Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુ સજીવન થયા
( માર્ક ૧૬:૧-૧૦ ; લૂ. ૨૪:૧-૧૨ ; યોહ. ૨૦:૧-૧૦ )

1 અને વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે પોહ ફાટ્યો ત્યારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી.

2 અને જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઊતર્યો, ને ત્યાં આવીને કબરનાં મોં પરથી પથ્‍થરને ગબડાવીને તેના પર બેઠો.

3 તેનું રૂપ વીજળીના જેવું, ને તેનું વસ્‍ત્ર બરફના જેવું ઊજળું હતું.

4 અને તેના ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા ને મરણતોલ થઈ ગયા.

5 ત્યારે દૂતે તે સ્રીઓને કહ્યું, “બીહો નહિ, કેમ કે હું જાણું છું કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો.

6 તે અહીં નથી, કેમ કે તેમના કહ્યા પ્રમાણે તે ઊઠ્યા છે. આવો, ને જ્યાં પ્રભુ સૂતા હતા તે જગા જુઓ.

7 અને વહેલાં જઈને તેમના શિષ્યોને કહો કે, મૂએલાંમાંથી તે ઊઠ્યા છે. અને જુઓ, તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને જોશો, જુઓ, મેં તમને ક્હ્યું છે.”

8 ત્યારે તેઓ બીક તથા હર્ખસહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી ગઈ.

9 અને જુઓ, ઈસુએ તેઓને મળીને કહ્યું, “કુશળતા.” અને તેઓએ આવીને તેમના પગ પકડ્યા, ને તેમનું ભજન કર્યું.

10 ત્યારે ઈસુ તેઓને કહે છે, “બીહો નહિ; જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય, ને ત્યાં તેઓ મને જોશે.”


યહૂદી આગેવાનોનું જૂઠાણું

11 અને તેઓ જતી હતી, એટલામાં જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે બધું મુખ્ય યાજકોને કહી દીધું.

12 ત્યારે તેઓએ તથા વડીલોએ એકત્ર થઈને મસલત કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને

13 સમજાવ્યું, “તમે એમ કહો કે, અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ‍ચોરી ગયા.

14 અને જો એ વાત હાકેમને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.”

15 પછી તેઓએ નાણાં લીધાં, ને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું, અને એ વાત યહૂદીઓમાં આજ સુધી ચાલતી આવી છે.


ઈસુ શિષ્યોને દર્શન આપે છે અને આખરી આદેશ આપે છે
( માર્ક ૧૬:૧૪-૧૮ ; લૂ. ૨૪:૨૬-૨૯ ; યોહ. ૨૦:૧૯-૨૩ ; પ્રે.કૃ. ૧:૬-૮ )

16 પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને [જવાનું] કહ્યું હતું, ત્યાં ગયા.

17 અને તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું. પણ કેટલાકને શંકા આવી.

18 અને ઈસુએ ત્યાં આવીને તેઓને ક્હ્યું, “આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે.

19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

20 મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan