નહેમ્યા 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મિશ્રિત લોકોને ઇઝરાયલીઓથી જુદા કર્યા 1 તે દિવસે મૂસાનું પુસ્તક લોકોના સાંભળતાં વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું મળ્યું કે, આમ્મોનીઓને તથા મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહિ; 2 કેમ કે તેઓ અન્નપાણી લઈને ઇઝરાયલપુત્રોને મળવા ન આવ્યા, પણ તેઓની વિરુદ્ધ, તેમને શાપ આપવા માટે, બલામને લાંચ આપીને તેઓએ રાખ્યો; તોપણ આપણા ઈશ્વરે તે શાપનો આશીર્વાદ કરી નાખ્યો. 3 તેઓ નિયમશાસ્ત્ર સાંભળી રહ્યા ત્યારે તેઓએ સર્વ મિશ્રિત લોકને ઇઝરાયલમાંથી જુદા કર્યા. નહેમ્યાએ દાખલ કરેલા સુધારા 4 એ અગાઉ, એલ્યાશીબ યાજક જેને આપણા ઈશ્વરના મંદિરની ઓરડીઓનો કારભારી ઠરાવ્યો હતો, 5 તે ટોબિયાનો સગો હતો માટે તેણે ટોબિયાને માટે એક મોટી ઓરડી બનાવી હતી. જેમ અગાઉ ખાદ્યાર્પણો, લોબાન તથા પાત્રો અને, અને લેવીઓને, ગવૈયાઓને તથા દ્વારપાળોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના, દ્રાક્ષારસના તથા તેલના દશાંશો, તથા યાજકોનાં ઉચ્છાલીયાર્પણો ભરી રાખવામાં આવતાં હતાં. 6 પણ એ બધો વખત હું યરુશાલેમમાં નહોતો. કેમ કે બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમાં વર્ષમાં હું રાજા પાસે ગયો હતો. કેટલાક દિવસો પછી રાજા પાસેથી રજા લઈને 7 હું યરુશાલેમ આવ્યો, ત્યારે એલ્યાશીબે ટોબિયાને માટે ઈશ્વરના મંદિરનાં આંગણામાં ઓરડી બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી. 8 ત્યારે મને બહું દુ:ખ લાગ્યું; તેથી મેં ટોબિયાના ઘરનો સર્વ સરસામાન તે ઓરડીમાંથી બહાર ફેંકી દઈને 9 એ ઓરડી સાફસૂફ કરવાનો મેં હુકમ કર્યો. તે પછી ઈશ્વરના મંદિરનાં પાત્રો, ખાદ્યાર્પણો તથા લોબાન હું તેમાં પાછાં લાવ્યો. 10 વળી મને માલૂમ પડ્યું કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવ્યા ન હતા. તેથી લેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાનાં ખેતરોમાં ચાલ્યા ગયા હતા. 11 ત્યારે મેં અધિકારીઓની સાથે તકરાર લઈને કહ્યું, “ઈશ્વરના મંદિરની આવી દુર્દશા કેમ થઈ છે?” મેં [લેવીઓને] એકત્ર કરીને તેઓને પોત પોતાની જગા પર રાખ્યા. 12 ત્યારે યહૂદિયાના સર્વ લોક અન્નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દશાંશ ભંડારોમાં લાવ્યા. 13 તે ભંડારો ઉપર મેં ભંડારીઓ નીમ્યા, તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક ચિટનીસ, તથા લેવીઓમાંનો પદાયા; અને તેઓથી ઊતરતો માત્તાન્યાના પુત્ર ઝાક્કૂરનો પુત્ર હાનાન હતો; કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા, પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું. 14 “હે મારા ઈશ્વર, એ વિષે મારું સ્મરણ કરો, અને મારા સુકૃત્યો જે મેં મારા ઈશ્વરના મંદિરને માટે તથા તેનાં કાર્યોને માટે કર્યા છે, તે તમે ભૂંસી ન નાખો.” 15 તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકને સાબ્બાથે દ્રાક્ષો પીલતાં, તથા ગધેડાં પર પૂળીઓ લાદતાં તથા દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના બોજા યરુશાલેમમાં લાવતાં જોયા, ત્યારે મેં તે જ દિવસે તેઓની સામે વાંધો લીધો. 16 [યરુશાલેમમાં] તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા સર્વ પ્રકારનો માલ લાવતા, ને સાબ્બાથે યહૂદિયાના લોકોને તે વેચતા. 17 ત્યારે મેં યહૂદિયાના અમીરો સાથે તકરાર લઈને તેઓને કહ્યું, “તેમ આ કેવું દુષ્ટ કામ કરો છો, ને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો? 18 શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? [તે કારણથી] આપણા ઈશ્વર આપણા પર તથા આ નગર પર આ સર્વ હાનિ લાવ્યા નથી? તોપણ તમે સાબ્બાથને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર હજી ઈશ્વરનો કોપ વધારે લાવો છો.” 19 સાબ્બાથને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમની ભાગળો બંધ કરવાની, અને સાબ્બાથ વીત્યા પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. અને મેં મારા ચાકરોમાંના કેટલાકને ભાગળોના દરોગા ઠરાવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કંઈ પણ માલ લાવી શકાય નહિ. 20 તેથી વેપારીઓ તથા સર્વ પ્રકારનો માલ વેચનારાઓએ એક બે વખત યરુશાલેમની બહાર મુકામ કર્યો. 21 ત્યારે મેં તેઓને ચેતવણી આપીને તેઓને કહ્યું, “તમે કોટની આજુબાજુ કેમ ઊતરો છો? જો તમે ફરી એમ કરશો તો હું તમને શિક્ષા કરીશ.” ત્યાર પછી તેઓ સાબ્બાથે ફરી આવ્યા નહિ. 22 એં લેવીઓને આજ્ઞા કરી, “સાબ્બાથ દિવસને પવિત્ર રાખવા માટે તેઓ પોતે શુદ્ધ થાય, અને ભાગળોની સંભાળ રાખે. હે મારા ઈશ્વર, મારા લાભમાં આનું પણ સ્મરણ કર. અને તમારી પુષ્કળ કૃપાને લીધે મને દરગુજર કરો.” 23 તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તેઓને મેં જોયા. 24 તેઓનાં બાળકો આર્ધુ આશ્દોદી ભાષામાં બોલતાં હતાં, ને તેઓને યહૂદીઓની ભાષા આવડતી ન હતી, પણ પોતપોતાના લોકની મિશ્ર ભાષા બોલતાં હતાં. 25 મેં વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ફાંસી કાઢ્યા, ને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા, “અમારે પોતાની પુત્રીઓ તેઓના પુત્રોને આપવી નહિ, અને તેઓની પુત્રીઓને અમારે પોતાના પુત્રો માટે કે પોતાને માટે લેવી નહિ.” 26 ઇઝરાયલના રાજા સુલેમાનને શું એ બાબતો વિષે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેવો રાજા કોઈ ન હતો, તે પોતાના ઈશ્વરનો વહાલો હતો, અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલીઓ ઉપર રાજા ઠરાવ્યો હતો; તેમ છતાં તેની પરદેશી સ્ત્રીઓએ તેની પાસે પાપ કરાવ્યું. 27 તો શું, અમે તમારું સાંભળીને પરદેશી સ્ત્રીઓ પરણીને અમારા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ?” 28 મુખ્ય યાજક એલ્યાશીબના પુત્ર યોયાદાના પુત્રોમાંનો એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેને પણ મેં મારી પાસેથી હાંકી કાઢ્યો. 29 “હે મારા ઈશ્વર, તેઓનું સ્મરણ કરો, કેમ કે તેઓએ યાજકપદને તથા યાજકપદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યા છે.” 30 આ રીતે મેં સર્વ પરદેશીઓના સંબંધમાંથી તેઓને શુદ્ધ કર્યા, અને યાજકોને તથા લેવીઓને પોતપોતાના કામના ક્રમ ઠરાવી આપ્યા; 31 અને ઠરાવેલે સમયે કાષ્ટાર્પણને માટે તથા પ્રથમફળોને માટે પણ [ક્રમ ઠરાવી આપ્યો.] “હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India