Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

મીખાહ 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહૂદિયાના રાજાઓ યોથમ, આહાઝ તથા હિઝકિયાની કારકિર્દીમાં યહોવાનું વચન મીખાહ મોરેશેથની પાસે આવ્યું, [અને] જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે.


યરુશાલેમ અને સમરુન માટે વિલાપ

2 હે પ્રજાઓ, તમે સર્વ સાંભળો. હે પૃથ્વી, તથા તે ઉપર જે છે તે સર્વ, ધ્યાન દો; અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી, એટલે પ્રભુ યહોવા, તમારી વિરુદ્ધ સાક્ષી થાઓ.

3 કેમ કે, જુઓ, યહોવા પોતાના સ્થાનમાંથી નીકળી આવે છે, ને તે નીચે ઊતરીને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલશે.

4 તેમના [પગ] નીચેથી, અગ્નિની પાસેના મીણની જેમ, પર્વતો પીગળી જશે, તથા સીધા કરાડા પરથી પડતા પાણીના ધોધની જેમ ખીણો ફાટી જશે.

5 યાકૂબના અપરાધને લીધે તથા ઇઝરાયલ લોકોનાં પાપોને કારણે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાના ઉચ્ચસ્થાનો ક્યાં છે? શું યરુશાલેમ નહિ?

6 [એટલે પ્રભુ કહે છે] “તેથી હું સમરુનને ખેતરમાંના ઢગલા જેવું [તથા] દ્રાક્ષાવાડી રોપવાના [સ્થાન] જેવું કરીશ; અને હું તેના પથ્થરોને નીચાણમાં ગબડાવી દઈશ, ને હું તેના પાયા ઉઘાડા કરી નાખીશ.

7 તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.

8 [મીખાહ કહે છે] , “એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ, હું ઉઘાડે પગે તથા વસ્‍ત્રરહિત ફરતો ફરીશ. હું શિયાળવાંની જેમ ભૂંકીશ, ને શાહમૃગની જેમ કળકળીશ.

9 કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”


શત્રુ યરુશાલેમ નજદિક આવ્યો છે

10 ગાથમાં તે કહેશો નહિ, બિલકુલ રડશો નહિ. બેથ-લે-આફ્રામાં ધૂળમાં આળોટ.

11 હે શાફીરના રહેવાસી, તું નગ્ન તથા લજ્‍જિત થઈને ચાલ્યો જા. સાનાણો રહેવાસી બહાર નીકળતો નથી. બેથ-એસલનો વિલાપ તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે.

12 કેમ કે મારોથનો રહેવાસી ચિંતાતુર થઈને કલ્યાણની રાહ જુએ છે. કેમ કે યહોવા પાસેથી આપત્તિ યરુશાલેમના દરવાજા સુધી ઊતરી આવી છે.

13 હે લાખીશના રહેવાસી, તું રથે જલદ ઘોડા જોડ. સિયોનની દીકરીના પાપનો આરંભ [કરનાર] તે હતી; કેમ કે ઇઝરાયલના અપરાધો તારામાં માલૂમ પડ્યા.

14 એ માટે તું મોરેશેથ-ગાથને વિદાયગીરીની બક્ષિસ આપશે. આખ્ઝીબનાં કુટુંબો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.

15 હે મારેશાના રહેવાસી, હજી પણ હું તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામમાં પણ આવશે.

16 તારાં પ્રિય સંતાનોને લીધે પોતાના માથાના વાળ કપાવ, ને પોતાનું માથું બોડાવ. ગીધની માફક તારી તાલ વધાર, કેમ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયાં છે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan