માથ્થી 6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દાનધર્મ વિષે શિક્ષણ 1 માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહિ તો આકાશમાંના તમારા પિતા પાસેથી તમને ફળ મળવાનું નથી. 2 ‘એ માટે જ્યારે તું દાનધર્મ કરે, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ. હું તમને ખચીત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 3 પણ તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે. 4 એ માટે કે તારાં દાનધર્મ ગુપ્તમાં થાય; અને ગુપ્તમાં જોનાર તારા પિતા તને તેનો બદલો આપશે. પ્રાર્થના વિષે શિક્ષણ ( લૂ. ૧૧:૨-૪ ) 5 અને જ્યારે તમે પ્રાર્થના કરો છોત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને ગમે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 6 પણ જ્યારે તું પ્રાર્થના કરે, ત્યારે તારી ઓરડીમાં પેસ, ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા પિતાની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારા પિતા તને બદલો આપશે. 7 અને તમે પ્રાર્થના કરતાં વિદેશીઓની જેમ અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે, ‘અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે.’ 8 એ માટે તમે તેઓના જેવા ન થાઓ. કેમ કે જેની તમને અગત્ય છે, તે તેની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે. 9 માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. 10 તમારું રાજ્ય આવો; જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. 11 દિવસની અમારી રોટલી આજ અમને આપો. 12 અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારાં ઋણો અમને માફ કરો. 13 અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. [કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારાં છે. આમીન.] 14 કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો, તો તમારા આકાશમાંના પિતા તમને પણ માફ કરશે. 15 પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધ પણ તમને માફ નહિ કરશે. ઉપવાસ સંબંધી શિક્ષણ 16 વળી જ્યારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની જેમ લેવાઈ ગયેલા મોંના ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાનાં મોં કસાણાં કરે છે. હું તમને ખરેખર કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 17 પણ તું ઉપવાસ કરે, ત્યારે તારા માથા પર તેલ ચોપડ, ને તારું મોં ધો. 18 એ માટે કે માણસોને નહિ, પણ તારા પિતા જે ગુપ્તમાં છે તેમને તું ઉપવાસી દેખાય, ને ગુપ્તમાં જોનારા તારા પિતા તને બદલો આપશે. સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો ( લૂ. ૧૨:૩૩-૩૪ ) 19 પૃથ્વી પર પોતાને માટે દ્રવ્ય એકત્ર ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જાય છે. 20 પણ તમે પોતાને માટે આકાશમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા, ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. 21 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. શરીરનો દીવો ( લૂ. ૧૧:૩૪-3૬ ) 22 શરીરનો દીવો આંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય, તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. 23 પણ જો તારી આંખ ભૂંડી હોય, તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે, માટે તારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો! ઈશ્વર અને મિલકત ( લૂ. ૧૬:૧૩ ; ૧૨:૨૨-૩૧ ) 24 કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ. 25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને માટે ચિંતા ન કરો કે, ‘અમે શું ખાઈશું અથવા શું પીશું;’ અને તમારા શરીરને માટે ચિંતા ન કરો કે ‘અમે શું પહેરીશું.’ શું જીવ ખોરાક કરતાં, ને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26 આકાશનાં પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, ને કાપતાં નથી, ને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા આકાશમાંના પિતા તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? 27 અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? 28 અને વસ્ત્રો સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે! તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતાં પણ નથી! 29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના તમામ મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. 30 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે, ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહિ પહેરાવશે? 31 માટે અમે શું ખાઈએ, અથવા શું પીએ, અથવા શું પહેરીએ, એમ કહેતાં ચિંતા ન કરો. 32 કારણ કે એ બધાં વાનાં વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંના પિતા જાણે છે કે એ બધાંની તમને અગત્ય છે. 33 પણ તમે પહેલા તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધાં વાનાં પણ તમને અપાશે. 34 તે માટે આવતી કાલને માટે ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતા [ની વાતો] ની ચિંતા કરશે. દિવસને માટે તે દિવસનું દુ:ખ બસ છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India