Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુનું સજીવન થઈ ઊઠવું
( માથ. ૨૮:૧-૮ ; લૂ. ૨૪:૧-૧૨ ; યોહ. ૨૦:૧-૧૦ )

1 વિશ્રામવાર વીતી ગયા પછી મગદલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા શાલોમી, તેઓએ તેમને ચોળવા માટે સુગંધી દ્રવ્યો વેચાતાં લીધાં.

2 અઠવાડિયાને પહેલે દિવસે મોટે પરોઢિયે સૂર્ય ઊગતે, તેઓ કબરે આવે છે.

3 તેઓ અંદરઅંદર કહેતી હતી, “આપણે માટે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે?”

4 તેઓ નજર કરીને જુએ છે કે, પથ્થર તો ગબડી ગયેલો છે! તે બહુ મોટો હતો.

5 તેઓએ કબરમાં પેસીને સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો; તેથી તેઓને નવાઈ લાગી.

6 પણ તે તેઓને કહે છે, “નવાઈ ન પામો; વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો; તે ઊઠ્યા છે; તે અહીં નથી. જુઓ, જે જગાએ તેમને મૂક્યા હતા તે આ છે.

7 પણ તમે જાઓ, તેમના શિષ્યોને તથા પિતરને કહો કે, તે તમારી અગાઉ ગાલીલમાં જાય છે; જેમ તેમણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેમને જોશો.”

8 પછી તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ; કેમ કે તેઓને ભયથી ધ્રુજારી આવી અને અચંબો લાગ્યો. તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ! કેમ કે તેઓ બીધી હતી.


ઈસુનું મગદલાની મરિયમને દર્શન
( માથ. ૨૮:૯-૧૦ ; યોહ. ૨૦:૧૧-૧૮ )

9 અઠવાડિયાના પહેલા દિવસને પ્રભાતે તે પાછા ઊઠીને મગદલાની મરિયમ, જેનામાંથી તેમણે સાત દુષ્ટાત્મા કાઢ્યા હતા, તેને તે પહેલા દેખાયા.

10 જેઓ તેમની સાથે રહેલા હતા, તેઓ શોક તથા રુદન કરતા હતા, ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી.

11 “તે જીવતા છે, ને તેના જોવામાં આવ્યા છે, ” એ સાંભળીને તેઓએ માન્યું નહિ.


બે શિષ્યોને ઈસુનું દર્શન
( લૂ. ૨૪:૧૩-૩૫ )

12 તે પછી તેઓમાંના બે જણ‍ ચાલતાં ગામડે જતા હતા, એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયા.

13 તેઓએ જઈને બાકી રહેલાઓને તે ક્હ્યું, પણ તેઓએ તેઓનું માન્યું નહિ.


અગિયાર શિષ્યોને ઈસુનું દર્શન
( માથ. ૨૮:૧૬-૨૦ ; લૂ. ૨૪:૩૬-૩૯ ; યોહ. ૨૦:૧૯-૨૩ ; પ્રે.કૃ. ૧:૬-૮ )

14 તે પછી અગિયાર [શિષ્યો] જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયા, તેમણે તેઓના અવિશ્વાસ તથા કઠણ હ્રદયને લીધે તેઓને ઠપકો આપ્યો; કેમ કે તેમના પાછા ઊઠ્યા પછી જેઓએ તેમને જોયા હતા, તેઓનું તેઓએ માન્યું નહોતું.

15 તેમણે તેઓને કહ્યું, “આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો.

16 જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.

17 વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે:મારે નામે તેઓ દુષ્ટાત્માઓ કાઢશે, નવી બોલીઓ બોલશે;

18 સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પ્રાણઘાતક વસ્તુ પીએ, તો તેઓને કંઈ પણ ઈજા થશે નહિ. તેઓ માંદાઓ પર હાથ મૂકશે, એટલે તેઓ સાજા થશે.”


ઈસુનું સ્વર્ગારોહણ
( લૂ. ૨૪:૫૦-૫૩ ; પ્રે.કૃ. ૧:૯-૧૧ )

19 પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયા, ને ઈશ્વરને જમણે હાથે બેઠા.

20 તેઓએ ત્યાંથી જઈને બધે સ્‍થળે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતા, ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તા [ની સત્યતા] સાબિત કરતા. આમીન. ?? ?? ?? ?? 1

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan