યહોશુઆ 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ગિબ્યોનના લોકોની છેતરપિંડી 1 અને યર્દન પારના જે સર્વ રાજાઓ પહાડી પ્રદેશમાં, તથા નીચાણના પ્રદેશમાં, તથા મહાસમુદ્રના લબાનોનની સામેના આખા કાંઠા ઉપર રહેતા હતા, એટલે હિત્તીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, તેઓએ જ્યારે તે સાંભળ્યું, ત્યારે એમ થયું કે, 2 તેઓ એકસંપ કરીને યહોશુઆની સામે ને ઇઝરાયલી લોકોની સામે યુદ્ધ કરવા ભેગા થયા. 3 પણ યહોશુઆએ યરીખોના તથા આયના જે હાલ કર્યા હતા, તે વિષે ગિબ્યોનના રહેવાસીઓએ સાંભળ્યું, 4 ત્યારે તેઓએ પણ કપટ કર્યું, ને ભાથું તૈયાર કરીને તેઓએ પોતનાં ગઘેડાં પર જૂની ગુણપાટો, ને દ્રાક્ષારસની જૂની ને ફાટેલી ને થીંગડાં મારેલી મશકો લાદી. 5 અને પોતાના પગોમાં જૂનાં ને થીંગડાં મારેલાં પગરખાં, ને પોતાનાં અંગ પર જૂનાં વસ્ત્રો પહેરી લીધાં; અને તેઓના ભાથાની બધી રોટલી સુકાઈને ફુગાઈ ગયેલી હતી. 6 અને ગિલ્ગાલ આગળની છાવણીમાં યહોશુઆની પાસે આવીને તેઓએ તેને તથા ઇઝરાયલના માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ; એ માટે હવે તમે અમારી સાથે કોલકરાર કરો.” 7 પણ ઇઝરાયલના માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારા [દેશ] માં રહેતા હો; તો અમે તમારી સાથે કોલકરાર શી રીતે કરીએ?” 8 અને તેઓએ યહોશુઆને કહ્યું, “અમે તો તારા દાસ છીએ.” અને યહોશુઆએ તેઓને કહ્યું, “તમે કોણ છો? અને ક્યાંથી આવ્યા છો?” 9 અને તેઓએ તેને કહ્યું, “તારા ઈશ્વર યહોવાના નામની ખાતર અમે તારા દાસો ઘણા દૂર દેશથી આવ્યા છીએ. કેમ કે તેમની કીર્તિ, ને તેમણે મિસરમાં જે જે કર્યું તે સર્વ અમે સાંભળ્યું છે, 10 વળી યર્દન પારના અમોરીઓના બે રાજા, એટલે હેશ્બોનનો રાજા સિહોન ને આશ્તારોથમાં રહેનાર બાશાનનો રાજા ઓગ, તેઓને તેમણે જે જે કર્યું તે [પણ અમે સાંભળ્યું છે]. 11 એ માટે અમારા વડીલો તથા અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને એમ કહ્યું, ‘મુસાફરીને માટે તમારા હાથમાં ભાથું લઈને તેઓને મળવા જાઓ, ને તેઓને કહો, અમે તમારા દાસ છીએ.’ અને હવે તમે અમારી સાથે કોલકરાર કરો. 12 અમે તમારી પાસે આવવા નીકળ્યા તે દિવસે આ અમારી રોટલી અમારા ભાથાને માટે અમે અમારા ઘરમાંથી ઊની ઊની લીધી હતી; પણ જુઓ, હવે તે સુકાઈને ફૂગાઈ ગઈ છે. 13 અને દ્રાક્ષારસની આ મશકો જે અમે ભરી હતી તે નવી જ હતી; પણ જુઓ, હવે તે ફાટી ગઈ છે. અને આ અમારાં વસ્ત્રો ને અમારાં પગરખાં ઘણી લાંબી મુસાફરીથી જૂનાં થઈ ગયાં છે.” 14 અને [ઇઝરાયલી] માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું, ને યહોવાની સલાહ લીધી નહિ. 15 અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, ને તેઓની સાથે કરાર કર્યો. અને લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી. 16 અને તેઓની સાથે કરાર કર્યા પછી ત્રીજે દિવસે એમ થયું કે, તેઓએ સાંભળ્યું કે તેઓ અમારા પડોશી, ને અમારી મધ્યે જ રહેનારા છે. 17 અને ઇઝરાયલી લોકો, ચાલી નીકળીને ત્રીજે દિવસે તેઓનાં નગરોમાં પહોંચ્યા. હવે તેઓનાં નગરો તો ગિબ્યોન ને કફીરા ને બેરોથ ને કિર્યાથ-યારીમ હતાં. 18 અને ઇઝરાયલીઓએ તેઓને મારી નાખ્યા નહિ, કેમ કે સમુદાયન લોકોના આગેવાનોએ તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયલના ઈશ્વરની પ્રતિજ્ઞા લીધી હતી. તેથી લોકોના સમુદાયે આગેવાનોની વિરુદ્ધ કચકચ કરી. 19 અને સર્વ આગેવાનોએ લોકોના સમુદાયને કહ્યું, “અમે તેઓની આગળ યહોવાના એટલે ઇઝરાયલના ઈશ્વરને નામે પ્રતિજ્ઞા લીધી છે. માટે અમારાથી તો તેઓને [આંગળી પણ] ના અડકાડાય.” 20 આમ કરીને અમે તેઓને જીવતા રહેવા દઈએ; નહિ તો અમે તેઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી છે તે કારણથી અમારા ઉપર ઈશ્વરનો કોપ આવી પડે.” 21 અને આગેવાનોએ તેઓને કહ્યું, “તેઓને જીવતા રહેવા દો; પણ એ શરતે કે, તેઓ સમગ્ર પ્રજાને માટે લાકડાં કાપનારા ને પાણી ભરનારા થાય, જેમ આગેવાનોએ તેઓને કહ્યું હતું તેમ.” 22 અને યહોશુઆએ તેઓને બોલાવીને એમ કહ્યું, “તમે અમારામાં રહો છો તેમ છતાં, અમે તમારાથી ઘણે દૂરના છીએ, એમ કહીને તમે અમને કેમ ઠગ્યા? 23 તો હવે તમે શાપિત થયા છો, ને તમારામાંનો કોઈ પણ દાસ થયા વગર, એટલે મારા ઈશ્વરના ઘરમાં લાકડાં કાપનાર તેમ જ પાણી ભરનાર થયા વગર, રહેશે નહિ.” 24 અને તેઓએ યહોશુઆને ઉત્તર અપ્યો, “તમારે લીધે અમારા જીવને માટે અમને ઘણો ભય હતો તેથી અમે આ કામ કર્યું છે; કેમ કે આખો દેશ તમને આપવાની તથા તમારી આગળથી દેશના સર્વ રહેવાસીઓનો નાશ કરવાની જે આ તારા ઈશ્વર યહોવાએ તેમના સેવક મૂસાને આપી હતી, તે ખચીત તારા દાસોના સાંભળવામાં આવી છે. 25 અન હવે, અમે તારા હાથમાં છીએ. તને જે સારું તથા વાજબી લાગે તે કર.” 26 તેથી તેઓને તે પ્રમાણે કરીને તેણે તેઓને એટલે તેઓએ તેઓને મારી નાખ્યા નહિ. 27 અને તે દિવસે ઇઝરાયલી લોકોને માટે તથા જે સ્થળ યહોવા પસંદ કરે ત્યાં, તેની વેદીને માટે યહોશુઆએ તેઓને લાકડાં ફાડનારા તથા પાણી ભરનારા ઠરાવ્યા. અને આજ સુધી [તેમ જ છે]. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India