Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


શરીરનો જીવ રક્તમાં છે: માટે રક્ત ન પાડવું, ન ખાવું

1 અને યહોવાએ મૂસાને કહ્યું,

2 “હારુનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલી લોકોને એમ કહે કે, જે આજ્ઞા યહોવાએ ફરમાવી છે તે આ છે:

3 એટલે ઇઝરાયલના ઘરનો જે કોઈ પુરુષ બળદને કે હલવાનને બકરાને છાવણીમાં કાપે કે છાવણી બહાર કાપે,

4 પરંતુ યહોવાના માંડવાની સામે યહોવાને માટે અર્પણ ચઢાવવા માટે મુલાકાતમંડપના દ્વારની પાસે તેને તે ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે; તેણે તો રક્ત વહેવડાવ્યું છે. અને તે પુરુષ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.

5 એ માટે કે જે યજ્ઞ ઇઝરાયલી લોકો ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે, એટલે તે તેઓ મુલાકાતમંડપના દ્વાર આગળ યાજક પાસે યહોવાને માટે લાવે, ને તે વડે તેઓ યહોવાને માટે શાંત્યર્પણોના યજ્ઞ કરે.

6 અને યાજક મુલાકાતમંડપના દ્વાર પાસેની યહોવાની વેદી ઉપર તે રક્ત છાંટે, ને યહોવાને માટે સુવાસને અર્થે ચરબીનું દહન કરે.

7 અને જે વનદેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા. તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચઢાવે. વંશપરંપરા તેઓને માટે હમેશનો એ વિધિ થાય.

8 અને તું તેઓને કહે કે, ઈઝરાયલના ઘરમાંનો, અથવા તેમની મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ માણસ દહનીયાર્પણ કે યજ્ઞ ચઢાવે,

9 તેમ છતાં યહોવા સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે માણસ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.

10 અને ઇઝરાયલના ઘરમાંનો અથવા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ.

11 કેમ કે શરીરનો જીવ રક્તમાં છે; અને વેદી પર [બળિદાન થઈને] તે તમારા આત્માને માટે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે; કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત્ત થાય છે, કારણ કે તેમાં જીવ છે.

12 એ માટે મેં ઇઝરાયલી લોકોને કહ્યું કે, તમારામાં કોઈ જન રક્ત ન ખાય, તેમ જ તમારી મધ્યે પ્રવાસ કરતો કોઈ પરદેશી પણ રક્ત ન ખાય.

13 અને ઇઝરાયલી લોકોમાંથી અથવા તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંથી જે કોઈ માણસ ખવાય એવા પશુની કે પક્ષીની પાછળ લાગીને તેને પકડે, તેણે તેનું રક્ત પાડીને તેને ધૂળથી ઢાંકી દેવું.

14 કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એમ જાણવું કે તેઓનું રક્ત તે જ તેઓનો જીવ છે; એ માટે મેં ઇઝરાયલી લોકોને કહ્યું કે, કોઈ પણ પ્રકારના દેહધારીનું રક્ત તમારે ન ખાવું; કેમ કે સર્વ દેહધારીઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. જે કોઈ તે ખાય, તે અલગ કરાય.

15 અને જે કોઈ જન મુડદાલ અથવા જાનવરોએ ફાડી નાખેલાંનું [માંસ] ખાય, તે આ દેશનો હોય કે પરદેશી હોય, પણ તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. ત્યાર પછી તે શુદ્ધ ગણાય.

16 પણ જો તે તેમને ન ધુએ, ને સ્નાન ન કરે, તો તેનો અન્યાય તેને માથે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan