લેવીય 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ધાર્મિક તહેવારો (પર્વો) 1 અને યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, યહોવાનાં જે મુક્કર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની જાહેરાત તમારે કરવી તે મારાં મુક્કર પર્વો આ છે. 3 છ દિવસ કામ કરવું, પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ તથા પવિત્ર મેળાવડો છે; તમારે કંઈ પણ કામ ન કરવું. તમારાં સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબ્બાથ છે. 4 યહોવાનાં મુક્કર પર્વો, એટલે પવિત્ર મેળાવડા કે જે વિષે ઠરાવેલે સમયે તમારે જાહેરાત કરવી તે આ છે. પાસ્ખાપર્વ અને બેખમીર રોટલીનું પર્વ ( ગણ. ૨૮:૧૬-૨૫ ) 5 પહેલા માસમાં, એટલે તે માસને ચૌદમે દિવસે સાંજે યહોવાનું પાસ્ખાપર્વ છે. 6 અને એ જ માસને પંદરમે દિવસે યહોવાનું બેખમીર રોટલીનું પર્વ છે. તમારે સાત દિવસ બેખમીર રોટલી ખાવી. 7 પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તેમાં કોઈ સંસારી કામ ન કરવું. 8 પણ સાત દિવસ તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. સાતમે દિવસે પવિત્ર મેળાવડો છે; તેમાં કંઈ કામકાજ કરવું નહિ.” પ્રથમ ફળનું પર્વ ( ગણ. ૨૮:૨૬-૩૧ ) 9 અને યહોવાએ મૂસાને કહ્યું, 10 “ઇઝરાયલીઓને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં આવ્યા પછી તમે તેની ફસલ કાપો, ત્યારે તમારી ફસલના પ્રથમ ફળની પૂળી તમારે યાજક પાસે લાવવી. 11 અને તે તે પૂળીની યહોવા આગળ આરતી ઉતારે, એ સારુ કે એ તમારે માટે માન્ય થાય. સાબ્બાથને બીજે દિવસે યાજક તેની આરતી ઉતારે. 12 અને તમે તે પૂળીની આરતી ઉતારો તે દિવસે પહેલા વર્ષના ખોડખાંપણ વગરના એક નર હલવાનનું તમારે યહોવાને દહનીયાર્પણ ચઢાવવું. 13 અને તેને માટે તેલમાં મોહેલા બે દશાંશ [એફાહ] મેંદાના ખાદ્યાર્પણનો સુવાસિત હોમયજ્ઞ યહોવાને ચઢાવવોલ અને તેની સાથે પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ કરવું. 14 અને તમે તમારા ઈશ્વરની હજૂરમાં એ અર્પણ રજૂ કરો, તે દિવસ સુધી [નવા ધાન્યની] રોટલી તથા પોંક તથા લીલાં કણસલાં તમારે ખાવાં નહિ; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય. કાપણીનું પર્વ (પચાસી પર્વ) ( ગણ. ૨૮:૨૬-૩૧ ) 15 અને તે સાબ્બાથ પછીના બીજા દિવસથી, એટલે જે દિવસે તમે આરત્યર્પણની પૂળી લાવો, ત્યારથી માંડીને સાત સાબ્બાથ પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું; 16 એટલે સાતમા સાબ્બાથના બીજા દિવસ સુધીના પચાસ દિવસ તમારે ગણવા; અને [પચાસમે દિવસે] તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવવું. 17 તમારાં મકાનોમાંથી બે દશાંશ [એફાહ] ની આરતીની બે રોટલી તમારે લાવવી; તેઓ યહોવાને માટે પ્રથમ ફળ [ના અર્પણ] ને માટે મેંદાની તથા ખમીર સહિત પકાવેલી હોય. 18 અને તે રોટલી સાથે પહેલા વર્ષનાં ખોડખાંપણ વગરના સાત હલવાન તથા એક વાછરડો તથા બે ઘેટા તમારે રજૂ કરવા. તેઓ, તેમનાં ખાદ્યાર્પણ તથા પેયાર્પણો સહિત યહોવાને માટે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ થાય. 19 અને તમારે પાપાર્થાર્પણને માટે એક બકરો તથા શાંત્યર્પણોના યજ્ઞ ને માટે બે નર હલવાન ચઢાવવા. 20 અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેમની તથા પેલા બે હલવાનની યહોવાની સમક્ષ આરતી ઉતારીને આરત્યર્પણ કરે; તેઓ યાજકને માટે યહોવાને અર્પિત થાય. 21 અને એ જ દિવસે તમારે જાહેરાત કરવી. તમારે પવિત્ર મેળાવડો કરવો, તમારે કોઈ સંસારી કામ ન કરવું; તમારી વંશપરંપરા તમારાં સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ છે. 