Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


યોહાન બાપ્તિસ્ત તરફથી સંદેશો
( લૂ. ૭:૧૮-૩૫ )

1 અને ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા.

2 હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તનાં કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને ઈસુને પુછાવ્યું કે,

3 ‘આવનાર તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?’

4 ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, તમે જે જે સાંભળો છો ને જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો :

5 આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.

6 અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાય તેને ધન્ય છે.’

7 અને તેઓ પાછા જતા હતા ત્યારે-ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા, “તમે રાનમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા બરુને?

8 પણ તમે શું જોવા નીકળ્યા? શું ઝીણા વસ્‍ત્ર પહેરેલા માણસને? જુઓ, જેઓ ઝીણાં વસ્‍ત્ર પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.

9 તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણો અધિક તેને.

10 જેના સંબંધી એમ લખેલું છે કે, ‘જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે, ’ તે એ જ છે.

11 હું તમને ખચીત કહું છું કે, સ્‍ત્રીઓથી જેટલા જન્મ પામ્યા છે, તેઓમાં યોહાન બાપ્તિસ્ત કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. તોપણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતાં મોટો છે.

12 અને યોહાન બાપ્તિસ્તના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળજબરી કરાય છે, ને બળજબરી કરનારાઓ બળજબરીથી તે લઈ લે છે.

13 કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્‍ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે.

14 અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર ‍છે તે એ જ છે.

15 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

16 પણ આ પેઢીને હું શાની ઉપમા આપું? તે છોકરાંના જેવી છે, જેઓ‍ ચૌટાંઓમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે,

17 ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ’

18 કેમ કે યોહાન ખાતોપીતો નથી આવ્યો, ‌છતાં તેઓ કહે છે, ‘તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’

19 માણસનો દીકરો ખાતોપીતો આવ્યો, તો તેઓ કહે છે, ‘જુઓ, ખાઉધરો ને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”


અવિશ્વાસી ગામોની નઠોરતા
( લૂ. ૧૦:૧૩-૧૫ )

20 ત્યારે જે નગરોમાં તેમનાં પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓ ઉપર દોષ મૂકવા લાગ્યા,

21 “ઓ ખોરાજીન, તને હાય! હાય! ઓ બેથસાઈદા! તને હાય! હાય! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયાં, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને કયારનોયે પસ્તાવો કર્યો હોત.

22 વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ પડશે.

23 અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.

24 વળી, હું તમને કહું છું કે, ન્યાયકાળે સદોમને તારા કરતાં સહેલ પડશે.


મારી પાસે આવીને આરામ પામો
( લૂ. ૧૦:૨૧-૨૨ )

25 તે સમયે ઈસુએ કહ્યું, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્‍ત્રીઓથી તમે આ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.

26 હા, ઓ પિતા, કેમ કે તમને એ સારું લાગ્યું.

27 મારા પિતાએ મને બધું સોપ્યું છે. અને પિતા વગર, દીકરાને કોઈ જાણતો નથી, ને દીકરા વગર, તથા જેને દીકરો પ્રગટ કરવા‍ ચાહે તેના વગર, પિતાને કોઈ જાણતો નથી.

28 ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સર્વ મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.

29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો. કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.

30 કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan