યહોશુઆ 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)આશ્રયનગરો 1 અને યહોવાએ યહોશુઆને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને કહે કે તેઓ પોતાને માટે આશ્રયનગરો ઠરાવે કે, જે વિષે મેં મૂસાની મારફતે તમને કહ્યું હતું: 3 એ માટે કે જો કોઈ માણસ ભૂલથી તથા અજાણતાં મનુષ્યઘાત કરે, તો તે મનુષ્યઘાતક તેમાં નાસી જાય; અને તે [નગરો] ખૂનનું વેર લેનારથી તમારા રક્ષણને અર્થે થશે. 4 અને તે તેમાંના કોઈએક નગરમાં નાસી જાય, ને તે નગરના દરવાજાના નાકા આગળ ઊભો રહીને તે પોતાની હકીકત નગરના વડીલોને કહી સંભળાવે; અને તેઓ તેને નગરમાં પોતાની પાસે રાખીને પોતા મધ્યે રહેવાની જગા આપે. 5 અને જો ખૂનનું વેર લેનાર તેની પાછળ પડેલો હોય, તો તેઓ તે મનુષ્યઘાતકને તેના હાથમાં સ્વાધીન ન કરે. કેમ કે તેણે પોતાના પડોશીને અજાણતાં મારી નાખ્યો, પણ નહિ કે અગાઉથી તેના પર તેને વેર હતું. 6 અને તે ઇનસાફ માગવા માટે ન્યાયાધીશો પાસે આવે ત્યાં સુધી, અથવા જે મુખ્ય યાજક તે વખતે હોય તેના મરણ સુધી, તે નગરમાં તે રહે; ત્યાર પછી મનુષ્યઘાતક પોતાના નગરમાં, એટલે જે નગરમાંથી તે નાસી આવ્યો હોય ત્યાં, પોતાને ઘેર પાછો જાય.” 7 અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં. 8 અને પૂર્વમાં યરીખો પાસે યર્દનને પેલે પાર તેઓએ રુબેનના કુળમાંથી સપાટ પ્રદેશમાંના અરણ્યમાંનું બેશેર, ને ગાદ કુળમાંથી ગિલ્યાદમાંનું રામોથ, ને મનાશ્શાના કુળમાંથી બાશનમાંનું ગોલાન ઠરાવ્યાં. 9 એ નગરો સર્વ ઇઝરાયલી લોકોને માટે, ને તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓને માટે ઠરાવેલાં હતાં કે, જો કોઈ જન ભૂલથી કોઈ મનુષ્યનો ઘાત કરે તેઓ તે ત્યાં નાસી જઈને ન્યાયાધીશોની આગળ ખડો થાય ત્યાં સુધી ખૂનનું વેર લેનારના હાથથી તે માર્યો ન જાય. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India