Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યોહાન બાપ્તિસ્તનો સંદેશ
( માથ. ૩:૧-૧૨ ; લૂ. ૩:૧-૧૮ ; યોહ. ૧:૯-૨૮ )

1 ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તની આ સુવાર્તા છે. એનો આરંભ

2 યશાયા પ્રબોધક [ના પુસ્તક] માં લખેલું છે તેમ થયો કે, “ જો હું તારી આગળ મારા દૂતને મોકલું છું; તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.

3 અરણ્યમાં કોઈ પોકારી રહ્યું છે કે- ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

4 એ પ્રમાણે યોહાન અરણ્યમાં બાપ્તિસ્મા આપતો, અને પાપોની માફીને માટે પસ્તાવાનું બાપ્તિસ્મા જાહેર કરતો હતો.

5 અને આખા યહૂદિયા દેશનાં તથા યરુશાલેમના રહેવાસીઓ તેની પાસે ગયા; અને બધા પોતાનાં પાપ કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

6 અને યોહાનનો પોશાક ઊંટના વાળનો હતો, ને તેની કમરે ચામડાનો પટો હતો. અને તે તીડો તથા રાની મધ ખાતો હતો.

7 અને તેણે એવું પ્રગટ કર્યું, “મારા કરતાં જે સમર્થ છે તે મારી પાછળ આવે છે; હું તો નીચો નમીને તેમના ચંપલની વાધરીયે છોડવા યોગ્ય નથી.

8 મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”


ઈસુનું બાપ્તિસ્મા અને પરીક્ષણ
( માથ. ૩:૧૩—૪:૧૧ ; લૂ. ૩:૨૧-૨૨ ; ૪:૧-૧૩ )

9 અને તે દિવસોમાં એમ થયું કે, ઈસુ ગાલીલના નાસરેથથી આવ્યા, ને યર્દનમાં યોહાનથી બાપ્તિસ્મા પામ્યા.

10 અને તરત તેમણે પાણીમાંથી ઉપર આવીને આકાશ ઊઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતો જોયો.

11 અને આકાશમાંથી એવી વાણી થઈ, તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્‍ન છું.”

12 અને તરત આત્મા તેમને અરણ્યમાં લઈ જાય છે.

13 અને અરણ્યમાં ચાળીસ દિવસ સુધી તે રહ્યા, ને શેતાનથી તેમનું પરીક્ષણ થયું; અને જંગલી પશુઓની સાથે તે હતા; અને દૂતોએ તેમની સેવા કરી.


પ્રથમ શિષ્યોને આમંત્રણ
( માથ. ૪:૧૨-૨૨ ; લૂ. ૪:૧૪-૧૫ ; ૫:૧-૧૧ )

14 અને યોહાનના પરસ્વાધીન કરાયા પછી ઈસુ ગાલીલમાં આવ્યા, ને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું,

15 “સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો, ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”

16 અને તે ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા તેવામાં તેમણે સિમોન તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા; કેમ કે તેઓ માછલાં પકડનારા હતા.

17 અને ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.”

18 અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેમની સાથે ગયા.

19 અને ત્યાંથી થોડું આગળ જઈને તેમણે ઝબદીના દીકરા યાકૂબ તથા તેના ભાઈ યોહાનને વહાણમાં જાળો સાંધતા જોયા.

20 અને તરત તેમણે તેઓને બોલાવ્યા. અને તેઓ પોતાના પિતા ઝબદીને નોકરોની સાથે વહાણમાં મૂકીને તેમની પાછળ ગયા.


અશુદ્ધ આત્મા વળગેલો માણસ
( લૂ. ૪:૩૧-૩૭ )

21 અને તેઓ કપર-નાહૂમમાં ગયા, ને તરત વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને તેમણે ઉપદેશ આપ્યો.

22 અને તેઓ તેમના ઉપદેશથી નવાઈ પામ્યા; કેમ કે શાસ્‍ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય તેની જેમ તેમણે તેઓને ઉપદેશ આપ્યો.

23 અને તેઓના સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે બૂમ પાડી,

24 “અરે, ઈસુ નાઝારી, અમારે ને તમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો, એ હું જાણું છું, એટલે ઈશ્વરના પવિત્ર.”

25 અને ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, “છાનો રહે, ને તેનામાંથી નીકળી જા.”

26 અને અશુદ્ધ આત્મા તેને મરડી નાખીને તથા મોટી બૂમ પાડીને તેમાંથી નીકળી ગયો.

27 અને બધા એવા નવાઈ પામ્યા કે તેઓ અંદરોઅંદર પૂછવા લાગ્યા, “આ શું છે? આ તો નવો ઉપદેશ છે! કેમ કે અધિકારથી તે અશુદ્ધ આત્માઓને પણ આજ્ઞા કરે છે, ને તેઓ તેનું માને છે.”

28 અને તરત તેમની કીર્તિ આખા ગાલીલ પ્રાંતમાં ફેલાઈ ગઈ.


ઈસુએ ઘણા લોકોને સાજા કર્યા
( માથ. ૮:૧૪-૧૭ ; લૂ. ૪:૩૮-૪૧ )

29 અને તેઓ સભાસ્થાનમાંથી નીકળીને યાકૂબ તથા યોહાન સહિત તરત સિમોન તથા આન્દ્રિયાના ઘરમાં ગયા.

30 હવે સિમોનની સાસુ તાવે પડેલી હતી. અને તરત તેઓએ તેના વિષે તેમને ક્હ્યું.

31 અને પાસે આવીને તેમણે એનો હાથ પકડીને એને ઉઠાડી, અને તરત એનો તાવ મટી ગયો; અને એણે તેઓની સેવા કરી.

32 અને સાંજે સૂરજ આથમ્યો ત્યારે તેઓ બધાં માંદાંઓને તથા દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા.

33 અને બારણા આગળ આખું શહેર એકત્ર થયું.

34 અને ઘણાં જેઓ વિધવિધ પ્રકારના રોગથી પીડાતાં હતાં તેઓને તેમણે સાજાં કર્યાં, ને ઘણાં દુષ્ટાત્માઓને કાઢ્યા. અને દુષ્ટાત્માઓ તેમને ઓળખતા હતા માટે તેમણે તેઓને બોલવા દીધા નહિ.


ગાલીલમાં ઈસુનો ઉપદેશ
( લૂ. ૪:૪૨-૪૪ )

35 અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.

36 અને સિમોન તથા જેઓ તેમની સાથે હતા, તેઓ તેમની પાછળ ગયા.

37 અને તે તેઓને મળ્યા ત્યારે તેઓ તેમને કહે છે, “સહુ તમને શોધે છે.”

38 અને તે તેઓને કહે છે, “આપણે પાસેનાં ગામોમાં જઈએ કે, હું ત્યાં પણ ઉપદેશ આપું; કેમ કે એ જ માટે હું આવ્યો છું.”

39 અને આખા ગાલીલમાં ફરીને તેઓનાં સભાસ્થાનોમાં જઈને તે ઉપદેશ આપતા હતા ને દુષ્ટાત્માઓ કાઢતા હતા.


એક કોઢિયો શુદ્ધ થયો
( માથ. ૮:૧-૪ ; લૂ. ૫:૧૨-૧૬ )

40 અને એક કોઢિયો તેમની પાસે આવે છે, ને તેમને વિનંતી કરીને તથા ઘૂંટણ ટેકવીને કહે છે, “જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.”

41 અને ઈસુને દયા આવી, ને હાથ લાંબો કરીને તે તેને અડક્યા, ને તેને કહ્યું, “મારી ઇચ્છા છે; તું શુદ્ધ થા.”

42 અને તરત તેનો કોઢ ગયો, ને તે શુદ્ધ થયો.

43 અને ઈસુએ સખત ચેતવણી આપીને તરત તેને બહાર મોકલ્યો.

44 અને તે તેને કહે છે, “જોજે, કોઈને કંઈ કહેતો ના. પણ જઈને પોતાને યાજકને બતાવ, અને જે કંઈ મૂસાએ ફરમાવ્યું તેનું, તારા શુદ્ધીકરણને લીધે, તેઓને માટે સાક્ષી તરીકે, અર્પણ કર.”

45 પણ તે નીકળી જઈને તે વાત એટલી બધી પ્રગટ કરવા તથા ફેલાવવા લાગ્યો કે ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઈ ન શક્યા, પણ બહાર ઉજ્જડ જગાઓમાં રહ્યા; અને લોકો ચારે તરફથી તેમની પાસે આવતા હતા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan