Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પવિત્રતા અને માનવતાના નિયમો

1 અને યહોવાએ મૂસાને કહ્યું,

2 “ઇઝરાલી લોકોને વાત કરતાં કહે કે, તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.

3 તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના પિતાની બીક રાખો, ને તમે મારા સાબ્બાથ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.

4 મૂર્તિઓની તરફ તમે ન ફરો, ને તમારે માટે ઢાળેલી [ધાતુના] દેવો ન કરો; હું યહોવા તમારો ઈશ્વર છું.

5 અને જ્યારે તમે યહોવાની સમક્ષ શાંત્યર્પણોનો યજ્ઞ ચઢાવો, ત્યારે એવી રીતે તે ચઢાવવો કે તમે તેમની આગળ માન્ય થાઓ.

6 જે દિવસે તમે તે ચઢાવો તે જ દિવસે, તથા તેને બીજે દિવસે તે ખાવું; અને જો ત્રીજા દિવસ સુધી કંઇ બાકી રહે, તો તેને આગમાં બાળી નાખવું.

7 અને જો તે‍ ત્રીજે દિવસે જરાપણ ખાવામાં આવે, તો તે અમંગળ છે; તે માન્ય થશે નહિ,

8 પણ જે કોઈ તેને ખાય, તેનો અન્યાય તેને માથે રહે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્‍તુ વટાળી છે; અને તે જન પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.

9 અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મોડ તું વીણી ન લે.

10 અને તારી દ્રાક્ષાવાડી તું વીણી ન લે, તેમ જ તારી દ્રાક્ષાવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.

11 તમે ચોરી ન કરો, તેમ જ તમે દગો ન કરો, ને એકબીજાની આગળ જૂઠું ન બોલો.

12 અને તમે મારે નામે જૂઠા સોગન ન ખાઓ, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું.

13 તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા દે.

14 તું બહેરાને શાપ ન દે, ને આંધળાની આગળ ઠોકર ન મૂક, પણ તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું.

15 ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.

16 ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક, તેમ જ તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે; હું યહોવા છું.

17 તું તારા હ્રદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર, તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ.

18 તું વૈર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રેમ રાખ; હું યહોવા છું.

19 તમે મારા વિધિઓ પાળો, તારાં ઢોરને બીજી જાતનાં [જાનવર] સાથે સંયોગ કરવા ન દે; તારા ખેતરમાં બે જાતનાં બી ન વાવ; તેમ જ બે જાતની વસ્‍તુઓના મિશ્રણનો પોષાક તારા અંગ પર ન આવે.

20 અને કોઈ સ્‍ત્રી દાસી હોય, ને તેને કોઈ પુરુષની સાથે તેનું વેવિશાળ થયેલું હોય, તેમ જ તેને છૂટકો મળ્યો પણ ન હોય, તેવીની સાથે કોઈ વ્યભિચાર કરે, તો તેઓને શિક્ષા કરવી; તેમને મારી ન નાખવા કેમ કે સ્‍ત્રી સ્વતંત્ર ન હતી.

21 અને તે પુરુષ યહોવાની સમક્ષ પોતાનું દોષાર્થાર્પણ, એટલે દોષાર્થાર્પણનો ઘેટો, મુલાકાત મંડપના દ્વાર પાસે લાવે.

22 અને તેણે જે પાપ કર્યું તેને લીધે યાજક તેને માટે તે દોષાર્થાર્પણના ઘેટા વડે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે; એટલે તેણે કરેલું પાપ તેને માફ થશે.

23 અને તમે દેશમાં આવ્યા પછી ખોરાકને માટે સર્વ પ્રકારનાં જે ઝાડ તમે રોપ્યાં હશે, તેઓનાં ફળ તમારે અનુચિત ગણવાં; ત્રણ વર્ષ સુધી તમારે તેમને અનૂચિત ગણવાં, તેમને ખાવાં નહિ.

24 પણ ચોથે વર્ષે તેની બધી પેદાશ યહોવાનું સ્‍તવન કરવ માટે પવિત્ર ગણાય.

25 અને પાંચમે વર્ષે તમારે તેનું ફળ ખાવું, એ માટે કે તે તમને વધારે ફળ આપે; હું યહોવા તમારો ઈશ્વર છું.

26 તમે કોઇ પણ વસ્‍તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમ જ શુકનનો ઉપચાર પણ ન કરો.

27 તમારા માથાના ખૂણા ગોળ ન કપાવો, ને તું તારી દાઢીના ખૂણા ન બગાડ.

28 મૂએલાંને લીધે તમારા શરીરમાં ઘા ન પાડો, ને તમારે અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો; હું યહોવા છું.

29 તું પોતાની દીકરીને વેશ્યા બનાવીને ભ્રષ્ટ ન કર; રખેને દેશ લંપટ બની જાય, ને દેશ દુષ્ટતાતી ભરપૂર થાય.

30 તમે મારા સાબ્‍બાથો પાળો, ને મારા પવિત્રસ્‍થાનની અદબ રાખો; હું યહોવા છું.

31 તમે ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો; તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ; હું યહોવા તમારો ઈશ્વર છું.

32 તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું.

33 અને જો કોઇ પરદેશી તમારા દેશમાં તારી સાથે‍ પ્રવાસ કરતો હોય, તો તેને તમે વિનાકારણ હેરાન ન કરો.

34 તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવો જ પ્રેમ તેના પર કરવો; કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા; હું યહોવા તમારો ઈશ્વર છું.

35 તમે ઇનસાફ કરવામાં, લંબાઈના માપમાં વજનના માપમાં, કે [કોઈ પણ] માપમાં, દગો ન કરો.

36 તમારી પાસે અદલ ત્રાજવાં, અદલ કાટલાં, અદલ એફાહ, તથા અદલ હિન હોય, તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર હું યહોવા તમારો ઈશ્વર છું.

37 અને તમારે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળવા, ને તેઓને અમલમાં લાવવા; હું યહોવા છું.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan