યહોશુઆ 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહોશુઆનાં વિદાયવચનો 1 યહોવાએ ઇઝરાયલીઓને તેઓની ચારે તરફના સર્વ શત્રુઓથી વિશ્રાંતિ આપ્યા પછી ઘણે દિવસે. એટલે યહોશુઆ ઘણો વૃદ્ધ તથા વયધર થયો હતો, 2 ત્યારે યહોશુઆએ સર્વ ઇસ્ત્રાયલને તેઓના વડીલોને ને તેઓના મુખ્ય પુરુષોને, ને તેઓના ન્યાયાધીશોને, ને તેઓના અધિકારીઓને બોલાવીને તેઓને કહ્યું, “હવે હું ઘણો વૃદ્ધ તથા વયધર થયો છું; 3 અને તમારા ઈશ્વર યહોવાએ તમારે માટે આ સર્વ દેશજાતિઓને જે જે કર્યું, તે સર્વ તમે જોયું છે; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ પોતે જ તમારે માટે યુદ્ધ કર્યું છે. 4 જુઓ, બાકી રહેલી દેશજાતિઓનો ને જે દેશજાતિઓને મેં નાબૂદ કરી તે સર્વનો દેશ યર્દનથી માંડીને છેક પશ્ચિમ તરફના મોટા સમુદ્ર સુધી, મેં તમને તમારાં કુળોને વતનને માટે વહેંચી આપ્યો છે. 5 યહોવા તમારા ઈશ્વર પોતે જ તેઓને તમારી આગળથી હાંકી કાઢીને તમારી દષ્ટિથી દૂર કરશે; અને તમારા ઈશ્વર યહોવાએ તમને કહ્યું હતું તેમ, તમે તેઓનો દેશ કબજામાં લેશો. 6 માટે મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમં જે જે લખેલું છે, તે સર્વ પાળવાને તથા અમલમાં લાવવાને ઘણા હિમ્મતવાન થાઓ કે, તમે તેમાંથી જમણે કે ડાબે હાથે ફરો નહિ; 7 અને તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓનો સહવાસ રાખો નહિ. અને [તેઓના] દેવોના નામનું ઉચ્ચારણ કરો નહિ, ને [તેઓના] સોગન આપો નહિ, ને તેઓની સેવા પણ કરો નહિ, ને તેઓને પગે લાગો નહિ. 8 પણ આજ સુધી તમે કરતા આવ્યા તેમ તમારા ઈશ્વર યહોવાને જ વળગી રહો. 9 કેમ કે યહોવાએ તમારી આગળથી મોટી અને પરાક્રમી દેશજાતિઓને હાંકી કાઢી છે; પણ તમારી સામે તો આજ સુધી કોઈ પણ ટક્યો નથી. 10 તમારામાંનો એક માણસ હજારને નસાડતો; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તમને જેમ કહ્યું તેમ તે પોતે તમારે માટે યુદ્ધ કરે છે. 11 તો તમારા ઈશ્વર યહોવા પર પ્રેમ રાખવાની ઘણી કાળજી રાખો. 12 કેમ કે જો તમે કોઈ પણ પ્રકારે પાછા હઠશો, ને તમારી પાસે રહેલી આ દેશજાતિઓને, એટલે જે બાકી રહી છે તેઓની સાથે સંબંધ રાખશો, ને તેઓની સાથે લગ્નવ્યવહાર કરીને તેઓની સાથે લગ્નવ્યવહાર કરીને તેઓની સાથે હળીમળી જશો; 13 તો નિશ્ચે જાણજો કે, તમારા ઈશ્વર યહોવા હવે પછી એ દેશજાતિઓને તમારી આગળથી હાંકી કાઢનાર નથી; અને આ જે સારી ભૂમિ તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે, તેમાંથી તમે નષ્ટ થઈ જશો ત્યાં સુધી તેઓ તમને ફાંદા તથા ફાંસારૂપ, ને તમારી કૂખોમાં કાંટારૂપ, ને તમારી આંખોમાં કણીરૂપ થઈ પડશે. 14 જુઓ, આજ સર્વ લોકને માટે ઠરાવેલે માર્ગે હું જાઉં છું; અને તમારાં અંત:કરણમાં ને તમારાં મનમાં તમે સહુ જાણો છો કે, જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાએ તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી, તે સર્વ તમારા સંબંધમાં ફળીભૂત થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી. 15 અને એમ થશે કે જેમ તમારા ઈશ્વર યહોવાએ તમને આપેલાં સર્વ સારાં વચન તમારા સંબંધમાં ફળીભૂત થયાં, તેમ જ આ જે સારી ભૂમિ તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે તે ઉપરથી તમારો નાશ કરતાં સુધી યહોવા તમારા પર [આગળ કહેલી] સર્વ વિપત્તિઓ લાવશે [એમ પણ બનશે]. 16 તમારા ઈશ્વર યહોવાએ જે કરાર તમારી સાથે કર્યો તે જ્યારે તમે તોડશો, ને જઈને બીજા દેવોની સેવા કરશો, ને તેઓને પગે લાગશો, ત્યારે યહોવાનો કોપ તમારા ઉપર સળગી ઊઠશે, ને સારો દેશ તેમણે તમને આપ્યો છે તેમાં તમારો નાશ વહેલો થઈ જશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India