Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


દ્રાક્ષાવાડીના મજૂરોને સરખું વેતન

1 કેમ કે આકાશનું રાજ્ય એક ઘરધણીના જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો રોકવાને મળસકામાં બહાર ગયો.

2 અને તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર ઠરાવીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.

3 અને આશરે પહોર દિવસ ચઢતાં બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા જોયા.

4 અને તેણે તેઓને ક્હ્યું, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, ને જે કંઈ યોગ્ય હશે, તે હું તમને આપીશ.” અને તેઓ ગયા.

5 વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું.

6 અને આશરે અગિયારમે કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા જોયા; ત્યારે તે તેઓને કહે છે, “આખો દિવસ તમે કેમ અહીં નવરા ઊભા રહ્યા છો?”

7 તેઓ તેને કહે છે, “કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી તે માટે.” તે તેઓને કહે છે, “તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.”

8 અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે, “મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેઓનું વેતન આપ.”

9 અને જેઓને તેણે આશરે અગિયારમે કલાકે રાખ્યા હતા, તેઓ જ્યારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર મળ્યો.

10 પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે! પણ તેઓને પણ એક દીનાર મળ્યો.

11 ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી,

12 ને કહ્યું, “આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે, અને તેં તેઓને અમારી એટલે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે.”

13 પણ તેણે તેઓમાંના એકને ઉત્તર આપ્યો, “મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તેં મારી સાથે એક દીનાર ઠરાવ્યો નહોતો?

14 તારું લઈને ચાલ્યો જા, જેટલું તને તેટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે.

15 જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું ઉદાર છું માટે તને ઈર્ષા આવે છે શું?”

16 એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.


ઈસુએ પોતાના મૃત્યુની કરેલી ત્રીજી આગાહી
( માર્ક ૧૦:૩૨-૩૪ ; લૂ. ૧૮:૩૧-૩૪ )

17 અને ઈસુએ યરુશાલેમ જતાં, રસ્તે બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું,

18 “જુઓ આપણે યરુશાલેમ જઈએ છીએ, ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્‍ત્રીઓને સ્વાધીન કરાશે, ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે.

19 અને ઠઠ્ઠામશ્કરી કરવાને, તથા કોરડા મારવાને, તથા વધસ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે; અને ત્રીજે દિવસે પાછો ઉઠાડશે.”


એક માતાની માગણી
( માર્ક ૧૦:૩૫-૪૫ )

20 ત્યારે ઝબદીના દીકરાઓની મા પોતાના દીકરાઓની સાથે તેમની પાસે આવી તથા પગે લાગીને તેમની પાસે કંઈ માગ્‍યું.

21 અને તેમણે તેને કહ્યું, “તું શું માગે છે?” તે તેમને કહે છે, “આ મારા બે દીકરા તમારા રાજ્યમાં એક તમારે જમણે હાથે ને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”

22 પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “તમે જે માગો છો તે તમે સમજતાં નથી! જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓ તેમને કહે છે, “અમે પી શકીએ છીએ.”

23 તે તેઓને કહે છે, “તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે ને ડાબે હાથે બેસવા દેવું એ મારું નથી.”

24 અને બીજા દશે જણે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બન્‍ને ભાઈ પર ગુસ્સે થયા,

25 પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું, “તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે, ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ‍ચલાવે છે.

26 પણ તમારામાં એવું ન થાય. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય.

27 અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય.

28 જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”


ઈસુ બે દ્દષ્ટિહીનોને સાજા કરે છે.
( માર્ક ૧૦:૪૬-૫૨ ; લૂ. ૧૮:૩૫-૪૩ )

29 અને તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો.

30 અને જુઓ, બે આંધળા રસ્તાની બાજુએ બેઠેલા હતા, અને ઈસુ પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ બૂમ પાડી, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”

31 અને લોકોએ તેઓને ધમકાવીને ક્હ્યું, છાના રહો. પણ તેઓએ વત્તી બૂમ પાડી, “ઓ પ્રભુ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”

32 ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને તેડીને કહ્યું, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?”

33 તેઓ તેમને કહે છે, “પ્રભુ, અમારી આંખો ઊઘડી જાય.”

34 ત્યારે ઈસુને દયા આવી, ને તે તેઓની આંખોને અડક્યા, ને તરત તેઓ દેખતા થયા. અને તેઓ તેમની પાછળ ચાલ્યા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan