Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુ ફારગતી વિષે શીખવે છે
( માથ. ૧૯:૧-૧૨ ; લૂ. ૧૬:૧૮ )

1 અને ત્યાંથી ઊઠીને તે યર્દનને પેલે પાર યહૂદિયાના પ્રદેશોમાં આવે છે; અને ફરી ઘણા લોકો આવીને તેમની પાસે એકત્ર થાય છે. અને તેમના રિવાજ પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો.

2 અને ફરોશીઓએ પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું, “શું પુરુષે પોતાની પત્નીને મૂકી દેવી ઉચિત છે?”

3 પણ તેમણે તેઓને કહ્યું, “મૂસાએ તમને શી આજ્ઞા આપી હતી?”

4 અને તેઓએ કહ્યું, “ફારગતી લખીને તેને મૂકી દેવાની મૂસાએ રજા આપી.”

5 પણ ઈસુએ તેઓને કહ્યું, “તમારાં હ્રદયની કઠણતાને લીધે મૂસાએ તમારે માટે એવી આજ્ઞા લખી.

6 પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્‍ત્રી બનાવ્યાં.

7 એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે,

8 અને તેઓ બન્‍ને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નથી, પણ એક દેહ છે.

9 તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું ન પાડવું.”

10 અને ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે તેમને પૂછ્યું.

11 અને તે તેઓને કહે છે, “જે કોઈ પોતાની પત્નીને મૂકી દે, ને બીજીને પરણે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે.

12 અને જો પત્ની પોતાના પતિને મૂકી દે, ને બીજાને પરણે, તો તે વ્યભિચાર કરે છે.”


ઈસુ બાળકોને આશીર્વાદ આપે છે
( માથ. ૧૯:૧૩-૧૫ ; લૂ. ૧૮:૧૫-૧૭ )

13 અને તેઓ તેમની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા.

14 પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.

15 હું તમને ખચીત કહું છું કે જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે એમાં પ્રવેશ કરશે જ નહિ.”

16 અને તેમણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.


ધનવાન માણસ
( માથ. ૧૯:૧૬-૩૦ ; લૂ. ૧૮:૧૮-૩૦ )

17 અને તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક જણ તેમની પાસે દોડતો આવ્યો, ને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું, “ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?”

18 અને ઈસુએ તેને કહ્યું, “તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર, તે વિના કોઈ ઉત્તમ નથી.

19 તું આજ્ઞાઓ જાણે છે, હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહેદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, માબાપનું સન્માન કરવું.”

20 અને તેણે તેમને કહ્યું, “ઉપદેશક, એ સર્વ [આજ્ઞાઓ] તો હું નાન૫ણથી પાળતો આવ્યો છું.”

21 અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું, ને તેમણે તેને કહ્યું, “તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ, ને દરિદ્રીઓને આપી દે, ને આકાશમાં તને દોલત મળશે. અને આવ, મારી પાછળ‍ ચાલ.”

22 પણ તે વાતને લીધે તેનું મોં ઊતરી ગયું, ને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની સંપત ઘણી હતી.

23 અને ઈસુ આસપાસ જોઈને પોતાના‍ શિષ્યોને કહે છે, “જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું કેટલું બધું અઘરું પડશે!”

24 અને તેમની વાતોથી શિષ્યો અચંબો પામ્યા. પણ ઈસુ ફરી ઉત્તર આપીને તેઓને કહે છે, “વત્સ, દોલત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું અઘરું છે!

25 દોલતવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં ઊંટને સોયના નાકામાં થઈને જવું સહેલ છે.”

26 અને તેઓને ઘણી નવાઈ પામીને અંદરોઅંદર કહ્યું, “તો કોણ તારણ પામી શકે?”

27 ઈસુ તેઓની તરફ જોઈને કહે છે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.”

28 અને પિતર તેમને કહેવા લાગ્યો, “જો, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.”

29 ઈસુએ તેને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, “જે કોઈએ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાના ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માને કે બાપને કે છોકરાંને કે ખેતરોને મૂકી દીધાં હશે,

30 તે હમણાં આ સમયે સોગણાં ઘરોને તથા ભાઈઓને તથા બહેનોને તથા માઓને તથા છોકરાંને તથા ખેતરોને સતાવણી સહિત, તથા આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર‍‍‍ રહેશે નહિ.

31 પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા, ને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે.”


ઈસુ ત્રીજીવાર પોતાના મૃત્યુની આગાહી કરે છે
( માથ. ૨૦:૧૭-૧૯ ; લૂ. ૧૮:૩૧-૩૪ )

32 અને યરુશાલેમની ભણી ચઢતાં તેઓ માર્ગમાં હતા; અને ઈસુ તેઓની આગળ ચાલતા હતા. અને તેઓ નવાઈ પામ્યા, ને પાછળ ચાલનારા બીધા. અને તે ફરી બાર [શિષ્યો] ને પાસે બોલાવીને પોતા પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા,

33 “જુઓ, આપણે યરુશાલેમ જઈએ છીએ. અને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્‍ત્રીઓને સોંપી દેવાશે, અને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે, ને તેને વિદેશીઓને સોંપશે.

34 અને તેઓ તેની મશ્કરી કરશે, ને તેના પર થૂંકશે, ને તેને કોરડા મારશે, ને તેને મારી નાખશે; અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.”


યાકૂબ અને યોહાનની માગણી
( માથ. ૨૦:૨૦-૨૮ )

35 અને ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન તેમની પાસે આવીને કહે છે, “ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માંગીએ તે તમે અમારે માટે કરો.”

36 અને તેમણે તેઓને કહ્યું, “તમારી શી ઇચ્‍છા છે? હું તમારે માટે શું કરું?”

37 ત્યારે તેઓએ તેમને કહ્યું, “તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે, ને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.”

38 પણ ઈસુએ તેઓને કહ્યું, “તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છે?”

39 અને તેઓએ તેમને કહ્યું, “અમે તેમ કરી શકીએ છીએ.” પણ ઈસુએ તેઓને કહ્યું, “જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો ખરા, ને જે બાપ્તિસ્મા હું લઉં છું તે બાપ્તિસ્મા તમે લેશો ખરા!

40 પણ મારે જમણે હાથે કે ડાબે હાથે કોઈને બેસવા દેવું એ મારું કામ નથી, ૫ણ જેઓને માટે તે તૈયાર કરેલું છે તેઓને માટે છે.”

41 અને [બાકીના] દશ એ સાંભળીને યાકૂબ તથા યોહાન સંબંધી નાખુશ થયા.

42 પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે, “તમે જાણો છો કે વિદેશીઓ પર જેઓ રાજ્ય કરનારા કહેવાય છે, તેઓ તેમના પર ધણીપણું કરે છે. અને તેઓમાં જે મોટા તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.

43 પણ તમારામાં એમ નથી; પણ તમારામાં જે કોઈ મોટો થવા‍ ચાહે, તે તમારો સેવક થાય.

44 અને જે કોઈ પ્રથમ થવા ચાહે તે સહુનો દાસ થાય.

45 કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, ને ઘણાંની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે.”


ઈસુ આંધળા બાર્તિમાયને દેખતો કરે છે
( માથ. ૨૦:૨૯-૩૪ ; લૂ. ૧૮:૩૫-૪૩ )

46 અને તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી તે તથા તેમના‍ શિષ્યો તથા ઘણા લોકો નીકળતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે આંધળો ભિખારી હતો તે માર્ગની કોરે બેઠો હતો.

47 અને એ ઈસુ નાઝારી છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.”

48 અને ઘણાએ તેને ધમકાવ્યો, “ચૂપ રહે.” પણ તેણે વત્તી બૂમ પાડી, “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.”

49 અને ઈસુએ ઊભા રહીને કહ્યું, “તેને બોલાવો.” અને આંધળાને બોલાવીને તેઓ તેને કહે છે, “હિમ્મત રાખ; ઊઠ, તે તને બોલાવે છે.”

50 અને તે પોતાનું વસ્‍ત્ર નાખી દઈને ઊઠ્યો, ને ઈસુની પાસે આવ્યો.

51 અને ઈસુએ તેને કહ્યું, “હું તારે માટે શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?” આંધળાએ તેમને કહ્યું, “સ્વામી, હું દેખતો થાઉં.”

52 અને ઈસુએ તેને કહ્યું, “જા; તારા વિશ્વાસે તને બચાવ્યો છે.” અને તરત તે દેખતો થયો, ને માર્ગમાં ઈસુની પાછળ ગયો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan