Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ખોરાક માટે યોગ્ય અને અયોગ્ય પ્રાણીઓ

1 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું,

2 “ઇઝરાયલી લોકોને એમ કહો કે, પૃથ્વી પરનાં સર્વ પ્રાણીઓમાંથી જે પ્રાણીઓ તમારે ખાવાં તે આ છે:

3 પશુઓમાંથી જે કોઈને ફાટેલી ખરી, ને ચિરાયેલા પગ હોય, તથા જે વાગોળતું હોય, તે તમારે ખાવું.

4 તોપણ વાગોળનારાંમાંથી અથવા ફાટેલી ખરીવાળાંમાંથી આ [પશુઓ] તમારે ન ખાવાં:એટલે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે.

5 અને સાફાન-સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે.

6 અને સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે.

7 અને ડુકકર, કેમ કે તેની ખરી ફાટેલી છે ને તેના પગ ફાટેલા છે, પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે.

8 તેઓનું માંસ ન ખાવું, તથા તેઓનાં મુડદાંનાં સ્પર્શ ન કરવો. તેઓ તમને અશુદ્ધ છે.

9 બધાં જળચર [પ્રાણીઓ] માંથી તમારે આ ખાવાં:એટલે પાણીમાં જે બધાંને પર તથા ભિંગડાં હોય છે તેઓને તમારે ખાવાં, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય.

10 અને સમુદ્રોમાંનાં તથા નદીઓમાંના જે બધાં પાણીમાં તરે છે તેમાંનાં, તથા સર્વ જળચર પ્રાણીઓમાંનાં જે સર્વને પર તથા ભિંગડાં હોતાં નથી, તેઓ તમને અમંગળ છે.

11 અને તેઓ તમને અમંગળ જ થાય; તેઓનું માંસ ન ખાઓ, ને તેઓનાં મુડદાંને તમે અમંગળ ગણો.

12 પાણીમાંનાં જેઓને પર તથા ભિંગડાં નથી હોતાં તેઓ સર્વ તમને અમંગળ છે.

13 અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવાં; તેઓને ન ખાવાં; તે અમંગળ છે: એટલે ગરુડ, તથા ફરસ, તથા અજના;

14 તથા કલીલ, તથા બાજ તેની જાત પ્રમાણે;

15 પ્રત્યેક કાગડો તેની જાત પ્રમાણે;

16 તથા શાહમૃગ, તથા રાતશકરી તથા શાખાફ, તથા શકરો તેની જાત પ્રમાણે;

17 તથા ચીબરી, તથા કરઢોક, તથા ધુવડ;

18 તથા રાજહંસ, તથા ઢીંચ, તથા ગીધ;

19 તથા બગલું, તથા હંસલો તેની જાત પ્રમાણે, તથા લક્‍કખોદ તથા વાગોળ.

20 સર્વ પાંખવાળાં સર્પટિયાં જે ચાર પગે ચાલે છે, તે તમને અમંગળ છે.

21 તોપણ ચાર પગે ચાલનાર પાંખવાળાં સર્પટિયાં, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમને ખાવાની રજા છે:

22 એટલે કે તીડ તેની જાત પ્રમાણે, ને બોડમથો તીડ તેની જાત પ્રમાણે, તમરી તેની જાત પ્રમાણે, ને ખપેડી તેની જાત પ્રમાણે.

23 પણ [બીજાં] સર્વ ચોપગાં પાંખવાળાં સર્પટિયાં તમને અમંગળ છે.

24 આવાંથી તમે અશુદ્ધ થશો:જે કોઈ તેઓના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

25 અને જે કોઈ તેઓના મુડદાનો [કોઈ ભાગ] ઊંચકે, તે પોતાનઆં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

26 જે કોઈ પશુની ખરી ફાટેલી હોય પણ પગ ચિરાયેલા ન હોય તથા વાગોળતું ન હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે અશુદ્ધ છે.

27 અને ચોપગાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમને અશુદ્ધ છે; જે કોઈ તેઓના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

28 અને જે કોઈ તેમનું મુડદું ઊંચકે, તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય; તે તમને અશુદ્ધ છે.

29 અને જમીન પર પેટે ચાલનાર સર્પટિયાંમાંથી આ તમને અશુદ્ધ હોય:નોળિયો તથા ઉંદર તથા મોટી ઘરોળી તેની જાત પ્રમાણે,

30 તથા ચંદન ઘો, તથા પાટલા ઘો, તથા ઘરોળી, તથા સરડો તથા કાચીંડો.

31 સર્વ સર્પટિયાંમાંથી એ તમને અશુદ્ધ છે; તેઓના મર્યા પછી જે કોઈ તેમનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

32 અને તેઓમાંના કોઈનું મુડદું જે કંઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે લૂગડું કે ચામડું કે ટાટ, એટલે કોઈ પણ કામમાં આવતું હરકોઈ વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ત્યાર પછી તે શુદ્ધ ગણાય.

33 અને જો કોઈપણ માટલામાં તેઓમાંનું કંઈ પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય, ને તેને તમારે ભાંગી નાખવું.

34 [એમાંની] બધી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે, તે અશુદ્ધ ગણાય. અને જે કંઈ પીવાનું એવા પ્રત્યેક વાસણમાં હોય, તે અશુદ્ધ ગણાય.

35 અને પ્રત્યેક વસ્તુ જેના પર તેઓના મુડદાનો [કોઈ ભાગ] પડે, તે અશુદ્ધ ગણાય:તે ભઠ્ઠી હોય, કે પછી વાસણોને માટે છાજલી હોય, પણ તેને ભાંગી નાખવી. તે અશુદ્ધ છે, ને તમારે માટે અશુદ્ધ ગણાય.

36 પણ ઝરો કે કૂવો જેમાં પાણીનો પુષ્કળ જથો છે, તે શુદ્ધ ગણાય. પણ જે તેમના મુડદાનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય.

37 અને જો તેઓના મુડદાનો [કોઈ ભાગ] કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે શુદ્ધ છે.

38 પણ જો તે બિયારણ પર પાણી છાંટેલું હોય, ને તેમના મુડદાનો [કોઈ ભાગ] તેના પર પડે, તો તે તમને અશુદ્ધ છે.

39 અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે, તેઓમાંનું કોઈ મરી જાય, તો જે કોઈ તેના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

40 અને જે કોઈ તેનું મુડદાલ ખાય તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મુડદું ઊંચકનાર પણ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.

41 અને જમીન પર પેટે ચાલનાર પ્રત્યેક સર્પટિયું અમંગળ છે; તે ખાવું નહિ.

42 જે પેટે ચાલનારું કે પગે ચાલનારું હોય કે, જે બહુપગું હોય, તેમને, એટલે જમીન પર સર્વ પેટે ચાલનારાંને તમારે ખાવાં નહિ; કેમ કે તે અમંગળ છે.

43 કોઈ પણ પેટે ચાલનાર સર્પટિયાથી તમે પોતાને અમંગળ ન કરો ને તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ.

44 કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું; એ માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમ કે હું પવિત્ર છું; અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો.

45 કેમ કે તમારો ઈશ્વર થવા માટે મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું; માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.

46 પશુઓ વિષે તથા પક્ષીઓ વિષે તથા જળચર પ્રાણીઓ વિષે, તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓ વિષે આ નિયમ છે;

47 એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્‍ચે, અને ખાવાના પ્રાણી તથા નહિ ખાવાના પ્રાણી વચ્ચે ભેદ રખાય.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan