ગણના 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દીકરીઓની વારસાહક્કની માગણી 1 અને યૂસફના દિકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી, મનાશ્શાના દિકરા માખીરના દિકરા ગિલ્યાદના દિકરા હેફેરના દિકરા સલોફહાદની દીકરીઓ [મૂસાની] પાસે આવી. અને તેની એ દીકરીઓનાં નામ આ હતાં:એટલે માહલા, નોઆ તથા હોગ્લા તથા મિલ્કા તથા તિર્સા. 2 અને મૂસાની રૂબરૂ તથા એલાઝાર યાજકની રૂબરૂ તથા અધિપતિઓ તથા સર્વ સભાની રૂબરૂ મુલાકાતમંડપના દ્વારની પાસે તેઓએ ઊભી રહીને કહ્યું, 3 “અમારા પિતા અરણ્યમાં મરી ગયા, ને જેઓ કોરાની સાથે યહોવાની વિરુદ્ધ એકત્ર થયા હતા તેઓની ટોળીમાંના તે ન હતા. પણ તે પોતાના પાપમાં મરી ગયા. અને તેમને દિકરા ન હતા. 4 તેમને દિકરો ન હતો માટે અમારા પિતાનું નામ તેમના કુળમાંથી લોપ કેમ થાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપો.” 5 અને મૂસા તેઓનો દાવો યહોવાની સમક્ષ લાવ્યો. 6 અને યહોવાએ મૂસાને કહ્યું, 7 “સલોફહાદની દીકરીઓ વાજબી બોલે છે. તું નક્કી તેઓના પિતાના ભાઈઓ મધ્યે તેઓને વારસાનું વતન આપ; અને તેઓને તેઓના પિતાનો વારસો તું અપાવ. 8 અને ઇઝરાયલી લોકોને એમ કહે, જો કોઈ માણસ મરી જાય ને તેને દિકરો ન હોય, તો તમે તેની દીકરીને તેનો વારસો અપાવો. 9 અને જો તેને દીકરી ન હોય તો તમે તેના ભાઈઓને તેનો વારસો આપો. 10 અને જો તેને ભાઈઓ ન હોય, તો તેના પિતાના ભાઈઓને તેનો વારસો આપો. 11 અને જો તેના પિતાને ભાઈઓ ન હોય, તો તેના કુટુંબમાં જે તેનો નિકટનો સગો હોય તેને તેનો વારસો આપો, ને તે તેનો માલિક થાય.” અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાણે ઇઝરાયલી લોકોને માટે તે ન્યાયનો કાનૂન થાય. મૂસાનો અનુગામી યહોશુઆ નીમાયો 12 અને યહોવાએ મૂસાને કહ્યું, “આ અબારીમ પર્વત પર ચઢ, ને જે દેશ મેં ઇઝરાયલી લોકોને આપ્યો છે તે જો. 13 અને જેમ હારુન તારો ભાઈ મળી ગયો, તેમ તું પણ તે જોઈને તારા પૂર્વજોની સાથે મળી જઈશ. 14 કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં, પાણીની પાસે (એટલે સીનના અરણ્યમાંના કાદેશમાં મરીબાનાં પાણી પાસે) તેઓની આગળ મને પવિત્ર માનવા વિષે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું.” 15 અને મૂસાએ યહોવાને કહ્યું, 16 “યહોવા, જે સર્વ દેહધારીઓના આત્માઓનો ઈશ્વર, તે લોકો ઉપર એક માણસને ઠરાવે, 17 જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.” 18 અને યહોવાએ મૂસાને કહ્યું, “નૂનનો દિકરો યહોશુઆ કે, જેનામાં [મારો] આત્મા છે, તેને તારી પાસે બોલાવીને તેના પર તારો હાથ મૂક. 19 એલાઝાર યાજક તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર; અને તેઓનાં જોતાં તેને દીક્ષા આપ. 20 અને તારો કેટલોક અધિકાર તું તેને આપ કે, ઇઝરાયલની સર્વ પ્રજા તેની આજ્ઞા માને. 21 અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.” 22 અને યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. અને તેણે યહોશુઆને બોલાવીને એલાઝાર યાજકની આગળ તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર્યો. 23 અને જેમ યહોવાએ મૂસાની હસ્તક કહ્યું હતું તેમ. તેણે તેના પર પોતાના હાથ મૂકીને તેને સોંપણી કરી. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India