Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યર્મિયાનો વિલાપ 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પ્રભુના કોપની સોટીથી જેણે દુ:ખ ભોગવ્યું છે, તે પુરુષ હું જ છું.

2 તેમણે મને અજવાળામાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો છે.

3 તે ખરેખર આખો દિવસ મારી વિરુદ્ધ વારંવાર પોતાનો હાથ ફેરવે છે.

4 તેમણે મારું માંસ તથા મારી ચામડી જીર્ણ કરી નાખ્યા છે. તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે;

5 તેમણે મારી આસપાસ પિત્તળના વિષનો તથા કષ્ટનો કોટ બાંધીને મને ઘેરી લીધો છે.

6 તેમણે મને પુરાતન કાળન મૂએલાની જેમ અંધારાં સ્થાનોમાં વસાવ્યો છે.

7 તેમણે મને વાડથિ ધેર્યો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે મારી બેડી ભારે કરી છે.

8 વળી જ્યારે હું પોકારીને સહાય માગું છું, ત્યારે તે મારી પ્રાર્થના પાછી વાળે છે.

9 તેમણે ઘડેલા પથ્થરથી મારા માર્ગોને બંધ કર્યા છે, તેમણે મારા માર્ગો વાંકાચૂકા કર્યા છે.

10 તે મારા પ્રત્યે સંતાઈ રહેલા રીંછ જેવા, અને ગુપ્ત સ્થળમાં રહેનાર સિંહ જેવા થયા છે.

11 તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે, ને મને ફાડી નાખ્યો છે. તેમણે મને નિરાધાર કર્યો છે.

12 તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે, ને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.

13 તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંત:કરણમાં ખોસ્યા છે.

14 હું મારા સર્વ લોકોની આગળ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મારા રાસડા ગાય છે.

15 તેમણે મને કડવાશથી ભર્યો છે, તેમણે મને નાગદમણથી તૃપ્ત કર્યો છે.

16 વળી તેમણે મારાં દાંતોને કાંકરીથી ભાંગ્યા છે, તેમણે રાખથી મને ઢાંકી દીધો છે.

17 તમે મારો જીવ સુખશાંતિથી દૂર રાખ્યો છે; આબાદાની શું છે તે હું ભૂલી ગયો છું.

18 મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, તથા યહોવા તરફથી મારી આશા નષ્ટ થઈ છે.

19 મારું કષ્ટ તથા મારું દુ:ખ, મારાં નાગદમણ તથા પિત્ત, તેઓનું સ્મરણ કર.

20 મારો જીવ તેમનુમ સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.

21 એ હું મનમાં લાવું છું, ને તેથી હું આશા રાખું છું.

22 યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે.

23 તે દર સવારે નવી થાય છે. તમારું વિશ્વાસુપણું મહાન છે.

24 મારો જીવ કહે છે કે, યહોવા મારો હિસ્સો છે, તેથી હું તેમના પર આશા રાખીશ.

25 જેઓ તેમની વાટ જુએ છે, ને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવા ભલા છે.

26 યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની વાટ જોવી, એ સારું છે.

27 યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.

28 પ્રભુએ તેના પર [ઝૂંસરી] મૂકી છે, માટે તે એકાંતમાં બેસીને છાનો રહે.

29 તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત [તેને] આશા ઉત્પન્‍ન થાય.

30 જે તેને મારે છે તેની તરફ તે પોતાનો ગાલ ધરે; તે અપમાનથી ભરપૂર થાય.

31 કેમ કે પ્રભુ કદી પણ કાઢી મૂકશે નહિ.

32 કેમ કે જો કે તે દુ:ખ દે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તે દયા કરશે.

33 કેમ કે તે રાજીખુશીથી દુ:ખ દેતા નથી, ને માણસોને ખિન્‍ન કરતા નથી.

34 પૃથ્વીના સર્વ બંદીવાનોને પગ નીચે ખૂંદવા,

35 પરાત્પર ઈશ્વરની સમક્ષ કોઈનો હક ડુબાડવો,

36 કોઈનો દાવો બગાડવો, એ પ્રભુને યોગ્ય લાગતું નથી.

37 યહોવાની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?

38 પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુ:ખ તથા સુખ બન્‍ને નીકળે કે નહિ?

39 જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?

40 આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ, ને યહોવાની તરફ ફરીએ.

41 આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથની સાથે આપણું હ્રદય પણ ઊંચું કરીએ.

42 અમે અપરાધ તથા બંડ કર્યાં છે; તમે ક્ષમા કરી નથી.

43 તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમને કતલ કર્યા છે, ને અમારા પર દયા રાખી નથી.

44 અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળાથી પોતાને ઢાંકી દીધા છે.

45 લોકોમાં તમે અમને ઉકરડા જેવા તથા કચરા સરખા કર્યા છે.

46 અમારા સર્વ શત્રુઓએ અમારી વિરુદ્ધ પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે.

47 ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.

48 મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.

49 યહોવા આકાશમાંથી દષ્ટિ કરીને જુએ ત્યાં સુધી,

50 મારી આંખમાંથી નિરંતર ચોધાર આંસુઓ વહ્યાં કરે છે.

51 મારા નગરની સર્વ દીકરીઓને લીધે મારી આંખ મારા જીવને દુ:ખીઇ કરે છે.

52 જેઓ વિનાકારણ મારા શત્રુ થયા છે, તેઓ કોઈ પક્ષીની પાછળ પડે તેમ મારી પાછળ પડ્યા છે.

53 તેઓએ મારા જીવને કારાગૃહમાં નષ્ટ કરવાનું કર્યું છે, ને મારા પર પથ્થે ફેંક્યો છે.

54 મારા માથા ઉપર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું કે, હું મરી ગયો!

55 હે યહોવા, મેં કારાગૃહના નીચલા ભોંયરામાંથી તમારા નામને હાંક મારી.

56 તમે મારો અવાજ સાંભળ્યો; હું હાંફીને બૂમ પાડું, ત્યારે તમે તમારો કાન બંધ ન કરો.

57 જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, ‘બીશ નહિ, ’ એવું તમે કહ્યું.

58 હે પ્રભુ, તમે મારા જીવનો પક્ષ કરીને મારા તરફથી વિવાદ ચલાવ્યા છે; તમે મારા પ્રાણનો ઉદ્ધાર કર્યો છે.

59 હે યહોવા, મારા પર જે‍‍ અન્યાય થયેલો છે તે તમે જોયો છે; તમે મારો ન્યાય કરો.

60 તેઓએ મારા પર લીધેલું સર્વ વૈર તથા તેઓએ કરેલાં સર્વ કાવતરાં તમે જોયાં છે.

61 હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા, તથા મારી વિરુદ્ધ તેઓએ કરેલાં સર્વ કાવતરાં તમે સાંભળ્યા છે.

62 જેઓ મારી સામે ઊઠ્યા તેઓનાં વચન, તથા આખો દિવસ મારી વિરુદ્ધ તેમની કૂથલી તમે સાંભળી છે.

63 તેઓનું બેસવું ઊઠવું જુઓ; તેઓ મારા રાસડા ગાય છે.

64 હે યહોવા, તેઓના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપો.

65 તેઓનાં મન અંધકારમય કરો. તમે તેઓને શાપ આપો.

66 કોપથી તેઓની પાછળ પડો, ને યહોવાના આકાશ નીચેથી તેઓનું નિકંદન કરો.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan