લેવીય 18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)સ્ત્રીસંગ બાબતે નિષેધો 1 અને યહોવાએ મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલી લોકને એમ કહે કે, હું યહોવા તમારો ઈશ્વર છું. 3 મિસર દેશ જેમાં તમે રહેતા હતા, તેનાં કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું, તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો; તેમ જ તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો. 4 મારા હુકમો અમલમાં લાવો, ને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું. 5 માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું. 6 તમારામાંનો કોઈ પણ પોતાની નજીકની સગીની આબરૂ લેવા તેની પાસે ન જાય. હું યહોવા છું. 7 તારા પિતાની એટલે તારી માની આબરૂ ન લે, એ તારી મા છે; તું તેની આબરૂ ન લે. 8 તારા પિતાની પત્નીની આબરૂ તું ન લે, તે તારા પિતાની આબરૂ છે. 9 તારી બહેનની, એટલે તારા પિતાની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે, પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય. 10 તારા દીકરાની દીકરીની, કે તારી દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ [આબરૂ] છે. 11 તારા પિતાની પત્નીની દીકરી એટલે તારા પિતાના પેટની દીકરી, એ તારી બહેન છે, તેની આબરૂ તું ન લે. 12 તારા પિતાની બહેનની આબરૂ તું ન લે, તે તો તારા પિતાની નજીકની સગી છે. 13 તારી માની બહેનની આબરૂ તું ન લે, કેમ કે તે તારી માની નજીકની સગી છે. 14 તાર કાકાની સ્ત્રીની આબરૂ લેવા તેની પાસે ન જા, એ તો તારી કાકી છે. 15 તારી પુત્રવધુની આબરૂ તું ન લે, તે તારા દીકરાની પત્ની છે, તું તેની આબરૂ ન લે. 16 તારી ભાભીની આબરૂ તું ન લે, તે તો તારા ભાઈની આબરૂ છે. 17 કોઈ સ્ત્રી તથા તેની દીકરી એ બન્નેની આબરૂ ન લે, તેઓ નજીકની સગી છે. એ તો દુષ્ટતા છે. 18 એક સ્ત્રીના જીવતાં તેની બહેનને તેની શોકય તરીકે પરણીને તેની આબરૂ ન લે. 19 અને જ્યાં સુધી કોઈ સ્ત્રી ઋતુના કારણથી અગલ રહેલી હોય, ત્યાં સુધી તેની પાસે જઈને તેની આબરૂ ન લે. 20 અને તારા પડોશીની સ્ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ. 21 તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેખને સ્વાધીન ન કર, ને તારા ઈશ્વરનું નામ ન વટાળ; હું યહોવા છું. 22 સ્ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે. 23 અને કોઈ પશુની સાથે કુકર્મ કરીને તું પોતાને અશુદ્ધ ન કર, કોઈ સ્ત્રી પણ જાનવરની સાથે કુકર્મ કરવાને તેની સામે ઊભી ન રહે, તે વિપરીત કર્મ છે. 24 એવું કોઈ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો; કેમ કે જે દેશજાતિઓને હું તમારી સામેથી કાઢી મૂકવાનો છું, તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઈ છે, 25 અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું, ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે. 26 માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો, ને એ અમંગળ કર્મોમાંનું કોઈ પણ ન કરો; આ દેશમાંનોએ નહિ તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો પરદેશી પણ નહિ; 27 (કેમ કે જે લોકો તમારી અગાઉ આ દેશના [વતની] હતા, તેઓએ એ સઘળાં અમંગળ કૃત્યો કર્યાં છે, ને દેશ અશુદ્ધ થયો છે.) 28 રખેને એવું થાય કે, તમે દેશને અશુદ્ધ કરો, ને તેથી જેમ તમારી પહેલાંની પ્રજાને તેણે ઓકી કાઢી, તેમ તે તમને પણ ઓકી કાઢે. 29 કેમ કે જે કોઈ એમાંનું કોઈ પણ અમંગળ કૃત્ય કરશે, હા, જેઓ તે કરશે તેઓ પોતાના લોકોમાંથી અલગ કરાશે. 30 એ માટે તમે મારા ફરમાનનો અમલ કરો, એ માટે કે તમારી પહેલાં જે અમંગળ રિવાજો પળાતા હતા, તેઓમાંનો કોઈ પણ તમે ન પાળો, ને તેઓ વડે પોતાને અશુદ્ધ ન કરો. હું યહોવા તમારો ઈશ્વર છું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India