Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નાહૂમ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 નિનવે વિષે ઈશ્વરવાણી. એલ્કોશના નાહૂમના સંદર્શનનું પુસ્તક.


નિનવે સામે પ્રભુનો કોપ

2 યહોવા આવેશી ઈશ્વર છે ને તે બદલો લેનાર છે. યહોવા બદલો લે છે, તે કોપાયમાન થયા છે. યહોવા પોતાના વૈરીઓને બદલો આપે છે, ને તે પોતાના શત્રુઓને માટે [કોપ] સંઘરી રાખે છે.

3 યહોવા કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા તોફાનમાં છે, ને વાદળાં તેમના પગની રજ છે.

4 તે સમુદ્રને ધમકાવીને તેને સૂકો કરી નાખે છે, ને બધી નદીઓને સૂકવી નાખે છે. બાશાન ઝૂરે છે, ને કાર્મેલ તથા લબાનોનનું ફૂલ કરમાય છે.

5 પર્વતો તેમને જોઈને કાંપે છે, ને ડુંગરો પીગળી જાય છે. તેમની આગળ પૃથ્વી, હા, જગત તથા તેના સર્વ રહેવાસીઓ હાલી ઊઠે છે.

6 પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.

7 યહોવા સારા છે, સંકટ સમયે તે ગઢરૂપ છે; અને તેમના પર ભરોસો રાખનારાઓને તે ઓળખે છે.

8 પણ ફરી વળતી રેલથી પોતાના શત્રુઓના સ્થાનનો તે સંપૂર્ણ અંત લાવશે. ને તેઓ અંધકારમાં આવી પડે ત્યાં સુધી તે તેઓની પાછળ પડશે.

9 યહોવાની વિરુદ્ધ તમે શું તરકટ કરો છો? તે સંપૂર્ણ અંત લાવશે, બીજી વાર વિપત્તિ ઊભી થશે નહિ.

10 કેમ કે જો કે તેઓ ગૂંથાઈ ગયેલા કાંટાઓ જેવા હશે, ને જાણે કે પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે તોપણ સૂકા કચરાની જેમ તેઓને ભસ્મ કરવામાં આવશે.

11 તારામાંથી એક નીકળીને બહાર ગયો છે, તે યહોવાની વિરુદ્ધ ભૂંડી યોજના કરે છે, ને દુષ્કર્મ [કરવા] ની શિખામણ આપે છે.

12 યહોવા એમ કહે છે, “જો કે તેઓ પૂરેપૂરા બળવાન તેમ જ સંખ્યાબંધ હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે, ને તે હતો ન હતો થઈ જશે. જો કે મેં તને દુ:ખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુ:ખી કરીશ નહિ.

13 હવે હું તારા પરથી તેની ઝૂંસરી ભાંગી નાંખીશ, ને તારા બંધ તોડી નાખીશ.”

14 યહોવાએ તારા સંબંધી આજ્ઞા આપી છે, “હવે પછી તારાં બી ફરી વાવવામાં આવશે નહિ. તારા દેવોના મંદિરમાંથી હું ઘડેલી મૂર્તિનો તથા ઢાળેલી મૂર્તિનો નાશ કરીશ. હું તારી કબર ખોદીશ; કેમ કે તું દુષ્ટ છે.”

15 જુઓ, વધામણી લાવનારનાં, શાંતિના સમાચાર આપનારનાં પગલાં પર્વતો પર [દેખાય છે] ! હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર; કેમ કે હવે પછી કોઈ દુષ્ટ માણસ કદી તારી અંદર થઈને જશે નહિ; તેનું નિકંદન થયું છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan