Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


નેહેમ્યાની રાજાને અરજ

1 આર્તાહશાસ્તા રાજાને વીસમે વર્ષે નીસાન માસમાં તેમની આગળ દ્રાક્ષારસ હતો, તે સમયે મેં તે દ્રાક્ષારસ લઈને રાજાને આપ્યો. હું કદી એ પહેલાં તેમની હજૂરમાં ઉદાસ થયો નહતો.

2 રાજાએ મને પૂછ્યું, “તું માદો નથી તેમ છતાં તારું મો કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી.” ત્યારે હું બહું જ ડરી ગયો.

3 મેં રાજાને કહ્યું, “રાજાજી, ચિરંજીવ રહો. જે નગર મારા પિતૃઓની કબરોનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે, ને તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયાં છે. તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય?”

4 રાજાએ મને પૂછ્યું, “તારી અરજ શી છે?” ત્યારે મેં આકાશના ઈશ્વરની પ્રાર્થના કરી.

5 મેં રાજાને કહ્યું, “જો આપની મરજી હોય, અને જો આપના સેવક પર આપની કૃપાર્દષ્ટિ હોય, તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને જવા દો, જેથી હું તે ફરીથી બાંધું.”

6 રાજાએ મને પૂછ્યું, (રાણી પણ રાજાની પાસે જ બેઠેલી હતી), તને ત્યાં જતાં કેટલો વખત લાગશે? અને તું ક્યારે પાછો આવશે?” મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી રાજાએ મને કૃપા કરીને જવા દીધો.

7 મેં રાજાને કહ્યું, “જો આપની મરજી હોય તો નદી પારના સૂબાઓ ઉપર મને એવા પત્ર અપાવજો કે, હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને જતાં અટકાવે નહિ;

8 વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક પત્ર [અપાવજો] કે ઘરના કિલ્લાના દરવાજાઓના મોભ બનાવવા માટે, નગરના કોટને માટે, તથા જે ઘરમાં હું રહું તેને માટે તે મને લાકડાં આપે.” મારા પર મારા ઈશ્વરની કૃપા હોવાથી રાજાએ મારી અરજ માન્ય કરી.


નગર પ્રદક્ષિણા

9 હું નદી પારના સૂબાઓ પાસે આવ્યો, ત્યારે મેં તેઓને રાજાના પત્રો આપ્યા. રાજાએ તો મારી સાથે સૈન્યના સરદારો તથા સવારો મોકલ્યા હતા.

10 ઇઝરાયલી લોકોનું હિત સાધવાને એક માણસ ત્યાં આવ્યો છે એ સાંભળીને હોરોની સાન્બાલાટને તથા આમ્મોની ચાકર ટોબિયાને ઘણું ખોટું લાગ્યું.

11 પછી હું યરુશાલેમ આવ્યો, અને ત્રણ દિવસ ત્યાં રહ્યો.

12 મેં રાત્રે ઊઠીને મારી સાથે થોડાક માણસોને લીધા. યરુશાલેમને માટે જે કરવાની મારા ઈશ્વરે મારા મનમાં પ્રેરણા કરી હતી, તે વિષે મેં કોઈને કંઈ કહ્યું નહિ. જે જનાવર પર હું સવાર થયેલો હતો તે સિવાય બીજું કોઈ પણ જનાવર મારી સાથે ન હતું.

13 હું રાત્રે ખીણને દરવાજેથી બહાર નીકળીને અજગરકુંડ તરફ છેક કચરાના દરવાજા સુધી ગયો. યરુશાલેમના કોટનું મેં અવલોકન કર્યું, તે તૂટી પડેલો હતો, ને તેના દરવાજા આગ્નિથૌ ભસ્મ થઈ ગયેલા હતા.

14 પછી ત્યાંથી આગળ ચાલીને કારંજાના દરવાજા સુધી તથા રાજાના તળાવ સુધી ગયો. પણ મારા જનાવરને ચાલવાની જગા ન હતી.

15 હું રાત્રે કાંઠે કાંઠે ગયો, અને કોટનું અવલોકન કર્યું; ત્યાંથી પાછો વળીને ખીણના દરવાજામાંથી થઈને હું પાછો આવ્યો.

16 હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યુ હતું, તે અધિકારીઓના જાણ્યામાં આવ્યું નહિ. મે યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું ન હતું.

17 પછી મેં તેઓને કહ્યું, “આપણે કેવી દુર્દશામાં છીએ તે તમે જુઓ છો, યરુશાલેમ ઉજજડ પડેલું છે, તેના દરવાજા અગ્નિથી ભસ્મ થયેલા છે. ચાલો, આપણે યરુશાલેમનો કોટ બાંધીએ, જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ.

18 મારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ મારા પર હતી તે વિષે, તથા રાજાએ મને જે વચનો આપ્યાં હતાં તે વિષે પણ મેં તેઓને કહ્યું, તેઓએ કહ્યું, “ઊઠો, આપણે બાંધીએ.” એમ તેઓએ એ સારું કાર્ય ઉમંગથી શરૂ કર્યું.

19 પણ હોરોની સાન્બાલ્લાટે, આમ્મોની ચાકર ટોબિયાએ તથા અરબી ગેશેમે આ સાંભળીને અમારી હાંસી કરી, અને અમારો તિરસ્કાર કરીને કહ્યું, “તમે આ શું કરો છો? શું તમે રાજાની સામે બંડ કરવા ઈચ્છો છો?”

20 ત્યારે મેં તેઓને ઉત્તર આપ્યો, “આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે; માટે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. પણ તમારો કંઈ હિસ્સો કે હક કે સ્મારક યરુશાલેમમાં નથી [એ જાણજો].”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan