ગણના 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મરિયમને શિક્ષા 1 અને મૂસા એક કૂશી સ્ત્રીની સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારુન તેની વિરુદ્ધ બોલ્યા; કેમ કે તે કૂશી સ્ત્રીની સાથે પરણ્યો હતો. 2 અને તેઓએ કહ્યું, “શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યા છે? અમારી મારફતે પણ તે બોલ્યા નથી શું?” અને યહોવાએ તે સાંભળ્યું. 3 હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો. 4 અને યહોવાએ મૂસાને તથા હારુનને તથા મરિયમને એકાએક કહ્યું, “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે નીકળી આવો.” 5 અને મેઘસ્તંભમાં યહોવા ઊતર્યા, ને મંડપના દ્વારમાં ઊભા રહ્યા, ને હારુનને તથા મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં. 6 અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ. 7 મારો સેવક મૂસા એવો નથી. તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. 8 હું તેની સાથે બોલીશ, અને ભેદભરેલી વાતો વડે નહિ. અને તે યહોવાનું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતાં કેમ બીધાં નહિ?” 9 અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઊઠયો. અને તે ચાલ્યા ગયા. 10 અને મંડપ ઉપરથી તે મેઘ હઠી ગયો. અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારુને મરિયમ તરફ જોયું, તો જુઓ તે તો કોઢી હતી. 11 અને હારુને મૂસાને કહ્યું, “ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે. 12 પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય, તેવા મૃત્યુ પામેલા જેવી તે ન થાય.” 13 અને મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું, “ઓ ઈશ્વર, હું તમારા કાલાવાલા કરું છું કે તેને સમી કરો.” 14 અને યહોવાએ મૂસાને કહ્યું, “જો તને પિતા તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત, તો શું સાત દિવસ સુધી તે ન લાજત? સાત દિવસ તે છાવણીની બહાર રખાય, ને પછી તે પાછી આવે.” 15 અને મરિયમે સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી. અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ. 16 અને પછી લોકોએ હસેરોથથી નીકળીને પારાનના અરણ્યમાં છાવણી કરી. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India