Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુનું રૂપાંતર
( માર્ક ૯:૨-૧૩ ; લૂ. ૯:૨૮-૩૬ )

1 છ દિવસ પછી ઈસુ પિતરને, યાકૂબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને તેમને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ ગયા.

2 તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું, એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું, ને તેમનાં વસ્‍ત્ર પ્રકાશના જેવાં ઊજળાં થયાં.

3 ત્યારે, જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાત કરતા તેઓને દેખાયા.

4 અને પિતરે ઈસુને કહ્યું, “પ્રભુ, આપણે અહીં રહેવું સારું છે, જો તમારી મરજી હોય તો હું અહીં ત્રણ માંડવા બાંધું. એક તમારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે.”

5 તે બોલતો હતો એટલામાં જુઓ, એક ચળકતી વાદળીએ તેઓના પર છાયા કરી; અને વાદળીમાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્‍ન છું, તેનું સાંભળો.”

6 અને શિષ્યો એ સાંભળીને ઊંધા પડ્યા, ને બહુ જ બીધા.

7 ત્યારે ઈસુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું, “ઊઠો, ને બીહો નહિ.”

8 અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ કોઈને જોયા નહિ.

9 અને તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને એવી આજ્ઞા કરી, “માણસનો દીકરો મૂએલાંમાંથી પાછો ઊઠે ત્યાં સુધી આ જે તમે જોયું તે કોઈને કહેતા ના.”

10 ત્યારે તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, “શાસ્‍ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પહેલાં આવવું જોઈએ?”

11 અને ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “એલિયા આવે છે ખરો, ને બધું બરાબર કરશે.

12 પણ હું તમને કહું છું કે, એલિયા આવી‍ ચૂક્યો છે, ને તેઓએ તેને ઓળખ્યો નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું. તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુ:ખ સહેશે.”

13 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્ત સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.


દુષ્ટાત્મા વળગેલા એક છોકરાને ઈસુ સાજો કરે છે
( માર્ક ૯:૧૪-૨૯ ; લૂ. ૯:૩૭-૪૩ )

14 જ્યારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક માણસ ઈસુની પાસે આવ્યો, અને તેમની આગળ ઘૂંટણ ટેકવીને કહ્યું,

15 “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને ફેફરાનું દરદ છે, ને તે બહુ પીડાય છે. તે ઘણીવાર અગ્નિમાં, ને ઘણી વાર પાણીમાં પડી જાય છે.

16 અને હું તેને તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી ન શક્યા.”

17 ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો.”

18 પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો અને તે તેનામાંથી નીકળ્યો, અને છોકરો તે ઘડીથી સાજો થયો.

19 ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને ક્હ્યું, “અમે તેને કેમ કાઢી ન શક્યા?”

20 ત્યારે તેમણે તેઓને કહ્યું “તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ’ ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહિ. [

21 પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.] ”


ઈસુ પોતાના મૃત્યુ સંબંધી ફરી આગાહી કરે છે
( માર્ક ૯:૩૦-૩૨ ; લૂ. ૯:૪૩-૪૫ )

22 અને તેઓ ગાલીલમાં રહેતા હતા એ અરસામાં ઈસુએ તેઓને કહ્યું, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે;

23 અને તેઓ તેને મારી નાંખશે, ને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.” ને ‍ત્યારે તેઓ બહુ ખિન્‍ન થયા.


મંદિરનો કર ભરે છે

24 અને તેઓ કપર-નાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું, શું તમારો ઉપદેશક [મંદિરના] કરનું નાણું નથી આપતો?”

25 તેણે કહ્યું, “હા.” અને ઘરમાં તે આવ્યો ત્યારે [તેના બોલવા] અગાઉ ઈસુએ કહ્યું, “સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી?”

26 અને પિતરે તેમને કહ્યું, “પારકાઓ પાસેથી." ત્યારે ઈસુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટા છે.

27 તોપણ આપણે તેઓને ઠોકર ન ખવડાવીએ માટે તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ, અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, ને જ્યારે તું તેનું મોં ઉઘાડશે ત્યારે તેમાંથી તને નાણું મળશે, તે લઈને મારે ને તારે માટે તેઓને આપ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan