Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


લાલ વાછરડીની રાખ

1 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,

2 “જે નિયમ યહોવાએ ફરમાવ્યો છે તેનો વિધિ એ છે કે, ઇઝરાયલી લોકોને કહે કે, એક નિર્દોષ લાલ વાછરડી, જેને કંઈ ખોડ ન હોય, ને જેના પર ઝૂંસરી કદી મૂકવામાં આવી ન હોય, એવીને તેઓ તારી પાસે લાવે.

3 અને તમે એલાઝાર યાજકને તે આપો, ને તે તેને છાવણી બહાર લાવે, ને તેની નજર આગળ કોઈ તેને કાપે.

4 અને એલાઝાર યાજક પોતાની આંગળીથી તેના રક્તમાંનું લઈને મુલાકાતમંડપની આગળ સાત વાર તેના રક્તમાંનું છાંટે.

5 અને તેના જોતાં વાછરડીનું દહન કોઈ કરે. તેના ચામડાનું, તથા તેના માંસનું, તથા તેના રક્તનું તેના છાણ સહિત, તે દહન કરે.

6 અને યાજક એરેજવૃક્ષનું લાકડું તથા ઝૂફો તથા કિરમજ લઈને વાછરડીના દહનની મધ્યે નાખે.

7 ત્યાર પછી યાજક પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને પછી છાવણીમાં આવે, ને યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય.

8 અને જે માણસ તેનું દહન કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.

9 અને એક શુદ્ધ માણસ તે વાછરડીની રાખ એકત્ર કરે, ને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગાએ તેની ઢગલી કરે, ને ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે શુદ્ધિના પાણી તરીકે તે રાખી મૂકવામાં આવે; તે પાપાર્થાર્પણ છે.

10 અને વાછરડીની રાખ એકત્ર કરનાર પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. અને ઇઝરાયલી લોકો માટે તથા તેઓ મધ્યે પ્રવાસ કરતા પરદેશીને માટે તે હમેશનો વિધિ થાય.


મુડદાનો સ્પર્શ કરના અશુદ્ધ ગણાય

11 જે જન કોઈ માણસના મુડદાનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

12 તે [શુદ્ધિના પાણી] થી તે ત્રીજે દિવસે પોતાનું શુદ્ધિકરણ કરે, ને સાતમે દિવસે તે શુદ્ધ થશે. અને જો ત્રીજે દિવસે તે પોતાનું શુદ્ધિકરણ ન કરે, તો સામે દિવસે તે શુદ્ધ થશે નહિ.

13 જો કોઈ મરેલા માણસના મુડદાનો સ્પર્શ કરે, ને તેમ છતાં પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને વટાળે છે; અને તે માણસ ઇઝરાયલમાંથી અલગ કરાય; કેમ કે તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ ગણાય. હજી તેના પર પોતાનું અશુદ્ધપણું છે.

14 જ્યારે કોઈ માણસ તંબુમાં મરી જાય ત્યારે તેને લગતો નિયમ આ છે: જે કોઈ એ તંબુમાં જાય, અથવા જે કોઈ એ તંબુમાં હોય, તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

15 અને પ્રત્યેક ઉઘાડું પાત્ર, જેના મોં પર ઢાંકણું ન હોય, તે અશુદ્ધ છે.

16 અને ખુલ્લા મેદાનમાં જે કોઈ તરવારે મારી નંખાયેલાનો, કે મુડદાનો, કે માણસના હાડકાનો, કે કબરનો સ્પર્શ કરે તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય.

17 અને તે અશુદ્ધ માણસને માટે તેઓ પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેને એક વાસણમાં ઝરાના પાણી સાથે મેળવે.

18 અને કોઈ શુદ્ધ માણસ ઝૂફો લઈને તેને પાણીમાં બોળીને તંબુ પર, ને [તેમાંનાં] સર્વ પાત્રો ઉપર, ને જે લોકો ત્યાં હોય તેઓના ઉપર, ને જેણે હાડકાનો કે મારી નંખાયેલાનો, કે મરેલાનો, કે કબરનો સ્પર્શ કર્યો હોય, તેના ઉપર તે છાંટે.

19 અને પેલો શુદ્ધ માણસ તે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે તે છાંટે; અને સાતમે દિવસે તે તેનું શુદ્ધિકરણ કરે; અને તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે, ને સાંજે તે શુદ્ધ થશે.

20 પણ જે માણસ અશુદ્ધ થયા છતાં પોતાને શુદ્ધ ન કરે, તે માણસ મંડળીમાંથી અલગ કરાય, કેમ કે તેણે યહોવના પવિત્રસ્થાનને વટાળ્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું; તે અશુદ્ધ છે.

21 અને તેઓને માટે તે સદાનો વિધિ થાય. અને જે માણસ શુદ્ધિનું પાણી છાંટે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે; અને જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

22 અને તે અશુદ્ધ માણસ જે કશાનો સ્પર્શ કરે તે પણ અશુદ્ધ ગણાય. અને જે માણસ તેવી વસ્‍તુનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan