નહેમ્યા 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ગરીબો પરનો જુલમ દૂર કર્યો 1 તે વખતે લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર કર્યો. 2 કેટલાકે કહ્યું, “અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ; અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતાં રહીએ.” 3 કેટલાકે કહ્યું, “અમે અમારાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ તથા ઘરો ગીરો મૂકવાને તૈયાર છીએ. [તે પર] અમને દુકાળમાં અનાજ આપો.” 4 કેટલાકે એમ કહ્યું, “રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ ઉપર પૈસા ઉપાડ્યા છે. 5 અને હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો, અને અમારાં બાળકો તેઓનાં બાળકો જેવાં જ છે, તોપણ, અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓને દાસદાસીઓ થવાને ગુલામની અવસ્થામાં લાવીએ છીએ, ને અમારી પુત્રીઓમાંની કેટલીક તો ગુલામ થઈ ચૂકી છે. અમે તદ્દન નિરુપાય છીએ, કેમ કે અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બીજા થયા છે.” 6 આ તેઓના પોકારના શબ્દો સાંભળીને મને બહું ક્રોધ ચઢ્યો. 7 ત્યારે મેં મનમાં વિચાર કર્યો ને અમીરોને તથા અમલદારોને ધમકાવીને કહ્યું, “તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહું આકરું વ્યાજ લો છો.” મેં તેમની વિરુદ્ધ એક મોટી સભા ભરી. 8 મેં તેઓને કહ્યું, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો? શું તેઓ અમને વેચાવા જોઈએ?” ત્યારે તેઓ છાના રહ્યા. તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહિ. 9 વળી મેં કહ્યું, “જે કૃત્ય તમે કરો છો તે સારું નથી. રખેને આપણા વિદેશી શત્રુઓ નિંદા કરે [એવી બીક રાખીને] તમારે આપણા ઈશ્વરનો ભય રાખીને વર્તવું ન જોઈએ? 10 હું, મારા ભાઈઓ તથા મારા સેવકો, તેઓને પૈસા ને અનાજ ધીરતા આવ્યા છીએ. તો હવે કૃપા કરીને આપણે વ્યાજ લેવાનું છોડી દેવું જોઈએ. 11 કૃપા કરીને આજે જ તમારે તેઓનાં ખેતરો, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ તથા તેઓનાં ઘરો, તથા જે પૈસા, અન્ન, દ્રાક્ષારસ તથા તેલ તમે તેઓની પાસેથી પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછાં આપવાં.” 12 ત્યારે તેઓએ કહ્યું, “અમે તે પાછાં આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહિ. તમારા કહેવા પ્રમાણે અમે કરીશું.” તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજકોને બોલાવીને તેઓની પાસે પ્રતિજ્ઞા લેવડાવી. 13 મેં મારો ખોળો ખંખેરી નાખીને કહ્યું, “જે કોઈ આ વચન ન પાળે તે દરેકનો ધંધો તોડી પાડીને તેના ઘરને ઈશ્વર આ પ્રમાણે ખંખેરી નાખો. એમ જ તે ખંખેરી નંખાઈને ખાલી થઈ જાઓ.”ત્યારે સર્વ લોકોએ કહ્યું, “આમીન.” તેઓએ યહોવાની સ્તુતિ કરી. અને લોકોએ એ વચન પ્રમાણે કર્યું. નહેમ્યાની નિ:સ્વાર્થ સેવા 14 જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના સૂબા તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટકે આર્તાહશાસ્તા રાજાના વીસમાં વર્ષથી તે બત્રીસમાં વર્ષ સુધી, બાર વર્ષનો સૂબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી. 15 પણ મારા પહેલાં જે સૂબાઓ હતા, તેઓના ખરચનો બોજો એ લોકો પર પડતો, તેઓ એમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ, તથા તે ઉપરાંત દરરોજ ચાળીસ શેકલ રૂપું લેતા હતા. હા, તેઓના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. પણ ઈશ્વરના ભયને લીધે મેં તો એમ કર્યું નથી. 16 હા, વળી હું એ કોટના કામમાં રોકાયેલો રહ્યો, ને અમે કંઈ પણ જમીન ખરીદી નહિ. અને મારા સર્વ ચાકરો તે કામમાં વળગ્યા રહેતા. 17 વળી અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના દોઢસો જણ મારી સાથે જમતા. 18 મારે માટે દરરોજ એક ગોધો, છ વીણી કાઢેલા ઘેટા, ને મરઘાં રાંધવામાં આવતાં, તથા દશ દશ દિવસને અંતરે દ્રાક્ષારસ જેટલો જોઈએ તેટલો આપવામાં આવતો; તોપણ મેં સૂબા તરીકે નો પગાર માગ્યો નહિ, કેમ કે આ લોકો પર બોજો ભારે હતો. 19 “હે મારા ઈશ્વર, એ લોકોને માટે મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કરો.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India