મીખાહ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રજાના ખાઉધરા રાજકર્તાઓને ચાબખા 1 મેં કહ્યું, “હે યાકૂબના નેતાઓ, અને ઇઝરાયલ લોકોના અધિકારીઓ, તમે કૃપા કરીને સાંભળો:અદલ ઇનસાફ કરવો એ શું તમારી ફરજ નથી? 2 તમે તો ભલાને ધિક્કારો છો, ને ભૂંડાને ચાહો છો. તમે તેઓનાં અંગ પરથી તેઓની ચામડી [ઉતારી લો છો] , ને તેઓનું માંસ તેઓનાં હાડકાં પરથી ચૂંટી લો છો. 3 તમે મારા લોકોનું માંસ પણ ખાઓ છો. તમે તેમની ચામડી તેમના પરથી ઉતારી લો છો, ને હાંલ્લીને માટે [તૈયાર કરે છે] તેમ, અથવા કઢાઇમાંના માંસની જેમ તેમનાં હાંડકાં ભાંગીને, ને તેમને કાપીને ટુકડેટુકડા કરો છો. 4 એ વખતે તેઓ યહોવાની સમક્ષ પોકાર કરશે, પણ તે તેઓને ઉત્તર આપશે નહિ. હા, તેઓએ દુષ્કર્મો કર્યાં છે તેને લીધે તે વખતે તે તેમનાથી વિમુખ થશે. 5 જે પ્રબોધકો મારા લોકોને ખોટા માર્ગે ચઢાવે છે, જેઓને ખાવાનું મળે છે ત્યારે ‘શાંતિ થશે’ એમ કહે છે; અને જેઓ તેમને ખવડાવતા નથી તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે, તેઓ વિષે યહોવા કહે છે, 6 “તેને લીધે તમારે માટે એવી રાત પડશે કે જેમાં તમેને સંદર્શન થશે નહિ; અને તમારે માટે એવો અંધકાર થશે કે તમે જોષ જોઈ શકશો નહિ. અને પ્રબોધકોનો સૂર્ય અસ્ત પામશે, ને દિવસ તેમને માટે અંધકારમય થ ઈ પડશે.” 7 દષ્ટાઓ લજ્જિત થશે, ને જોષીઓ ભોંઠા પડશે. હા, તેઓ સર્વ પોતાના હોઠ ઢાંકી દેશે. કેમ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી. 8 પણ યાકૂબને તેનો અપરાધ તથા ઇઝરાયલને તેનું પાપ કહી બતાવવા માટે હું યહોવાના આત્મા વડે ખચીત બળથી, ન્યાયથી તથા સામર્થ્યથી ભરપૂર છું. 9 હે યાકૂબના વંશના નેતાઓ, ને ઇઝરાયલના વંશના અધિકારીઓ, ન્યાયને ધિક્કારનારા તથા ઇનસાફને ઊંધો વાળનારા, કૃપા કરીને આ સાંભળો. 10 લોકો સિયોનને રક્તપાત કરીને ને યરુશાલેમને દુષ્ટ કૃત્યો કરીને બાંધે છે. 11 તેના નેતાઓ લાંચ લઈને ઇનસાફ કરે છે ને તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, ને તેના પ્રબોધકો પૈસા લઈને જોષ જુએ છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે, ને કહે છે, “શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ પણ આપત્તિ આવશે નહિ.” 12 એથી તમારે કારણે સિયોન ખેતરની જેમ ખેડાશે, ને યરુશાલેમના ઢગલા થઈ જશે, ને [ઈશ્વરના] મંદિરનો પર્વત તે વનમાંની ટેકરીઓના જેવો [થઈ જશે]. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India