નહેમ્યા 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)નહેમ્યા સામે કાવતરાં 1 હવે સાન્બાલ્લાટને, ટોબિયાને, અરબી ગેશેમને તથા અમારા બીજા શત્રુઓને ખબર મળી કે, મેં કોટ બાંધ્યો છે અને તેમાં એકે બાકું રહી ગયું નથી; ત્યારે (જો કે તે સમય સુધી મેં દરવાજાઓનાં કમાડો ચઢાવ્યા નહોતાં તોપણ;) 2 સાન્બાલ્લાટે તથા ગેશેમે મને કહેવડાવી મોકલ્યું, “આવ, આપણે ઓનોના મેદાનના એક ગામમાં મુલાકાત કરીએ” પણ તેઓ તો મને નુકશાન કરવાનો ઇરાદો કરતા હતા. 3 મેં તેઓની પાસે સંદેશિયા મોકલીને કહેવડાવ્યું, “હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું, માટે મારાથી આવી શકાય તેમ નથી. હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું?” 4 તેઓએ મને એ પ્રમાણે ચાર વખત કહેવડાવી મોકલ્યું. અને મેં એ જ રીતે તેઓને ઉત્તર આપ્યો. 5 ત્યારે પાંચમી વખતે સાન્બાલ્લાટે પોતાના ચાકરને એક ખુલ્લો પત્ર આપીને મારી પાસે મોકલ્યો. 6 તેમાં એવું લખેલું હતું, “પ્રજઓમાં એવી અફવા ચાલે છે, ને ગાશ્મૂ પણ કહે છે કે, તું યહૂદીઓ સાથે મળીને બંડ કરવાનો ઈરાદો કરે છે. એ જ હેતુથી તું કોટ બાંધે છે. અને તું તેઓનો રાજા થવા ઈચ્છે છે એવી અફવા ચાલે છે. 7 યહૂદિયામાં રાજા છે, એવું તારા વિષે યરુશાલેમમાં જાહેર કરવા માટે તેં પ્રબોધકો નીમ્યા છે; હવે આ હકીકત રાજાને જાહેર કરવામાં આવશે. માટે હવે આવ, અને આપણે ભેગા મળીને મસલત કરીએ.” 8 ત્યારે મેં તેને કહેવડાવી મોકલ્યું, “જેમ તું કહે છે તે પ્રમાણે તો કંઈ થતું નથી, એ તો તારા પોતાના મનની કલ્પના જ છે.” 9 અમે છેક નાહિમ્મત થઈને તે કામ છોડી દઈએ કે, પછી તે થાય જ નહિ, એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. “ [હે ઈશ્વર,] મારા હાથ તમે બળવાન કરો.” 10 મહેટાબેલના પુત્ર દલાયાના પુત્ર, શમાયાને ઘેર હું ગયો. [બારણાં] બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું, “આપણે ઈશ્વરના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ; કેમ કે તેઓ તને મારી નાખવા માટે આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખવા આવશે” 11 મેં કહ્યું, “શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા માટે કોણ મંદિરમાં [ભરાઈ] જાય? હું અંદર નહિ જાઉં.” 12 મેં ખ્યાલ કર્યો કે ઈશ્વરે તેને મોકલ્યો નહોતો. તેણે એ પ્રબોધ મારી વિરુદ્ધ કર્યો હતો; કેમકે ટોબિયાએ તથા સાન્બાલ્લાટે તેને લાંચ આપીને રાખ્યો હતો કે, 13 હું બી જાઉં, ને એ પ્રમાણે કરીને પાપ કરું, જેથી મારી નિંદા તથા અપકીર્તિ કરવાનું નિમિત્ત તેઓને મળે. 14 “હે મારા ઈશ્વર, ટોબિયાનું ને સાન્બાલ્લાટનું તેઓનાં આ કૃત્યો પ્રમાણે તમે સ્મરણ કરજો, ને નોઆદ્યા પ્રબોધિકા તથા બાકીના પ્રબોધકો, જેઓ મને ડરાવવા ઈચ્છતાં હતાં, તેઓનું પણ [સ્મરણ કરજો].” પૂરું થયેલું સમારકામ 15 અલૂલ માસની પચીસમી તારીખે, બાવન દિવસમાં, કોટ પૂરો થયો. 16 જ્યારે અમારા સર્વ શત્રુઓને એ વાતની ખબર પડી ત્યારે અમારી આસપાસના સર્વ વિદેશીઓને ડર લાગ્યો, અને તે અતિશય નિરાશ થયા; કેમ કે આ કામ અમારા ઈશ્વરથી થયેલું છે એ તેઓએ જાણ્યું. 17 વળી તે સમયે યહૂદિયાના અમીરો ટોબિયા પર ઘણા પત્રો મોકલતા હતા, તેમ જ ટોબિયાના [પત્રો] પણ તેમના ઉપર આવતા હતા. 18 યહૂદિયામાં ઘણાએ તેની આગળ સોગન ખાધેલા હતા, કેમ કે તે આરાહના પુત્ર શખાન્યાનો જમાઈ હતો. અને તેનો પુત્ર યહોહાનાન બરેખ્યાના પુત્ર મશુલ્લામની પુત્રી સાથે પરણ્યો હતો. 19 તેઓ મારી આગળ તેનાં સુકૃત્યો કહી બતાવતા હતા, ને મારી [કહેલી] વાતો તેને કહી દેતા, ટોબિયા મને બિવડાવવા માટે પત્રો મોકલતો હતો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India