ગણના 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બલામની પહેલી ભવિષ્યવાણી 1 અને બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદી બાંધ, ને અહીં સાત બળદ તથા સાત ઘેટા મારે માટે તૈયાર કર.” 2 અને જેમ બલામે કહ્યું હતું તેમ બાલાકે કર્યું. અને બાલાકે તથા બલામે પ્રત્યેક વેદી પર એક ગોધાનો તથા એક ઘેટાનો હોમ કર્યો. 3 અને બલામે બાલાકને કહ્યું, “તારા દહનીયાર્પણની પાસે ઊભો રહે, ને હું જાઉં. કદાચ યહોવા મને મળવા આવશે; અને જે વાત તે મને કહેશે તે હું તને કહીશ.” અને તે એક ઉજ્જડ ટેકરી પર ગયો. 4 અને બલામને ઈશ્વરનો મેળાપ થયો; અને ઈશ્વરે તેને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે, ને પ્રત્યેક વેદી પર મેં એક ગોધાનો તથા એક ઘેટાનો હોમ કર્યો છે.” 5 અને યહોવાએ બલામના મુખમાં એક વચન મૂકીને કહ્યું, “બાલાકની પાસે પાછો જઈને તેને એમ કહે.” 6 અને તેની પાસે તે પાછો આવ્યો, ને જુઓ, તે તથા મોઆબના સર્વ આગેવાનો તેના દહનીયાર્પણની પાસે ઊભેલા હતા. 7 અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “અરામથી બાલાક મને લાવ્યો છે, મોઆબનો રાજા પૂર્વના પર્વતોથી [મને લાવ્યો છે] ; આવ, મારે યાકૂબને શાપ આપ, ને આવ, ઇઝરાયલને તુચ્છકાર. 8 જેને ઈશ્વરે શાપ આપ્યો નથી તેને હું શાપ કેમ આપું? ને જેને યહોવાએ તુચ્છકાર્યો નથી તેને હું કેમ તુચ્છકારું? 9 કેમ કે ખડકોનાં શિખર પરથી હું તેને જોઉં છું, ને ડુંગરો પરથી તેને નિહાળું છું. જુઓ, તેઓ અલાહિદા રહેનારા લોક છે, અને દેશજાતિઓ ભેગા તેઓ ગણાશે નહિ. 10 યાકૂબની રજને કોણ ગણી શકે? અથવા ઇઝરાયલના ચતુર્થાંશની ગણતરી કોણ કરી શકે? મારો પ્રાણ ન્યાયને મોતે મરે, અને તેના જેવો મારો અંત આવે!” 11 અને બાલાકે બલામને કહ્યું, “આ તેં મને શું કર્યું છે? મારા શત્રુઓને શાપ આપવાને મેં તને બોલાવ્યો, ને જુઓ, તેં તો તેઓને નર્યો આશીર્વાદ જ આપ્યો છે.” 12 અને તેણે ઉત્તર આપ્યો, “યહોવા મારા મુખમાં જે મૂકે છે તે બોલવાને શું મારે સંભાળ ન રાખવી?” બલામની બીજી ભવિષ્યવાણી 13 અને બાલાકે તેને કહ્યું, “કૃપા કરીને મારી સાથે બીજે ઠેકાણે આવ કે, જ્યાંથી તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના સૌથી છેડા પરના ભાગને જ જોઈશ, ને તેઓ સર્વને તું નહિ જુએ. અને ત્યાંથી મારે માટે તેઓને શાપ આપ.” 14 અને તેણે બલામને સોફીમની સીમમાં પિસ્ગાના શિખર પર લાવીને સાત વેદીઓ બાંધી, ને પ્રત્યેક વેદી પર એક ગોધાનો તથા એક ઘેટાનો હોમ કર્યો. 15 અને તેણે બાલાકને કહ્યું, ‘અહીં તારા દહનીયાર્પણની પાસે ઊભો રહે, ને હું ત્યાં જઈને [યહોવાને] મળું.” 16 અને બલામને યહોવાનો મેળાપ થયો, ને તેના બલામને યહોવાનો મેળાપ થયો, ને તેના મુખમાં એક વચન મૂકીને ઈશ્વરે કહ્યું, “બાલાકની પાસે પાછો જઈને તેને એમ કહે.” 17 અને તે બાલાકની પાસે આવ્યો, ને જુઓ, તે પોતાના દહનીયાર્પણની પાસે ઊભો હતો, ને તેની સાથે મોઆબના આગેવાનો [પણ] હતા. અને બાલાકે તેને કહ્યું, “યહોવાએ તને શું કહ્યું છે?” 18 અને બાલામે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બાલાક, ઊઠ, ને સાંભળ. હે સિપ્પોરના દિકરા, મારી વાતને કાન ધર. 19 ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે? 20 જુઓ, આશીર્વાદ આપવાની [આજ્ઞા] મને મળી છે. અને તેમણે આશીર્વાદ આપ્યો છે, ને હું તે ઉલટાવી નાખી શકતો નથી. 21 તેમણે યાકૂબનાં અન્યાય જોયો નથી, અને ઇઝરાયલમાં તેમણે આડાપણું જોયું નથી. યહોવા તેનો ઈશ્વર તેની સાથે છે. અને તેઓ મધ્યે રાજાનો જયજયકાર છે. 22 ઈશ્વર મિસરમાંથી તેઓને કાઢી લાવ્યો. તેને જાણે કે જંગલી ગોધાના જેટલું બળ છે. 23 યાકૂબ પર નિશ્ચે કંઈ મંત્ર નહિ ચાલે, અને ઇઝરાયલ પર કંઈ શકુન નહિ ચાલે. હવે યાકૂબ તથા ઇઝરાયલ વિષે કહેવાશે, કે ઈશ્વરે કેવું કર્યું છે! 24 જુઓ, લોક સિંહણની પેઠે ઊઠે છે, અને સિંહની પેઠે ઊંચા થાય છે. તે શિકાર ખાય, અને મારીને રક્ત પીએ ત્યાં લગી તે સૂઈ જશે નહિ.” 25 અને બાલાકે બલામને કહ્યું, “તેમને બિલકુલ શાપ ન આપ, તેમ જ તેમને બિલકુલ આશીર્વાદ પણ ન આપ.” 26 પણ બલામે ઉત્તર આપીને બાલાકને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું, કે યહોવા જે કંઈ બોલે તે જ મારે કરવું પડશે?” બાલામની ત્રીજી ભવિષ્યવાણી 27 અને બાલાકે બલામને કહ્યું, “ચાલ ત્યારે, હું તને બીજે ઠેકાણે લઈ જઈશ. કદાચ ઈશ્વર એવી કૃપા કરે કે ત્યાંથી તું મારે માટે તેઓને શાપ આપે.” 28 અને બાલાક બલામને યશીમોનની સામેના પેઓરના શિખર પર લાવ્યો. 29 અને બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદી બાંધ, ને અહીં મારે માટે સાત બળદ તથા સાત ઘેટા તૈયાર કર.” 30 અને જેમ બલામે કહ્યું હતું તેમ કરીને બાલાકે પ્રત્યેક વેદી પર એક બળદનો તથા એક ઘેટાનો હોમ કર્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India