લેવીય 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ખાદ્યાર્પણ 1 અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે. 2 અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે. 3 અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે. 4 અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેંદાની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા હોય. 5 અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય, તો તે તેલથી મોહેલા બેખમીર મેંદાનું હોય. 6 તારે તેને ભાંગવું, ને તેના કકડા કરીને તે પર તેલ રેડવું; તે ખાદ્યાર્પણ છે. 7 અને જો તારું ખાદ્યાર્પણ કઢાઈમાં પકાવેલું હોય, તો તે તેલમાં [તળીને] મેંદાનું બનાવવું. 8 અને એવી વસ્તુઓનું બનેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું, અને તે યાજક આગળ રજૂ કરવું, ને તે તેને વેદી પાસે લાવે. 9 અને યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી માટે કાઢી લઈને વેદી પર તેનું દહન કરે; તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે. 10 અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે. 11 જે ખાદ્યાર્પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય; કેમ કે તમારે યહોવાના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ. 12 પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવાં; પણ સુવાસને માટે વેદી પર તેઓ ચઢે નહિ. 13 અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું, અને તારા ખાદ્યાર્પણમાં તું તારા ઈશ્વરના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચઢાવવું. 14 અને જો તું યહોવા પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવે, તો તારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને માટે ભરેલાં કણસલાં અંગારા પર શેકીને તાજાં કણસલાંનો પોંક પાડીને તારે ચઢાવવો. 15 અને તે પર તારે તેલ રેડવું, ને તે પર તારે તેલ રેડવું, ને તે પર લોબાન મૂકવો; તે ખાદ્યાર્પણ છે. 16 અને યાજક યાદગીરીને માટે તે પોંકમાંથી થોડો પોંક તથા તે તેલમાંથી થોડું તેલ તથા તે પરનો બધો લોબાન લઈને તેઓનું દહન કરે. તે યહોવાને માટે હોમયજ્ઞ છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India