Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નહેમ્યા 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યરુશાલેમ માટે નહેમ્યાની વ્યથા

1 હખાલ્યાના પુત્ર નહેમ્યાનું વૃત્તાંત. વીસમા વર્ષના કિસ્લેવ માસમાં હું સૂસાના કિલ્લામાં હતો ત્યારે એવું બન્યું કે,

2 મારા ભાઈઓમાનો એક હનાની તથા યહૂદિયામાંથી કેટલાક માણસો, ત્યાં આવ્યા; અને બંદીવાસમાંથી છૂટેલાઓમાંના જે યહૂદીઓ જીવતા રહ્યા હતા, તેઓ વિષે તથા યરુશાલેમ વિષે મેં તેમને પૂછ્યું.

3 તેઓએ મને કહ્યું, “બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે.”

4 એ ખબર મેં સાંભળી ત્ચારે હું બેસીને રડ્યો, ને કટલાક દિવસ સુધી મેં શોક કર્યો, આકાશના ઈશ્વરની આગળ મેં ઉપવાસ સહિત પ્રાર્થના કરી,

5 “હે આકાશના ઈશ્વર યહોવા, મોટા તથા ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો; હું તમારા કાલાવાલા કરું છું,

6 તમે ધ્યાન દઈને મારું સાંભળો, ને તમારી આંખો ઉઘાડો, તમારા સેવકની પ્રાર્થના છે કે ઇઝરાયલી લોકોએ જે પાપો તમારી આજ્ઞાની વિરુદ્ધ કર્યા છે તેઓનો ઇકરાર કરતાં રાતદિવસ તમારી સમક્ષ તમારા સેવક ઇઝરાયલને માટે હું પ્રાર્થના કરું છું, તે તમે સાંભળો; હા મેં તથા મારા પૂર્વજોએ પાપ કર્યુ છે.

7 અમે તમારી વિરુદ્ધ ઘણો દુરાચાર કર્યો છે, જે આજ્ઞાઓ, વિધિઓ તથા હુકમો તમે તમારા સેવક મૂસાને ફરમાવ્યાં, તે અમે પાળ્‍યાં નથી.

8 જે વચન તમે તમારા સેવક મૂસાને ફરમાવ્યું, તે કૃપા કરીને સંભારો. તમે કહ્યું હતું, ‘જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો હું તમને વિદેશીઓમાં વિખૈરી નાખીશ;

9 પણ જો પાછા ફરીને તમે મારી ઉપાસના કરશો, મારી આજ્ઞાઓ પાળશો, ને તેઓનો અમલ કરશો, તો તમારામાંના જેઓ દેશનિકાલ થઈને આકાશના છેડા સુધી વિખેરાયેલા હશે તોપણ, તેઓને હું ત્યાંથી એકઠા કરીશ, ને જે સ્થળ મારું નામ રાખવાને મેં પસંદ કર્યુ છે ત્યાં હું તેઓને લાવીશ.’

10 આ તમારા સેવકો તથા તમારા લોક છે કે, જેઓને તમે તમારા મોટા પરાક્રમી તથા તમારા બળવાન હાથથી છોડાવ્યા છે.

11 એ પ્રભુ, આ તમારા સેવકની પ્રાર્થના તથા તમારા જે સોવકો તમારાથી ડરે છે, અને તમારા નામ પ્રત્યે આદરભાવ રાખવામાં આનંદ માને છે તેઓની પ્રાર્થના કૃપા કરીને ધ્યાન દઈને સાંભળો. આજે કૃપા કરીને તમારા સેવકને તમે આબાદાની આપો, ને આ માણસની મારા પર કૃપાર્દષ્ટિ થાય એમ તમે કરો. (હું તો રાજાનો પાત્રવાહક હતો.)

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan