માથ્થી 27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુ પિલાતની સમક્ષ ( માર્ક ૧૫:૧ ; લૂ. ૨૩:૧-૨ ; યોહ. ૧૮:૨૮-૩૨ ) 1 અને સવાર થઈ ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેમની વિરુદ્ધ યોજના કરી. 2 પછી તેઓએ તેમને બાંધ્યા ને તેમને લઈ જઈને પિલાત હાકેમને સોંપ્યા. યહૂદાનો આપઘાત ( પ્રે.કૃ. ૧:૧૮-૧૯ ) 3 ત્યાર પછી ઈસુ અપરાધી ઠરાવાયા એ જોઈને તેમને પરસ્વાધીન કરનાર યહૂદાને પશ્વાત્તાપ થયો, ને પેલા રૂપિયા ત્રીસ મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને 4 કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.” 5 એટલે મંદિરમાં પૈસા ફેંકી દઈને તે નીકળ્યો, અને જઈને ગળે ફાંસો ખાધો. 6 ત્યારે મુખ્ય યાજકોએ તે પૈસા લઈને કહ્યું, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં એ નાખવા ઉચિત નથી.” 7 પછી તેઓએ નિર્ણય કરીને પરદેશીઓને દાટવા માટે તેનું કુંભારનું ખેતર વેચાતું લીધું. 8 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર કહેવાય છે. 9 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, ‘જેનું મૂલ્ય ઠરાવવામાં આવ્યું, એટલે જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ ઠરાવ્યું, તેના મૂલ્યના રૂપાના ત્રીસ કકડા તેઓએ લીધા 10 અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે મેં તે આપ્યા.’ પિલાત ઈસુને પ્રશ્નો પૂછે છે ( માર્ક ૧૫:૨-૫ ; લૂ. ૨૩:૩-૫ ; યોહ. ૧૮:૩૩-૩૮ ) 11 અને ઈસુ હાકેમની આગળ ઊભા રહ્યા, ને હાકેમે તેમને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?” ત્યારે ઈસુએ તેને કહ્યું, “તમે પોતે કહો છો.” 12 અને મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર દોષ મૂક્યા છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ. 13 ત્યારે પિલાત તેમને કહે છે, “તારી વિરુદ્ધ તેઓ કેટલી સાક્ષી આપે છે, એ શું તું નથી સાંભળતો?” 14 પણ તેમણે તેને એક શબ્દનો પણ ઉત્તર આપ્યો નહિ, જેથી હાકેમ ઘણો નવાઈ પામ્યો. ઈસુને મૃત્યુની સજા ( માર્ક ૧૫:૬-૧૫ ; લૂ. ૨૩:૧૩-૧૫ ; યોહ. ૧૮:૩૯—૧૯:૧૬ ) 15 હવે એવો રિવાજ હતો કે પર્વમાં જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે, હાકેમ છોડી દે. 16 અને તે વખતે બારાબાસ નામનો તેઓનો એક પ્રખ્યાત બંદીવાન હતો. 17 તે માટે તેઓ એકત્ર થયા પછી પિલાતે તેઓને કહ્યું, “હું તમારે માટે કોને છોડી દઉં. એ વિષે તમારી શી મરજી છે? બારાબાસને કે, ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” 18 કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા. 19 અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.” 20 પણ મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યા કે, તેઓ બારાબાસને માગે, ને ઈસુને મારી નંખાવે. 21 પણ હાકેમે તેઓને ઉત્તર આપ્યો, “તે બેમાંથી હું તમારે માટે કોને છોડી દઉં, એ વિષે તમારી શી મરજી છે? અને તેઓએ કહ્યું, “બારાબાસને.” 22 પિલાત તેઓને કહે છે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સર્વ તેને કહે છે, “તેને વધસ્તંભે જડો.” 23 ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે?” પણ તેઓએ વધારે બૂમ પાડીને કહ્યું, “તેને વધસ્તંભે જડો.” 24 અને પિલાતે જોયું કે મારું કંઈ જ ચાલતું નથી, પણ ઊલટી વિશેષ ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના લોહી સંબંધી હું નિર્દોષ છું; તમે જાણો.” 25 ત્યારે સર્વ લોકોએ ઉત્તર આપ્યો, “એનું લોહી અમારે માથે તથા અમારા સંતાનને માથે.” 26 પછી તેણે તેઓને માટે બારાબાસને છોડી દીધો. પણ ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવવા માટે સોંપ્યા. સિપાઈઓ ઈસુની મશ્કરી કરે છે ( માર્ક ૧૫:૧૬-૨૦ ; યોહ. ૧૯:૨-૩ ) 27 ત્યાર પછી હાકેમના સિપાઈઓએ ઈસુને મહેલમાં લઈ જઈને આખી પલટણ તેમની આસપાસ એકઠી કરી. 28 પછી તેઓએ તેમનાં વસ્ત્ર ઉતારી લઈને તેમને કિરમજી ઝભ્ભો પહરાવ્યો. 29 અને તેઓએ કાંટાનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો, ને તેમના જમણા હાથમાં સોટી આપી ને તેમની સામા ઘૂંટણે પડીને તેમના ઠઠ્ઠા કરતાં કહ્યું, “ઓ યહૂદીઓના રાજા, સલામ!” 30 પછી તેઓ તેમના પર થૂંક્યા, ને સોટી લઈને તેમના માથામાં મારી, 31 અને તેમના ઠઠ્ઠા કરી રહ્યા પછી તેઓએ તેમના પરથી ઝભ્ભો ઉતારી લઈને તેમનાં જ વસ્ત્ર તેમને પહેરાવ્યાં, અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા. ઈસુને ક્રૂસે જડ્યા ( માર્ક ૧૫:૨૧-૩૨ ; લૂ. ૨૩:૨૬-૪૩ ; યોહ. ૧૯:૧૭-૨૭ ) 32 તેઓ બહાર જતા હતા ત્યારે કુરેનીનો સિમોન નામે એક જણ તેઓને મળ્યો, તેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ પરાણે ઊંચકાવી લીધો. 33 અને ગલગથા નામે એક જગા, જે ખોપરીની જગા કહેવાય છે, ત્યાં તેઓ પહોંચ્યા, 34 ત્યારે તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યા પછી તેમણે તે પીવા ના પાડી. 35 અને તેમને વધસ્તભે જડ્યા પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમનાં વસ્ત્ર અંદરોઅંદર વહેંચી લીધાં. 36 પછી તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી. 37 અને તેમના સંબંધીનું લખેલું તહોમતનામું તેમના માથાની ઉપર તેઓએ લગાડ્યું કે, ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ 38 ત્યારે તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યા; એકને તેમની જમણી તરફ ને બીજાને તેમની ડાબી તરફ. 39 અને પાસે થઈને જનારાઓએ પોતાનાં માથાં હલાવતાં તથા તેમની મશ્કરી કરતાં 40 કહ્યું, “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ પરથી ઊતરી આવ.” 41 અને તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સહિત મશ્કરી કરતાં કહ્યું, 42 “બીજાઓને તેણે બચાવ્યા, પણ પોતાને તે બચાવી નથી શકતો. એ તો ઇઝરાયલનો રાજા છે; તે હમણાં વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું. 43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેને ચાહતો હોય તો હમણાં તે તેનો છૂટકો કરે; કેમ કે તેણે કહ્યું હતું કે હું ઈશ્વરનો દીકરો છું.” 44 અને જે ચોરો તેમની સાથે વધસ્તંભે જડાયા હતા, તેઓએ પણ એ જ પ્રમાણે તેમની મશ્કરી કરી. ઈસુનું મૃત્યુ ( માર્ક ૧૫:૩૩-૪૧ ; લૂ. ૨૩:૪૪-૪૯ ; યોહ. ૧૯:૨૮-૩૦ ) 45 છઠ્ઠા કલાકથી તે નવમા કલાક સુધી આખા દેશ પર અંધકાર છવાઈ રહ્યો. 46 અને આશરે નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી કે, “એલી, એલી, લામા સાબાખ્થાની, ” એટલે, ઓ મારા, ઈશ્ચર, મારા ઈશ્ચર, તમે મને કેમ મૂકી દીધો છે?” 47 અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે એ સાંભળીને કહ્યું, “એલિયાને તે બોલાવે છે.” 48 અને તરત તેઓમાંથી એક જણે દોડીને વાદળી લઈને સરકાથી તે ભીંજવી, ને લાકડીની ટોચે બાંધીને તે ચૂસવાને તેમને આપી. 49 પણ બીજાઓએ કહ્યું, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા એને છોડાવવા આવે છે કે નહીં.” 50 પછી ઈસુએ બીજી વાર મોટે અવાજે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. 51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા, 52 ને કબરો ઊઘડી ગઈ, ને ઊંઘેલા સંતોનાં ઘણાં શરીર ઊઠ્યાં, 53 ને તેમના પાછા ઊઠ્યા પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયાં, ને ઘણાંઓને દેખાયાં. 54 ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ બીહીને કહ્યું, “ખરેખર, એ ઈશ્વરનો દીકરો હતો.” 55 અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી. 56 તેઓમાં મગ્દલાની મરિયમ, ને યાકૂબની તથા યોસેની મા મરિયમ, તથા ઝબદીના દીકરાઓની મા હતી. ઈસુનું દફન ( માર્ક ૧૫:૪૨-૪૭ ; લૂ. ૨૩:૫૦-૫૬ ; યોહ. ૧૯:૩૮-૪૨ ) 57 અને સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક દ્રવ્યવાન માણસ કે, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો, તે આવ્યો. 58 તેણે પિલાત પાસે જઈને ઈસુની લાસ માગી. ત્યારે પિલાતે તે તેને સોંપવાની આજ્ઞા આપી. 59 પછી યૂસફે લાસ લઈને શણના સફેદ લૂગડામાં તે વીંટાળી, 60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂકી, અને એક મોટો પથ્થર કબરના મોં પર ગબડાવીને તે ચાલ્યો ગયો. 61 અને મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી. કબરની ચોકી 62 હવે સિદ્ધિકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકત્ર થઈને 63 કહ્યું, “સાહેબ, અમને યાદ છે કે, તે ઠગ જીવતો હતો ત્યારે તે કહેતો હતો કે, “ત્રણ દિવસ પછી હું ઊઠીશ.” 64 એ માટે ત્રણ દિવસ સુધી કબરનો જાપતો રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી જાય, ને લોકોને એમ કહે કે, ‘મૂએલાંઓમાંથી તે ઊઠ્યો છે;’ અને છેલ્લી ભૂલ પહેલીના કરતાં મોટી થશે.” 65 ત્યારે પિલાતે તેઓને કહ્યું, “ચોકીદારો તમારી પાસે છે. તમે જાઓ, ને તમારાથી બને તેવો તેનો જાપતો રખાવો.” 66 પછી તેઓ ગયા, ને પથ્થર પર મહોર કરીને તેઓએ કબર પર જાપતો રાખ્યો, અને ચોકીદારો તેમની સાથે હતા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India