લેવીય 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુ-સેવા માટે અલગ કરાયેલી વસ્તુઓ અને અર્પણોની શુદ્ધતા વિષે નિયમો 1 અને યહોવાએ મૂસાને કહ્યું, 2 “હારુનને તથા તેના પુત્રોને કહે કે, ઇઝરાયલી લોકોની જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે માટે અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે, ને મારા પવિત્ર વસ્તુઓને તેઓ મારે માટે અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે, ને મારા પવિત્ર નામને વટાળે નહિ; હું યહોવા છું. 3 તેઓને કહે કે, તમારી વંશપરંપરા તમારા વંશજોમાંનો જે પુરુષ અભડાયેલો છતાં જે પવિત્ર વસ્તુઓ ઇઝરાયલી લોકો યહોવાને માટે અલગ કરે છે તેઓની પાસે જાય, તે જન મારી સમક્ષથી અલગ કરાશે; હું યહોવા છું. 4 હારુનના સંતાનમાં જે પુરુષ કોઢી કે સ્ત્રાવી હોય, તે પાછો શુદ્ધ થતાં લગી પવિત્ર વસ્તુઓમાંથી ખાય નહિ, અને જે કોઈ મુડદાથી અભડાયેલી કોઈ વસ્તુને, કે જે પુરુષને ઘાત જતી હોય તેને અડકે; 5 અથવા જે કોઈ જેથી અભડાવાય એવા સર્પટિયાને, અથવા જે માણસથી અભડાવાય, પછી તેની અશુદ્ધતા ગમે તેવી હોય, પણ તેવાને અડકે; 6 એટલે જે જન એવા કશાને અડકે તે સાંજ સુધી અભડાયેલો ગણાય, અને પાણીથી સ્નાન કર્યા સિવાય પવિત્ર વસ્તુઓ તે ખાય નહિ. 7 અને સૂર્ય અસ્ત પામે ત્યારે તે શુદ્ધ થાય; અને ત્યાર પછી પવિત્ર વસ્તુઓ તે ખાય, કેમ કે એ તેનો ખોરાક છે. 8 મુડદાલને કે પશુએ ફાડી નાખેલાને તે ખાય નહિ. રખેને તે વટલાય; હું યહોવા છું. 9 માટે તેઓ મારું ફરમાન માને, રખેને તેને લીધે તેઓને માથે દોષ આવે, ને તેને વટાળીને તેઓ મરે; તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું. 10 તે પવિત્ર વસ્તુમાંથી કોઈ પારકો ખાય નહિ, યાજકનો પારકો મહેમાન કે મજૂર પવિત્ર વસ્તુઓમાંથી ખાય નહિ. 11 પણ જો યાજક કોઈને પોતાના પૈસાથી વેચાતો લે, તો તે તેમાંથી ખાય; અને તેના ઘરમાં જે જન્મેલાં તેઓ પણ તેના ખોરાકમાંથી ખાય. 12 અને જો યાજકની દીકરી કોઈ બહારના માણસની સાથે પરણી હોય, તો તે પવિત્ર વસ્તુઓના ઉચ્છલીયાર્પણમાંથી ખાય નહિ. 13 પણ જો કોઈ યાજકની દીકરી વિધવા હોય, કે છૂટાછેડા પામેલી હોય, ને તેને ફરજંદ ન હોય, ને પોતાના પિતાના ઘરમાં પાછી આવી હોય, તો જેમ જુવાનીમાં તે ખાતી હતી તેમ તે પોતાના પિતાના ખોરાકમાંથી ખાય; પણ કોઈ પારકો તેમાંથી ખાય નહિ. 14 અને જો કોઈ માણસ ભૂલચૂકથી પવિત્ર વસ્તુમાંથી ખાય, તો તેમાં તેનો એક પંચમાંશ ઉમેરીને તે પવિત્ર વસ્તુ યાજકને તે પાછી આપે. 15 અને ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓ કે જે તેઓ યહોવાને અર્પણ કરે છે, તેમને તેઓ વટાળે નહિ, 16 અને તેમ તેઓ તેમની પવિત્ર વસ્તુઓ ખાઇને પોતાને માથે દુષ્ટતાનો ગુનો ન લાવે; કેમ કે હું તેઓને શુદ્ધ કરનાર યહોવા છું.” 