ગણના 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)કોરા, દાથન અને અબિરામનો બળવો 1 અને લેવીના દિકરા કહાથના દિકરા ઈસહારનો દિકરો કોરા તથા અલિયાબના દિકરા દાથાન તથા અબિરામ તથા પેલેથનો દિકરો ઓન, એ રુબેનના પુત્રોએ કેટલાક માણસોને એકત્ર કર્યા. 2 અને તેઓ, ઇઝરાયલી લોકોમાંના કેટલાક, એટલે પ્રજાના અઢીસો અધિપતિઓ કેટલાક, એટલે પ્રજાના અઢીસો અધિપતિઓ કે જેઓ સભામાં તેડાયેલા નામાંકિત મઆણસો હતા, તેમને લઈને મૂસાની આગળ ઊભા થયા. 3 અને મૂસા તથા હારુનની સામે તેઓએ એકત્ર થઈને તેઓને કહ્યું, “સમગ્ર પ્રજામાંના સર્વ પવિત્ર છે, ને યહોવા તેઓની મધ્યે છે, તે જોતાં તમે વિશેષ સત્તા ધારણ કરો છો:તો તમે યહોવાની મંડળી પર પોતાને મોટા કેમ મનાવો છો?” 4 અને મૂસાએ એ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડ્યો. 5 અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું, “કોણ તેના છે, ને કોણ પવિત્ર છે, ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે, તે યહોવા કાલે બતાવશે. જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે. 6 તમે આમ કરો. કોરા તથા તેની આખી ટોળી, ધૂપપાત્ર લો. 7 અને તેઓમાં અગ્નિ નાખો, ને કાલે યહોવાની સમક્ષ તેઓ પર ધૂપ નાખો. અને એમ થાય કે, જે માણસને યહોવા પસંદ કરે તે પવિત્ર ઠરે:લેવીના દિકરાઓ, તમે વિશેષ સત્તા ધારણ કરો છો.” 8 અને મૂસાએ કોરાને કહ્યું, “લેવીના દિકરાઓ, સાંભળો. 9 એ શું તમને જૂજ લાગે છે કે ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, યહોવાના મંડપની સેવા કરવા માટે, ને પ્રજાની સામે ઊભા રહીને તેઓની સેવા કરવા માટે ઇઝરાયલની પ્રજાથી તમને અલગ કર્યા છે. 10 અને તે તને તથા તારી સાથે તારા સર્વ ભાઇઓ એટલે લેવીના દિકરાઓને, નજીક લાવ્યા છે? અને શું તમે યાજકપદ પણ માગો છો? 11 એ કારણ માટે તું તથા તારી આખી ટોળી યહોવાની વિરુદ્ધ એકત્ર થયા છો. અને હારુન તે કોણ કે તમે તેની સામે કચકચ કરો છો?” 12 અને મૂસાએ માણસ મોકલીને અલિયાબના દિકરા દોથાન તથા અબિરામને તેડાવ્યા. અને તેઓએ કહ્યું, “અમે ત્યાં નહિ આવીએ. 13 તું અમને અરણ્યમાં મારી નાખવા માટે દૂધમધની રેલછેલવાળા દેશથી અહીં કાઢી લાવ્યો છે, એ કંઈ થોડું છે કે વળી તું અમારા પર આગેવાની કરે છે? 14 વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો; અને તેં અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી.” 15 અને મૂસાને ઘણો ક્રોધ ચઢ્યો, ને તેણે યહોવાને કહ્યું, “તમે તેઓના અર્પણને ન ગણકારો. મેં તેઓની પાસેથી એક ગધેડું પણ લીધું નથી, ને તેઓમાંના કોઈને મેં ઉપદ્રવ કર્યો નથી.” 16 અને મૂસાએ કોરાને કહ્યું, “તું તથા તારી આખી ટોળી, એટલે તું તથા તેઓ તથા હારુન કાલે યહોવાની સમક્ષ હાજર થાઓ. 17 અને તમારામાંનો દરેક માણસ પોતાનું ધૂપપાત્ર, એટલે બસો પચાસ ધૂપપાત્રો, યહોવાની સમક્ષ લાવે. અને તું તથા હારુન પણ પોતપોતાનું ધૂપપાત્ર [લાવો].” 18 અને પ્રત્યેક માણસે પોતપોતાનું ધૂપપાત્ર લીધું, ને તેમાં અગ્નિ લીધો, ને તે પર ધૂપ નાખ્યો, ને મૂસા તથા હારુન સહિત તેઓ મુલાકાતમંડપના દ્વારમાં ઊભા રહ્યા. 19 અને કોરાએ તેઓની વિરુદ્ધ સમગ્ર પ્રજાને મુલાકાતમંડપના દ્વારની પાસે એકત્ર કરી; અને સમગ્ર પ્રજાને યહોવાના ગૌરવનાં દર્શન થયાં. 20 અને યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું, 21 “આ પ્રજામાંથી જુદા નીકળો, કે એક પળમાં હું તેઓનો સંહાર કરું.” 22 અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?” 23 અને યહોવાએ મૂસાને કહ્યું, 24 “લોકોને કહે, ‘કોરા, દાથાન તથા અબિરામના તંબુની આસપાસથી ઊઠી જાઓ.’” 25 અને મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો. અને ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા. 