નાહૂમ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ખૂની નગરને અફસોસ! તે બધું જૂઠથી તથા મારફાડથી ભરપૂર છે. લૂંટફાટ કરવાનું તો [તેમાંથી] બંધ પડતું જ નથી. 2 ચાબૂકની સટાક તથા ગડગડતાં પૈડાંનો ખડખડાટ, કૂદતા ઘોડા તથા ઊછળતા રથો, 3 ઘોડેસવારોની દોડાદોડ, તરવારના ઝબકારા તથા ભાલાના ચમકારા, કતલ થયેલાઓનો મોટો ઢગલો તથા લાશોનો મોટો ગંજ! મુડદાંનો તો પાર જ નથી. તેઓ તેમનાં મુડદાં પર ઠેસ ખાય છે. 4 તેનું કારણ એ છે કે, ખૂબસુરત વેશ્યા જે જાદુક્રિયાઓમાં પ્રવીણ છે, જે પ્રજાઓને પોતાના વ્યભિચારોથી ને કુટુંબોને પોતાની જાદુક્રિયાઓથી વેચી દે છે, તેના વ્યભિચાર પુષ્કળ [છે]. 5 સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, હું તારો ઘાઘરો તારા મોં આગળ ઉઘાડીશ, અને હું પ્રજાઓને તારી નગ્નતા, ને રાજ્યોને તારી લાજ દેખાડીશ. 6 હું કંટાળાદાયક ગંદકી તારા પર નાખીશ, તને ફજેત કરી નાખીશ, ને તને હાસ્યજનક પૂતળા તરીકે બેસાડીશ. 7 ત્યારે જેઓ તને જોશે, તેઓ સર્વ તારી પાસેથી નાસી જશે, ને કહેશે, નિનવેને ઉજ્જડ કરી મૂકવામાં આવ્યું છે. તેને માટે કોણ વિલાપ કરશે? તારે માટે દિલાસો દેનારાઓને હું ક્યાંથી શોધી લાવું? ” 8 શું તું નો-આમોન [નગરી] કરતાં શ્રેષ્ઠ છે, જે નહેરો મધ્યે આવેલી હતી, જેની આસપાસ પાણી હતું. જેનો કિલ્લો સમુદ્ર ને કોટ સમુદ્રનાં [પાણી] હતાં? 9 કૂશ તથા મિસર તેનું બળ હતું, તે અપાર હતું પૂટ તથા લૂબીઓ તારા મદદગારો હતા. 10 તે છતાં તેનું હરણ થયું, તે ગુલામગીરીમાં ગઈ. તેનાં નાનાં બાળકોને સઘળી શેરીઓને નાકે અફાળીને ચૂરો કરવામાં આવ્યાં; અને તેના પ્રતિષ્ઠિત માણસોને માટે તેઓએ ચિઠ્ઠીઓ નાખી, ને તેના સર્વ મોટા માણસોને સાંકળોથી બાંધવામાં આવ્યા. 11 [નિનવે] , તું પણ છાકટું બનશે, તું છુપાઈ જશે. તું પણ શત્રુને લીધે આશ્રયસ્થળ શોધશે. 12 તારા બધા કિલ્લાઓ પહેલા ફાલનાં અંજીરવાળી અંજીરી [જેવો] થશે. જો કોઈ તેમને ઝૂડે તો તેઓ ખાનારના મોંમાં પડે છે. 13 જો, તારામાં [રહેનાર] લોકો સ્ત્રીઓ [જેવા] છે. તારામાં [રહેનાર] લોકો સ્ત્રીઓ [જેવા] છે. તારા દેશના દરવાજા તારા શત્રુઓ આગળ છેક ખુલ્લા મૂકવામાં આવ્યા છે; અગ્નિએ તારી ભૂંગળોને ભસ્મ કરી છે. 14 પોતાને સારું ઘેરાને માટે પાણી કાઢીને [ભરી રાખ] , તારા કિલ્લા મજબૂત કર. કાદવમાં પેસ, ને ગારો ગૂંદ, ઈંટનાં બીબાં પકડ. 15 ત્યાં અગ્નિ તને ભસ્મ કરશે. તરવાર તને કતલ કરશે. તને તે કાતરાઓની જેમ ખાઈ નાખશે; પોતાના [માણસોને] કાતરાઓના જેટલા [સંખ્યાબંધ] કરી દે, તેઓને તીડો જેટલા [સંખ્યાબંધ] કરી દે. 16 તેં તારા વેપારીઓને આકાશના તારાઓ કરતાં વધારી દીધા છે. કાતરાઓ ખાઈ નાખીને ઊડી જાય છે. 17 તારા અમલદારો તીડો જેવા, ને તારા સેનાપતિઓ ખપેડીનાં ટોળાં જેવા છે કે, જેઓ દિવસને ઠંડે પહોરે વાડોમાં ભરાઈ રહે છે, પણ સૂર્ય ઊગે ત્યારે તેઓ જતા રહે છે, ને તેઓનું ઠેકાણું ક્યાં છે તે કોઈ જાણતું નથી. 18 હે આશૂરના રાજા, તારા સૂબાઓ ઊંઘે છે, તારા અમીર ઉમરાવો સૂતેલા છે. તારા લોકોને પર્વતો પર વિખેરી નાખવામાં આવ્યા છે, તેમને ભેગા કરનાર કોઈ નથી. 19 તારા ઘાની. વેદના બિલકુલ શમતી નથી, તારો ઘા કારી છે. તારી ખબર સાંભળનારા સર્વ તારા [હાલ જોઈને] તાળીઓ પાડે છે. કેમ કે તારી દુષ્ટતા કોના પર સતત ચાલી નથી? |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India