17 અને યહોવાએ મૂસાએ કહ્યું, 18 “હારુનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલી લોકોને એમ કહે કે, ઇઝરાયલના ઘરનો અથવા ઇઝરાયલ મધ્યે વસતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનું અર્પણ ચઢાવે, પછી તે તેમની કોઈ માનતાને લીધે હોય કે તેમના કોઈ ઐચ્છિકાર્પણને લીધે હોય, પણ તેઓ તેને યહોવાની આગળ દહનીયાર્પણ તરીકે ચઢાવે; 19 તો ગોપશુઓમાંથી કે ઘેટામાંથી કે બકરાંમાંથી ખોડખાંપણ વગરનો નર [ચઢાવવો] , એ માટે કે તમે માન્ય થાઓ. 20 પણ ખોડવાળું કશુંયે તમારે ચઢાવવું નહિ; કેમ કે તમારા લાભમાં તે માન્ય નહિ થાય. 21 અને જો કોઈ માનતા ઉતારવા માટે અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા પ્રત્યે શાંત્યર્પણોનો યજ્ઞ ચઢાવે, એટલે બળદ કે ઘેટો [ચઢાવે] , તો તે ખોડખાંપણ વગરનો હોય તો જ માન્ય થાય; તેમાં કોઈ પણ ખોડ ન હોય. 22 આંધળું કે નંદાયેલું કે લૂંલું કે ઢીમવાળું કે ખરજવાવાળું કે ખૂજલીવાળું એવાં તમારે યહોવાને ચઢાવવાં નહિ, તેમ જ યહોવાને માટે વેદી પર તેમનો હોમયજ્ઞ પણ કરવો નહિ. 23 જે બળદને કે હલવાનને અધિકાંગ કે કમાંગ હોય, તેવાને ઐચ્છિકાર્પણ તરીકે ચઢાવવાની તને છૂટ છે. પણ માનતાને માટે તે માન્ય નહિ કરાય. 24 જેનો કછોટો ઘાયલ કરેલો કે છુંદેલો કે કૂટેલો કે ખસી કરેલો હોય, તે યહોવાને ન ચઢાવો, અને તમારા દેશમાં એવાઓને ચઢાવશો નહિ. 25 તેમ જ પરદેશી પાસેથી પણ એવું કંઈ લઈને તમારા ઈશ્વરને તેનું ખાદ્યાર્પણ ચઢાવો નહિ; કેમ કે તેઓની અંદર બગાડ સમાયેલો છે, તેઓમાં ખોડ છે, તેઓ તમારા લાભમાં માન્ય નહિ થાય.” 26 અને યહોવાએ મૂસાને કહ્યું, 27 “જ્યારે બળદ કે ઘેટું કે બકરું જન્મે, ત્યારે તે સાત દિવસ સુધી પોતાની માને ધાવે; અને આઠમા દિવસથી ને ત્યાર પછીથી તે યહોવાને માટે હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે. 28 અને ગાય હોય કે ઘેટી હોય, પણ તેને તથા તેના બચ્ચાને બન્નેને એક જ દિવસે ન કાપો. 29 અને જ્યારે તમે આભારાર્પણનો યજ્ઞ યહોવાને ચઢાવો, ત્યારે તે એવી રીતે ચઢાવો કે તમે માન્ય થાઓ. 30 તે ને તે જ દિવસે તેને ખાવું; તેમાંથી કંઈ પણ સવાર સુધી તમારે રહેવા દેવું નહિ; હું યહોવા છું. 31 એ માટે તમે મારી આજ્ઞાઓ પાળો, ને તેઓનો અમલ કરો; હું યહોવા છું. 32 અને તમે મારું પવિત્ર નામ ન વટાળો; પણ ઇઝરાયલી લોકો મધ્યે હું પવિત્ર મનાઉં; તમને પવિત્ર કરનાર યહોવા હું છું, 33 કે જે તમારો ઈશ્વર થવા માટે તમને મિસરમાંથી કાઢી લાવ્યો:હું યહોવા છું.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India