અને ગાદના પુત્રોએ તથા રૂબેનના પુત્રોએ મૂસાને કહ્યું, “અમારા માલિકના ફરમાવ્યા પ્રમાણે તારા દાસો કરશે. 26 અમારાં બાળકો, અમારી સ્ત્રીઓ, અમારાં ઘેટાંબકરાં તથા અમારાં સર્વ ઢોરઢાંક ત્યાં ગિલ્યાદનાં નગરોમાં રહેશે. 27 પણ યુદ્ધને માટે શસ્ત્રસજ્જિત થયેલો તારો પ્રત્યેક દાસ મારા માલિકના કહેવા મુજબ યહોવાની સમક્ષ લડાઈ કરવાને પેલે પાર જશે.” 28 અને તેઓ વિષે મૂસાએ એલાઝાર યાજકને તથા નૂનના દિકરા યહોશુઆને તથા ઇઝરાયલીઓનાં કુળોનાં કુટુંબોના મુખ્ય માણસોને સોંપણી કરી. 29 અને મૂસાએ તેઓને કહ્યું, “જો ગાદના પુત્રોમાંનો તથા રુબેનના પુત્રોમાંનો યુદ્ધને માટે શસ્ત્રસજ્જિત થયેલો પ્રત્યેક માણસ યહોવાની સમક્ષ તમારી સાથે યર્દનને પેલે પાર જાય, ને તમારી આગળ તે દેશ વશ થાય, તો તમે વતનને માટે તેઓને ગિલ્યાદ દેશ આપજો. 30 પણ જો તેઓ શસ્ત્રસજ્જિત થઈને તમારી સાથે પેલે પાર ન જાય તો તેઓ કનાન દેશમાં તમારી મધ્યે વતન પામે.” 31 અને ગાદના પુત્રોએ તથા રુબેનના પુત્રોએ ઉત્તર આપ્યો, “જેમ યહોવાએ તારા દાસોને કહ્યું છે તેમ અમે કરીશું. 32 યહોવાની આગળ શસ્ત્રસજ્જિત થઈને અમે કનાન દેશમાં પાર ઊતરીશું, ને યર્દનની પૂર્વે અમારા વારસાનું વતન અમારે માટે [રહેશે].” 33 અને મૂસાએ તેઓને, એટલે ગાદના પુત્રોને તથા રુબેનના પુત્રોને તથા યૂસફના દિકરા મનાશશાના અડધા કુળને, અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય તથા બાશાનના રાજા ઓગનું રાજ્ય, એટલે એ દેશ તેનાં નગરો તથા તેઓની સીમો સહિત, હા, તે દેશની ચાર તરફનાં સર્વ નગરો આપ્યાં. 34 અને ગાદના પુત્રોએ દિબોન તથા અટારાથ તથા અરોએર, 35 આટ્રોથ-શોફાન તથા યાઝેર તથા યોગ્બહા, 36 તથા બેથ-નિમ્રા તથા બેથ-હારાન, [એ] કિલ્લાવાળાં નગરો બાંધ્યા તથા [તે ઉપરાંત] ઘેટાંને માટે વાડા [બાંધ્યા]. 37 અને રુબેનના પુત્રોએ હેશ્બોન તથા એલાલે તથા કિર્યાથાઈમ, 38 તથા નબો તથા બાલ-મેઓન (તેઓનાં નામ બદલીને) તથા સિબ્મા બાંધ્યાં. અને જે નગરો તેઓએ બાંધ્યાં તેઓને તેઓએ બીજાં નામ આપ્યાં. 39 અને મનાશ્શાના દિકરા માખીરના દિકરા ગિલ્યાદ ગયા, ને તે જીતી લઈને જે અમોરીઓ તેમાં રહેતા હતા તેઓને તેઓએ કાઢી મૂક્યા. 40 અને મૂસાએ મનાશ્શાના દિકરા માખીરને ગિલ્યાદ આપ્યું. અને તે તેમાં રહ્યો. 41 અને મનાશ્શાના દિકરા યાઈરે ત્યાં જઈને તેનાં શહેરો જીતી લીધાં, અને તેઓને હાબ્બોથ-યાઈર (એટલે યાઈરનાં નગરો) એવું નામ આપ્યું. 42 અને નોબાએ જઈને કનાથ તથા તેનાં ગામ જીતી લીધાં, અને પોતાના નામ પરથી તેનું નામ નોબા પાડયું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India