26 અને તેણે લોકોને કહ્યું, “કૃપા કરીને આ દુષ્ટ માણસોના તંબુઓ પાસેથી દૂર જતા રહો, ને તેઓની કંઈ ચીજનો સ્પર્શ ન કરો, રખેને તેઓનાં સર્વ પાપોમાં તમારો સંહાર થાય.” 27 અને તેઓ ચારે બાજુથી કોરા, દાથાન તથા અબિરામના તંબુઓ પાસેથી ઊઠી ગયા. અને દાથાન અબિરામના તંબુઓ પાસેથી ઊઠી ગયા. અને દાથાન તથા અબિરામ બહાર નીકળીને, તેઓની સ્ત્રીઓ તથા તેઓના દિકરા તથા તેઓનાં નાનાં બાળકો સહિત, પોતાના તંબુઓના બારણામાં ઊભા રહ્યા. 28 અને મૂસાએ કહ્યું, “આથી તમે જાણશો કે યહોવાએ આ સર્વ કામ કરવાને મને મોકલ્યો છે. કેમ કે [એ કામો મેં] પોતાની મેળે [કર્યા] નથી. 29 જો આ માણસો સર્વ માણસોના મારની પેઠે તેમના પર માર આવે, તો [એમ જાણવું કે] યહોવાએ મને મોકલ્યો નથી. 30 પણ જો યહોવા કંઈ નવાઈનું કૃત્ય કરે, ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના સર્વસ્વને સ્વાહા કરી જાય, ને તેઓ જીવતા શેઓલમાં ગરક થઈ જાય, તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાને ધિક્કાર્યા છે.” 31 અને એ સર્વ વાતો તે બોલી રહ્યો તે જ પળે એમ થયું કે તેઓની નીચેની જમીન ફાટી. 32 અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના ઘરખટલાઓને, તથા કોરાનાં સર્વ માણસોને તથા તેઓની સર્વ માલમતાને સ્વાહા કરી ગઈ. 33 એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતાં ને જીવતાં શેઓલમાં ઊતરી ગયાં. અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં, ને તેઓ સભામાંથી નાશ પામ્યાં. 34 અને જે સર્વ ઇઝરાયલ તેઓની આસપાસ ઊભા હતા તે તેઓની ચીસ સાંભળીને નાઠા; કેમ કે તેઓએ કહ્યું, “રખેને પૃથ્વી અમને પણ ગળી જાય.” 35 અને યહોવાની પાસેથી અગ્નિ ધસી આવ્યો, ને જે અઢીસો માણસો ધૂપ ચઢાવતા હતા તેઓને ભસ્મ કર્યા. બળવાખોરોનાં ધૂપપાત્રો ટીપીને વેદી ઢાંકવાનાં પતરાં બનાવ્યાં 36 અને યહોવાએ મૂસાને કહ્યું, 37 “હારુન યાજકના દિકરા એલાઝારને કહે, કે તે બળતામાંથી ધૂપપાત્રોને લઈ લે, ને તું અગ્નિને આમતેમ વિખેરી નાખ, કેમ કે તેઓ શુદ્ધ છે. 38 હા, એ પોતાના પ્રાણોની વિરુદ્ધ પાપ કરનારાઓનાં ધૂપપાત્રો [લઈ લઈને] તેમને ટીપીને વેદી ઢાંકવા માટે પતરાં બનાવવાં. કેમ કે તેઓએ તેઓને યહોવાની સમક્ષ ચઢાવ્યાં, એ માટે તેઓ શુદ્ધ છે. અને તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.” 39 અને જેઓ બાળી નંખાયા હતા તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રોનું અર્પણ કર્યું હતું, તે એલાઝારે લીધાં. અને તેઓએ તે ટીપીને વેદીનું ઢાંકણું બનાવ્યું. 40 એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ. હારુન ધૂપપાત્ર સાથે લોકો મધ્યે ગયો ને મરકી બંધ પડી 41 અને તેને બીજે દિવસે ઇઝરાયલના સર્વ લોકોએ મૂસા તથા હારુનની સામે કચકચ કરતાં કહ્યું, “તેમ યહોવાના લોકોને મારી નાખ્યા છે.” 42 અને જ્યારે મૂસા તથા હારુનની વિરુદ્ધ સર્વ લોકો એકત્ર થયા ત્યારે એમ થયું કે તેઓએ મુલાકાતમંડપની તરફ જોયું. તો જુઓ, મેઘે તેના પર આચ્છાદાન કર્યું હતું, ને યહોવાનું ગૌરવ જોવામાં આવ્યું. 43 અને મૂસા તથા હારુન મુલાકાતમંડપ આગળ આવ્યા. 44 અને યહોવાએ મૂસાને કહ્યું, 45 “આ લોકોમાંથી તમે નીકળી જાઓ કે, એક પળમાં હું તેઓનો સંહાર કરું.” અને તેઓ ઊંધા પડ્યા. 46 અને મૂસાએ હારુનને કહ્યું, “ધૂપપાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, ને તેના પર ધૂપ નાખ, ને તે તરત લોકોની પાસે લઈ જઈને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર; કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે. અને મરકી શરૂ થઈ છે.” 47 અને મૂસાએ કહ્યું, તે પ્રમાણે લઈને હારુન સભાની વચ્ચે દોડી ગયો. તો જુઓ, લોકોમાં મરકી શરૂ થઈ હતી. અને તેણે ધૂપ નાખ્યો, ને લોકોને માટે પ્રાયશ્ચિત્ત કર્યું. 48 અને જીવતા તથા મરણ પામેલાઓની વચ્ચે તે ઊભો રહ્યો. અને મરકી બંધ પડી. 49 અને કોરાનિ બાબતમાં જેઓ મરી ગયા હતા તેઓ ઉપરાંત મરકીથી ચૌદ હજાર ને સાતસો માણસો મરણ પામ્યા. 50 અને હારુન મૂસાની પાસે મુલાકાતમંડપના દ્વાર આગળ પાછો આવ્યો; અને મરકી બંધ થઈ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India