22 અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તારા ખેતરના ખૂણા પૂરેપૂરા કાપી ન લે, તેમ જ તારી કાપણીનો મોડ વીણી ન લે; ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.” રણશિંગસાદનું પર્વ (નવા વર્ષનું પર્વ) ( ગણ. ૨૯:૧-૬ ) 23 અને યહોવાએ મૂસાને કહ્યું, 24 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં, તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો. 25 તમારે કોઈ સંસારી કામ કરવું નહિ; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો.” પ્રાયશ્વિત્તનો દિવસ ( ગણ. ૨૯:૭-૧૧ ) 26 અને યહોવાએ મૂસાને કહ્યું, 27 “પરંતુ આ સાતમા માસનો દશમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ છે; એ [દિવસે] તમારે પવિત્ર મેળાવડો કરવો, ને તમારે આત્મકષ્ટ કરવું; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. 28 અને તે દિવસે તમે કંઈ પણ [સંસારી] કામ ન કરો, કેમ કે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ તમારે માટે પ્રાયશ્ચિત્ત કરવાને તે પ્રાયશ્ચિત્તનો દિવસ છે. 29 કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહિ કરે, તે પોતાના લોકો મધ્યેથી અલગ કરાશે. 30 અને જે જન તે દિવસે કોઈ જાતનું કામ કરશે, તેનો હું તેના લોકો મધ્યેથી નાશ કરીશ. 31 તમે કોઈ પ્રકારનું કામ કરશો નહિ. તમારાં સર્વ રહેઠાણોમાં વંશપરંપરા એ તમારે માટે સદાનો વિધિ થાય. 32 તે તમારે માટે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ થાય, ને તમારે આત્મકષ્ટ કરવું. એ માસને નવમે દિવસે સાંજથી તે બીજી સાંજ સુધી તમારે તમારો સાબ્બાથ પાળવો.” માંડવા પર્વ ( ગણ. ૨૯:૧૨-૪૦ ) 33 અને યહોવાએ મૂસાને કહ્યું, 34 “ઇઝરાયલી લોકોને એમ કહે કે, એ સાતમા માસને પંદરમે દિવસે યહોવાને માટે સાત દિવસ સુધી માંડવાપર્વ છે. 35 પહેલે દિવસે પવિત્ર મેળાવડો થાય. તમે કોઈ સંસારી કામ કરશો નહિ. 36 સાત દિવસ સુધી તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો. આઠમે દિવસે તમારે પવિત્ર મેળવડો કરવો; અને તમારે યહોવાને હોમયજ્ઞ ચઢાવવો, એ પર્વનો છેલ્લો દિવસ છે; તમારે કંઈ સંસારી કામ કરવું નહિ. 37 એ યહોવાનાં મુકરર પર્વો છે, તેઓ વિષે તમારે એવી જાહેરાત કરવી કે, તેઓ પવિત્ર મેળાવડા છે કે જેમાં તેઓ યહોવાને માટે હોમયજ્ઞ એટલે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ, યજ્ઞ તથા પેયાર્પણો પ્રત્યેકને માટે ઠરાવેલા દિવસે ચઢાવે. 38 યહોવાના સાબ્બાથો ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાને અર્પો છો તે ઉપરાંત [એ છે]. 39 તેમ છતાં સાતમા માસને પંદરમે દિવસે, જમીનની ઊપજનો સંગ્રહ કરી રહ્યા પછી, તમારે યહોવાને માટે સાત દિવસ સુધી પર્વ પાળવું. પહેલે દિવસે પવિત્ર વિશ્રામ થાય. 40 અને પહેલે દિવસે સુંદર વૃક્ષોનાં ફળ, ખજૂરીની ડાળીઓ, તથા ઘટાદાર વૃક્ષોનાં પાંખડાં તથા નાળાના વેલાઓ લઈને, તમારે યહોવા તમારા ઈશ્વરની સમક્ષ સાત દિવસ સુધી ઉત્સવ કરવો. 41 અને તમારે યહોવાનું પર્વ વર્ષમાં સાત દિવસ સુધી પાળવું. તે વંશપરંપરા તમારે માટે હમેશનો વિધિ છે. સાતમા માસમાં તમારે તે પર્વ પાળવું. 42 તમારે સાત દિવસ માંડવાઓમાં રહેવું, ઇઝરાયલના સર્વ વતની માંડવાઓમાં રહે. 43 એ માટે તમારા વંશજો જાણે કે, જ્યારે હું ઇઝરાયલી લોકોને મિસર દેશમાંથી કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને માંડવાઓમાં વસાવ્યા; હું યહોવા તમારો ઈશ્વર છું. 44 અને મૂસાએ ઇઝરાયલી લોકોને યહોવાનાં મુકરર પર્વોનું વર્ણન કરી બતાવ્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India