લૂકની લખેલી સુવાર્તા 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુનાં પરીક્ષણ ( માથ. ૪:૧-૧૧ ; માર્ક ૧:૧૨-૧૩ ) 1 ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, ને ચાળીસ દિવસ સુધી આત્માથી અહીંતહીં રાનમાં દોરવાયા. 2 તે [દરમ્યાન] શેતાનથી તેમનું પરીક્ષણ થયું. તે દિવસોમાં તેમણે કંઈ ખાધું નહિ, ને તે પૂરા થયા પછી તે ભૂખ્યા થયા. 3 શેતાને તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય તો આ પથ્થરને આજ્ઞા કર કે, તે રોટલો થઈ જાય.” 4 ઈસુએ ઉત્તર આપ્યો, “એમ લખેલું છે કે, માણસ એકલી રોટલીથી નહિ જીવશે.” 5 પછી તે તેમને ઊંચી જગાએ લઈ ગયો, અને એક પળમાં જગતનાં તમામ રાજ્ય તેમને બતાવ્યાં. 6 શેતાને તેમને કહ્યું, “આ બધાંનો અધિકાર તથા મહિમા હું તને આપીશ, કેમ કે એ મારે સ્વાધીન કરેલું છે. અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું. 7 માટે જો તું મારી આગળ [પડીને] ભજન કરશે તો તે બધું તારું થશે.” 8 ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ લખેલું છે કે તારે તારા ઈશ્વર પ્રભુનું ભજન કરવું, ને એકલા તેમની જ સેવા કરવી.” 9 પછી તે તેમને યરુશાલેમ લઈ ગયો, ને મંદિરના બુરજ પર તેમને ઊભા રાખીને તેણે તેમને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે પડ; 10 કેમ કે લખેલું છે કે, ‘તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે કે, તેઓ તારું રક્ષણ કરે; 11 અને તેઓ પોતાના હાથ પર તને ધરી લેશે, રખેને તારો પગ પથ્થર પર અફળાય.’” 12 ઈસુએ તેને ઉત્તર આપ્યો, “એમ કહેલું છે કે, તારે પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ ન કરવું.” 13 પછી શેતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કંઈક મુદત સુધી તેમની પાસેથી ગયો. ઈસુ ગાલીલમાં સેવા શરૂ કરે છે ( માથ. ૪:૧૨-૧૭ ; માર્ક ૧:૧૪-૧૫ ) 14 ઈસુ આત્માને પરાક્રમે ગાલીલમાં પાછા આવ્યા; અને તેમના સંબંધીની ચર્ચા આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. 15 તે તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, અને બધાંથી તે માન પામતા. નાસરેથમાં ઈસુનો નકાર ( માથ. ૧૩:૫૩-૫૮ ; માર્ક ૬:૧-૬ ) 16 નાસરેથ જ્યાં તે ઊછર્યા હતા, ત્યાં તે આવ્યા, અને પોતાની રીત પ્રમાણે વિશ્રામવારે સભાસ્થાનમાં જઈ ને તે વાંચવા માટે ઊભા થયા. 17 યશાયા પ્રબોધકનું પુસ્તક તેમને આપવામાં આવ્યું, તેમણે તે ઉઘાડીને, જ્યાં નીચે પ્રમાણે લખેલું છે, તે જગા કાઢી, 18 “પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા 19 તથા પ્રભુનું માન્ય વરસ પ્રગટ કરવા માટે તેમણે મને મોકલ્યો છે.” 20 તેમણે પુસ્તક બંધ કર્યું, અને સેવકને પાછું આપીને તે બેસી ગયા; અને સભામાં સહુની નજર તેમના પર ઠરી રહી હતી. 21 તે તેઓને કહેવા લાગ્યા, “આજે આ ધર્મલેખ તમારા સાંભળતાં પૂરો થયો છે.” 22 બધાએ તેમને વિષે સાક્ષી આપી, અને તેમનાં મોંમાંથી જે કૃપાની વાતો નીકળી તેથી તેઓએ આશ્ચર્ય પામીને કહ્યું, “શું એ યૂસફનો દીકરો નથી?” 23 તેમણે તેઓને કહ્યું, “આ કહેવત તમે નિશ્ચે મને કહેશો કે વૈદ, તું પોતાને સાજો કર! કપર-નાહૂમમાં કરેલાં જે જે કામો વિષે અમે સાંભળ્યું છે તેવાં કામો અહીં તારા પોતાના વતનમાં પણ કર.” 24 તેમણે કહ્યું, “હું તમને ખરેખર કહું છું, કોઈ પ્રબોધક પોતાના વતનમાં માન્ય થતો નથી. 25 પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી 26 અને એલિયાને તેઓમાંની કોઈને ત્યાં નહિ, પણ સિદોનના સારફતમાં એક વિધવા હતી તેને ત્યાં મોકલવામાં આવ્યો હતો. 27 વળી એલિશા પ્રબોધકના જમાનામાં ઇઝરાયલ દેશમાં ઘણા કોઢિયા હતા; પણ અરામી નામાન સિવાય તેઓમાંનો કોઈ શુદ્ધ કરાયો ન હતો. 28 એ વાત સાંભળીને સભામાંના બધા ક્રોધે ભરાયા. 29 અને તેઓએ ઊઠીને તેમને શહેર બહાર કાઢી મૂક્યા, અને તેમને નીચે પાડી નાખવા માટે જે પહાડ પર તેઓનું શહેર બાંધેલું હતું તેની કોરે તેઓ તેમને લઈ ગયા. 30 પણ તે તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા. દુષ્ટાત્મા વળગેલો માણસ ( માર્ક ૧૨:૧-૨૮ ) 31 તે ગાલીલનાં કપર-નાહૂમ નામે શહેરમાં આવ્યા. વિશ્રામવારે તે તેઓને બોધ કરતા હતા, 32 અને તેઓ તેમના બોધથી આશ્ચર્ય પામ્યા, કેમ કે તેમનું બોલવું અધિકારયુકત હતું. 33 સભાસ્થાનમાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ હતો. તેણે મોટે અવાજે બૂમ પાડીને કહ્યું, 34 “અરે, ઈસુ નાઝારી, તમારે ને અમારે શું છે? શું તમે અમારો નાશ કરવા આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું, એટલે ઈશ્વરનો પવિત્ર.” 35 ઈસુએ તેને ધમકાવીને કહ્યું, “છાનો રહે, ને તેનામાંથી નીકળ.” અશુદ્ધ આત્મા તેને લોકોની વચમાં પાડી નાખીને તેને કંઈ પણ નુકસાન કર્યા વિના તેમાંથી નીકળી ગયો. 36 તેથી બધાને આશ્ચર્ય થયું. તેઓએ અંદરઅંદર કહ્યું, “આ તે કેવું વચન છે! કેમ કે તે અધિકારથી તથા પરાક્રમથી અશુદ્ધ આત્માઓને હુકમ કરે છે, એટલે તેઓ નીકળી જાય છે.” 37 આસપાસના પ્રદેશની સર્વ જગ્યાએ તેમને વિષે ચર્ચા ફેલાઈ ગઈ. ઘણા લોકો સાજા થયા ( માથ. ૮:૧૪-૧૭ ; માર્ક ૧:૨૯-૩૪ ) 38 સભાસ્થાનમાંથી નીકળીને તે સિમોનને ઘેર ગયા. સિમોનની સાસુને સખત તાવ આવતો હતો, ને તેના હકમાં તેઓએ તેમને વિનંતી કરી. 39 તેમણે તેની પાસે ઊભા રહીને તાવને ધમકાવ્યો, એટલે તેનો તાવ ઊતરી ગયો; અને તરત ઊઠીને તે તેઓની સરભરા કરવા લાગી. 40 સૂરજ આથમતી વખતે જેઓને ત્યાં વિધવિધ પ્રકારના રોગથી પીડાતાં માણસો હતાં તેઓ તેમને તેમની પાસે લાવ્યા; અને તેમણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજાં કર્યાં. 41 ઘણાંઓમાંથી દુષ્ટાત્માઓ પણ નીકળ્યા. તેઓ ઘાંટો પાડીને કહેતા હતા, “તમે ઈશ્વરના દીકરા છો.” તેમણે તેઓને ધમકાવ્યા, અને બોલવા દીધા નહિ, કેમ કે તેઓ જાણતા હતા કે, ‘તે તો ખ્રિસ્ત છે.’ સભાસ્થાનમાં ઈસુનું શિક્ષણ ( માર્ક ૧:૩૫-૩૯ ) 42 દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળીને ઉજ્જડ સ્થળે ગયા અને લોકો તેમની શોધ કરતા કરતા તેમની પાસે આવ્યા, અને તે તેઓની પાસેથી જાય નહિ માટે તેઓએ તેમને અટકાવવાને યત્ન કર્યો. 43 પણ તેમણે તેઓને કહ્યું, “મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” 44 આ પ્રમાણે ગાલીલનાં સભાસ્થાનોમાં તે વાત પ્રગટ કરતા ફર્યા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India