ગણના 31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મિદ્યાનીઓ સામે ધર્મયુદ્ધ 1 અને યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોનો બદલો મિદ્યાનીઓની પાસેથી લે. પછી તું તારા લોકમાં મળી જઈશ.” 3 અને મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી યદ્ધને માટે માણસોને શસ્ત્રસજ્જિત કરો કે, યહોવા તરફથી તેઓ મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા માટે મિદ્યાન ઉપર ચઢાઈ કરે. 4 ઇઝરાયલનાં સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી એક હજારને યુદ્ધમાં મોકલો.” 5 અને ઇઝરાયલનાં સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી એક હજાર, એટલે બાર હજાર પુરુષોને યુદ્ધને માટે હથિયારબંધ થયેલા સોંપવામાં આવ્યા. 6 અને તેઓને એટલે પ્રત્યેક કુળમાંથી એક હજારને મૂસાએ યુદ્ધમાં મોકલ્યા, અને તેઓની સાથે તેને એલાઝાર યાજકના દિકરા ફીનહાસને, પવિત્રસ્થાનનાં પાત્રો તથા ભયસૂચક રણશિંગડાં હાથમાં લઈને યુદ્ધમાં મોકલ્યો. 7 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેઓએ મુદ્યાનીઓની સામે લડાઈ કરી; અને તેઓએ સર્વ પુરુષોને મારી નાખ્યા. 8 અને બીજાઓને મારી નાખ્યા તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને, એટલે અવી તથા રેકેમ તથા સૂર તથા હૂર તથા રેબા, એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બયોરના દિકરા બલામને તરવારથી મારી નાખ્યો. 9 અને ઇઝરાયલીઓએ મિદ્યાનની સ્ત્રીઓને તથા તેઓનાં છોકરાંઓને પકડી લીધાં; અને તેઓનાં સર્વ ઢોર, ને તેઓનાં સર્વ ઘેટાંબકરાં, ને તેઓની બધી માલમિલકત તેઓએ લૂટી લીધાં. 10 અને જે નગરોમાં તેઓ રહેતા હતા તે તથા તેઓની સર્વ છાવણીઓ તેઓએ અગ્નિથી બાળી નાખ્યા. 11 અને માણસ તથા પશુ એ બન્નેની સઘળી લૂંટફાટ તેઓએ લીધી. 12 અને તેઓ બંદીવાનો તથા લૂટ મૂસાની તથા એલાઝાર યાજકની પાસે તથા ઇઝરાયલી પ્રજાની પાસે, યર્દનને કાંઠે યરીખો આગળ, મોઆબના મેદાનમાંની તેમની છાવણીમાં લાવ્યા. ઇઝરાયલનું લશ્કર જીતીને પાછું ફર્યું 13 અને મૂસા તથા એલાઝાર યાજક તથા પ્રજાના સર્વ અધિપતિઓ છાવણીની બહાર તેઓને મળવા ગયા. 14 અને સૈન્યના અધિકારીઓ, એટલે હજારહજારના આગેવાનો, તથા સોસોના આગેવાનો, જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર મૂસાને રોષ ચઢ્યો. 15 અને મૂસાએ તેઓને કહ્યું, “શું તમે સર્વ સ્ત્રીઓને જીવતી રાખી છે? 16 જુઓ, તેઓએ બલામની સલાહથી ઇઝરાયલીઓની પાસે પેઓરની બાબતમાં યહોવાની વિરુદ્ધ પાપ કરાવ્યું, ને તેથી યહોવાની પ્રજામાં મરકી ચાલી. 17 તો હવે છોકરાંમાંથી પ્રત્યેક નરને મારી નાખો, અને જેટલી સ્ત્રીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો હોય તે સર્વને [પણ] મારી નાખો. 18 પરંતુ જે નાની છોકરીઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો ન હોય, તે સર્વને તમે પોતાને માટે જીવતી રાખો. 19 અને તમે સાત દિવસ સુધી છાવણી બહાર રહો; તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાંખ્યું હોય, ને જે કોઈએ મારી નંખાયેલાનો સ્પર્શ કર્યો હોય, તે ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પોતાને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે. 20 અને સર્વ વસ્ત્ર ને ચામડાની બનાવેલી સર્વ ચીજો તથા બકરાંનાં રૂવાંની સર્વ વસ્તુઓ તથા લાકડાની બનાવેલી સર્વ ચીજો વિષે તમે પોતાને શુદ્ધ કરો.” 21 અને સૈન્યના જે માણસો લડાઈમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “જે નિયમ યહોવાએ મૂસા ને આપ્યો છે તેનો વિધિ એ છે. 22 પરંતુ સોનું રૂપું, પિત્તળ, લોઢું, કલાઈ, તથા સીસું, 23 જે કોઈ વસ્તુ અગ્નિમાં ટકી શકે તે તમે અગ્નિમાં નાખો, એટલે તે શુદ્ધ થશે, તોપણ શુદ્ધિના પાણીથી તે શુદ્ધ કરાશે, અને જે કંઈ અગ્નિમાં ટકી શકે નહિ તે તમે પાણીમાં નાખો. 24 અને સાતમે દિવસે તમે તમારાં વસ્ત્ર ધોઈ નાખો, એટલે તમે શુદ્ધ થશો, ને ત્યાર પછી તમે છાવણીમાં આવો.” લૂટની વહેંચણી 25 અને યહોવાએ મૂસાને કહ્યું, 26 “તું તથા એલાઝાર યાજક તથા પ્રજાના પિતાનાં [ઘરો] ના વડાઓ, માણસો તથા પશુઓની જે લૂટ કરવામાં આવી તેનો સરવાળો કરો. 27 અને એ લૂટના બે ભાગ પાડીને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેમને તથા સમગ્ર પ્રજાને [અકેક ભાગ] આપો. 28 અને જે લડવૈયાઓ લડાઈમાં ગયા હતા તેઓ પાસેથી યહોવાને માટે કર લો, દર પાંચસો [પ્રાણી] માંથી એક પ્રાણી, એટલે માણસોમાંથી તથા ગોપશુઓમાંથી, તથા ગધેડાંમાંથી, તથા ઘેટાંબકરાંમાંથી. 29 તેઓના અર્ધામાંથી તે લો, ને યહોવાના ઉચ્છાલીયાર્પણને માટે એલાઝાર યાજકને તે આપો. 30 અને ઇઝરાયલીઓના અર્ધામાંથી દર પચાસમાંથી ચિઠ્ઠીઓ નાખીને અકેક લો, એટલે માણસોમાંથી, ગોપશુઓમાંથી, ગધેડાંમાંથી, તથા ઘેટાંબકરાંમાંથી, એટલે સર્વ જાતનાં ઢોરઢાંકમાંથી [લો] , ને જે લેવીઓ યહોવાના મંડપની સંભાળ કરે છે તેઓને તે આપો.” 31 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ તથા એલાઝાર યાજકે કર્યું. 32 હવે લડવૈયાઓએ જે લૂટ લીધી હતી તે સિવાય જે લૂટ [મળી] હતી તે આ પ્રમાણે હતી, એટલે છ લાખ અને પંચોતેર હજાર ઘેટાં, 33 ને બોંતેર હજાર ગોપશુઓ, 34 ને એકસઠ હજાર ગધેડાં, 35 ને મનુષ્યજાતમાં બધી મળી બત્રીસ હજાર સ્ત્રીઓ કે, જેઓએ પુરુષની સાથે સૂઈને તેનો અનુભવ કર્યો નહોતો. 36 અને જે અડધો ભાગ લડાઈમાં જનારાઓને મળ્યો હતો તેમાં ત્રણ લાખ, સાડત્રીસ હજાર ને પાંચસો ઘેટાં હતાં. 37 અને ઘેટાંમાંથી યહોવાનો કર છસો ને પંચોતેરનો હતો. 38 અને ઢોર છત્રીસ હજાર હતાં. અને તેમાંથી યહોવાનો કર બોંતેરનો હતો. 39 અને ગધેડાં ત્રીસ હજાર ને પાંચસો હતાં. અને તેમાંથી યહોવાનો કર એકસઠનો હતો. 40 અને માણસો સોળ હજાર હતા. અને તેમાંથી યહોવાનો કર બત્રીસ માણસનો હતો. 41 અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ એ કર, એટલે યહોવાનું ઉચ્છાલીયાર્પણ, એલાઝાર યાજકને આપ્યો. 42 અને ઇઝરાયલી પ્રજાનો જે અડધો ભાગ મૂસાએ લડાઈમાં જનાર માણસો પાસેથી લીધો હતો, 43 (હવે પ્રજાના અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર ને પાંચસો ઘેટાં, 44 ને છત્રીસ હજાર ગોપશુઓ, 45 ને ત્રીસ હજાર પાંચસો ગધેડાં, 46 ને સોળ હજાર માણસો હતાં.) 47 ઇઝરાયલીઓના તે અડધા ભાગના દર પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી ચિઠ્ઠીઓ નાખીને અકેક લઈને, મૂસાએ યહોવાના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. 48 અને સૈન્યના હજારોના ઉપરી અમલદારો, એટલે હજારહજારના આગેવાનો, તથા સોસોના આગેવાનો, મૂસાની પાસે આવ્યા. 49 અને તેઓએ મૂસાને કહ્યું, “સૈન્યના જે માણસો અમારા તાબામાં છે તેઓની ગણતરી તારા દાસોએ કરી છે, ને અમારામાંનું એકે માણસ ખૂટતું નથી. 50 અને અમારા પ્રાણોને લીધે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાને માટે અમ પ્રત્યેકને જે મળ્યું તે અમે યહોવાને માટે અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળાં, તથા બંગડીઓ, વીંટીઓ, વાળીઓ, તથા માદળિયાં [લાવ્યા છીએ].” 51 અને મૂસાએ તથા એલાઝાર યાજકે તેઓનું સોનું એટલે સર્વ ઘડેલાં ઘરેણાં લીધાં. 52 અને જે ઉચ્છાલીયાર્પણનું સોનું હજારહજારના આગેવાનો તથા સોસોના આગેવાનો પાસેથી તેઓએ યહોવાને ચઢાવ્યું તે બધું મળીને સોળ હજાર સાતસો ને પચાસ શેકેલ હતું. 53 [કેમ કે દરેક લડવૈયાએ પોતપોતાને માટે લૂટ લઈ લીધી હતી.] 54 અને મૂસા તથા એલાઝાર યાજક હજારહજારના તથા સોસોના આગેવાનોનું સોનું લઈને યહોવાની સમક્ષ ઇઝરાયલ પ્રજાના સ્મરણને અર્થે મુલાકાતમંડપમાં તે લાવ્યા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India