લેવીય 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)નિરંતર સળગતી બત્તી અંગેની વ્યવસ્થા ( નિ. ૨૭:૨૦-૨૧ ) 1 અને યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, બત્તીને નિરંતર સળગતી રાખવા માટે તેઓ પ્રકાશને માટે કૂટી કાઢેલું શુદ્ધ જૈતતેલ લાવે. 3 કરારના પડદાની બહારની બાજુ મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ સાંજથી સવાર સુધી હારુન હમેશ તેની વ્યવસ્થા રાખે. તે વંશપરંપરા તમારે માટે સદાનો વિધિ થાય. 4 યહોવાની સમક્ષ નિર્મળ દીપવૃક્ષ પરના દીવાઓની વ્યવસ્થા તે હમેશ રાખે. ઈશ્વરને અર્પિત રોટલી 5 અને તું મેંદો લઈને એની બાર પોળીઓ કર; દર પોળી બે દશાંશ [એફાહ] ની હોય, 6 અને તુમ યહોવાની સમક્ષ શુદ્ધ મેજ પર તેઓની બે હાર કર, એટલે હારદીઠ છ છ. 7 અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરીરૂપ થાય, એટલે યહોવાને માટે હોમયજ્ઞ થાય. 8 હમેશા, દર વિશ્રામવારે યહોવાની સમક્ષ તે તેની વ્યવસ્થા રાખે. ઇઝરાયલી લોકો તરફથી એ સદાનો કરાર છે. 9 અને તે હારુનની તથા તેના પુત્રોની થાય, અને પવિત્ર જગાએ તેઓ તે ખાય, કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર છે.” ન્યાયી અને ઘટિત સજાનો નમૂનો 10 અને એક ઇઝરાયલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસરી હતો, તે ઇઝરાયલી લોકો મધ્યે ફરવા નીકળ્યો. અને તે ઇઝરાયલી સ્ત્રીના દીકરાને તથા એક ઇઝરાયલી સ્ત્રીના દીકરાને તથા એક ઇઝરાયલી પુરુષને છાવણીમાં એકબીજાની સામે ટંટો થયો, 11 અને ઇઝરાયલી સ્ત્રીના દીકરાએ [યહોવાના] નામનું દુર્ભાષણ કરીને શાપ દીધો. અને લોકો તેને મૂસા પાસે લાવ્યા. અને તેની માનું નામ શલોમીથ હતું, તે દાનના કુળના દિબ્રીની દીકરી હતી. 12 અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, એ માટે કે [તેને શું કરવું] તે યહોવાના મુખથી તેમને જણાવવામાં આવે. 13 અને યહોવાએ મૂસાને કહ્યું, 14 “શાપ આપનારને છાવણી બહાર કાઢી લાવ, અને જેઓએ તેનું બોલવું સાંભળ્યું હોય, તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકે, ને સમગ્ર પ્રજા તેને પથ્થરે મારે. 15 અને ઇઝરાયલી લોકોને તે એમ કહે કે, જે કોઈ પોતાના ઈશ્વરને શાપ દે, તેનું પાપ તેને માથે. 16 અને જે જન યહોવાના નામનું દુભાર્ષણ કરે, તે નિશ્ચે માર્યો જાય. સમગ્ર પ્રજા તેને નક્કી પથ્થરે મારે; જ્યારે તે [યહોવાના] નામનું દુર્ભાષણ કરે ત્યારે તે માર્યો જાય, પછી તે પરદેશી હોય કે, વતની હોય. 17 અને જે જન કોઈ મનુષ્યને પ્રાણઘાતક માર મારે, તે નક્કી માર્યો જાય; 18 અને જે જન પશુને એવું મારે કે તે મરી જાય, તે તેનો બદલો ભરી આપે:જીવને બદલે જીવ. 19 અને જો કોઈ માણસ પોતાના પડોશીને [શરીરે] ખોડ થાય એવું કંઈ કરે, તો જેમ તેણે કર્યું હોય તેમ જ તેને કરવામાં આવે. 20 ભાગવાને બદલે ભાગવું, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, જેવી ખોડ તેણે કોઈ માણસ [ના શરીર] માં કરી હોય, તેવો જ બદલો તેને અપાય. 21 અને પશુને જે કોઈ મારે, તે તેનો બદલો ભરી આપે, અને જે કોઈ મનુષ્યઘાત કરે, તે માર્યો જાય. 22 જેમ વતનની માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે રાખવો; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.” 23 અને મૂસાએ જેમ ઇઝરાયલી લોકોને કહ્યું હતું, તેમ તેઓએ શાપ આપનારને છાવણી બહાર કાઢી લાવીને તેને પથ્થરે માર્યો. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ ઇઝરાયલીઓએ કર્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India