Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


કાદેશમાં બનેલા બનાવો
( નિ. ૧૭:૧-૭ )

1 અને પહેલે માસે ઇઝરાયલની સમગ્ર પ્રજા સીનના અરણ્યમાં આવી; અને લોકો કાદેશમાં રહ્યા. અને ત્યાં મરિયમ મરી ગઈ, ને ત્યાં તેને દાટવામાં આવી.

2 અને ત્યાં લોકોને માટે પાણી નહોતું. અને તેઓ મૂસાની તથા હારુનની વિરુદ્ધ એકત્ર થયા.

3 અને ત્યાં લોકોએ મુસાની સાથે તકરાર કરીને એમ કહ્યું કે, જ્યારે અમારા ભાઈઓ યહોવાની આગળ મરી ગયા, ત્યારે જો અમે મરી ગયા હોત તો કેવું સારું!

4 અને તમે યહોવાની મંડળીને આ અરણ્યમાં કેમ લાવ્યા છો કે, અમે તથા અમારાં ઢોર અહીં મરીએ?

5 અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરોની કે દ્રાક્ષાની કે દાડમોની જગા નથી; તેમ જ પીવાનું પાણી પણ બિલકુલ નથી.” અને આ ખરાબ જગામાં અમને લાવવાને તું અમને મિસરમાંથી કેમ કાઢી લાવ્યો છે? આ તો કંઈ દાણાની કે અંજીરોની કે દ્રાક્ષાની કે દાડમોની જગા નથી; તેમ જ પીવાનું પાણી પણ બિલકુલ નથી.”

6 અને મૂસા તથા હારુન સભાની આગળથી નીકળીને મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા, અને ઊંધા પડ્યા; અને તેઓને યહોવાના ગૌરવનું દર્શન થયું.

7 અને યહોવાએ મૂસાને કહ્યું,

8 “લાકડી લે, ને તું તથા તારો ભાઈ હારુન લોકોને એકત્ર કરીને તેઓના જોતાં ખડકને કહો કે તે પોતાનું પાણી આપે; અને તું ખડકમાંથી તેઓને માટે પાણી વહેતું કર. એમ તું પ્રજાને તથા ઢોરઢાંકને પા.”

9 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે તેની આગળથી લાકડી લીધી.

10 અને મૂસાએ તથા હારુને ખડક આગળ મંડળીને એકત્ર કરી, ને તેણે તેઓને કહ્યું, “હવે, હે બંડખોરો સાંભળો, શું અમે તમારે માટે આ ખડકમાંથી પાણી કાઢીએ?”

11 અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને બે વાર પોતાની લાકડી મારી. અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું, ને લોકોએ તથા તેઓનાં ઢોરોએ [પણ] પીધું.

12 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”

13 એ તો મરીબા [એટલે તકરાર] નાં પાણી છે, કેમ કે ઇઝરાયલી લોકોએ યહોવાની સાથે તકરાર કરી, અને તેઓ મધ્યે તેણે પોતાને પવિત્ર મનાવ્યો.


અદોમના રાજાએ દેશપાર જવા મના કરી

14 અને મૂસાએ કાદેશથી અદોમના રાજાની પાસે માણસોને મોકલીને [કહેવડાવ્યું] , “તારો ભાઈ ઇઝરાયલ એમ કહે છે, જે બધું કષ્ટ અમને પડ્યું છે તે તું જાણે છે.

15 એટલે કે અમારા પિતૃઓ મિસરમાં ગયા, ને અમે મિસરમાં લાંબી મુદત સુધી રહ્યા, અને મિસરીઓએ અમને તથા અમારા પિતૃઓને દુ:ખ દીધું,

16 અને અમે યહોવાને હાંક મારી ત્યારે તેમણે અમારી વાણી સાંભળી, ને દૂતને મોકલીને અમને મિસરમાંથી કાઢી લાવ્યા. અને જો, અમે તારી સરહદના છેડા પરના કાદેશ નગરમાં [આવી પહોંચ્યા] છીએ.

17 કૃપા કરીને અમને તારા દેશમાં થઈને જવા દે. ખેતરોમાં અથવા દ્રક્ષાવાડીઓમાં થઈને જવા દે. ખેતરોમાં અથવા દ્રાક્ષાવાડીઓમાં થઈને અમે નહિ ચાલીએ, ને કૂવાઓનું પાણી પણ નહિ પીએ. અમે રાજમાર્ગે ચાલીશું, અને તારી સરહદ ઓળંગતાં સુધી અમે જમણી કે ડાબી બાજુએ નહિ ફરીએ.”

18 અને અદોમે તેને કહ્યું, “મારા [દેશ] માં થઈને જતો ના, રખેને હું તરવાર લઈને તારી સામે નીકળી પડું.”

19 અને ઇઝરાયલી લોકોએ તેને કહ્યું, “અમે સડકે સડકે જઈશું. અને જો અમે, એટલે હું તથા મારાં ઢોર, તારું પાણી પણ પિઈએ, તો હું તેનું મૂલ્ય આપીશ. બીજું કંઈ નહિ તો મને પગે ચાલીને પેલી બાજુએ જવા દે.”

20 અને તેણે કહ્યું, “તું પાર જવા નહિ જ પામશે.” અને અદોમ ઘણા લોકો તથા બળવાન હાથ સહિત તેની સામે નીકળી આવ્યો.

21 એ રીતે અદોમે ઇઝરાયલને પોતાની સીમમાં થઈને જવા દેવાની ના પાડી; માટે ઇઝરાયલી લોકો તેની પાસેથી બીજી તરફ વળ્યા.


હારુનનું મૃત્યુ

22 અને ઇઝરાયલીઓ, એટલે સમગ્ર પ્રજા, કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવી.

23 અને હોર પર્વતમાં અદોમ દેશની સરહદ પાસે યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું.

24 હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઇઝરાલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું,

25 હારુનને તથા તેના દિકરા એલાઝારને લઈને તેઓને હોર પર્વત ઉપર લાવ.

26 અને હારુનના વસ્‍ત્ર ઉતારીને તેના દિકરા એલાઝારને પહેરાવ; અને હારુન ત્યાં મરી જશે, ને [પોતના પૂર્વજોની સાથે] મળી જશે.

27 અને જેમ યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ કર્યું. અને આખી પ્રજાના જોતાં તેઓ હોર પર્વત પર ચઢ્યા.

28 અને મૂસાએ હારુનના વસ્‍ત્ર ઉતારીને તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. અને ત્યાં પર્વતના શિખર પર હારુન મરી ગયો. અને મૂસા તથા એલાઝાર પર્વત પરથી ઊતર્યા.

29 અને સમગ્ર પ્રજાએ જોયું કે હારુન મરી ગયો, ત્યારે તેઓએ એટલે ઇઝરાયલના આખા ઘરનાંએ, હારુનને લીધે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan