યહોશુઆ 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રદેશની વહેંચણી ચાલુ: 1 અને કનાન દેશમાં ઇઝરાયલીઓએ જે વારસા લીધા તે આ છે, અને તે એલાઝાર યાજકે તથા નૂનના દીકરા યહોશુઆએ તથા ઇઝરાયલ પ્રજાનાં કુળના પિતૃઓનાં [ઘરના] વડીલોએ તેઓને વહેંચી આપ્યા. 2 યહોવાએ મૂસાની હસ્તક નવ કુળો વિષે ને અડધા કુળ વિષે જેમ આજ્ઞાઆપી હતી, તેમ તેઓના વારસાના હિસ્સા પ્રમાણે [તેઓએ તેઓને વહેંચી આપ્યા]. 3 કેમ કે મૂસાએ બે કુળને તથા અડધા કુળને યર્દન પાર વતન આપ્યું હતું; પણ તેઓમાં તેણે લેવીઓને કંઈ વતન આપ્યું હતું; પણ તેઓમાં તેણે લેવીઓને કંઈ વતન આપ્યું નહોતું. 4 કેમ કે યૂસફપુત્રોનાં બે કુળ હતાં, એટલે મનાશ્શા તથા એફ્રાઈમ; અને વસવાને માટે નગરો, તથા તેઓનાં ઢોરઢાંક તથા તેઓની માલમિલકતને માટે પરાં, તે સિવાય તેઓએ તે દેશમાં લેવીઓને કંઈ ભાગ આપ્યો નહિ. 5 જેમ યહોવાએ મૂસાને આજ્ઞાઆપી હતી તેમ ઇઝરાયલીઓએ કર્યું, ને તેઓએ દેશ વહેંચી લીધો. કાલેબ અને એના વંશજોને હેબ્રોન મળ્યું 6 અને યહૂદાપુત્રો યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યા; અને કનિઝી યફૂન્નેના દીકરા કાલેબે તેને કહ્યું, “કાદેશ-બાર્નેઆમાં યહોવાએ ઈશ્વરભક્ત મૂસાને તારા વિષે ને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે. 7 યહોવાના સેવક મૂસાએ દેશની બાતમી કાઢવા માટે કાદેશ-બાર્નેઆથી મને મોકલ્યો, ત્યારે હું ચાળીસ વર્ષનો હતો; અને મારા મનમાં જે [વાતની ખાતરી] થઈ તે પ્રમાણે હું તેની પાસે ખબર લઈને પાછો આવ્યો. 8 પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા, તેઓએ લોકોનાં મન શિથિલ કરી નાખ્યાં, પણ હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આ નુસાર વર્ત્યો. 9 અને મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે ‘જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે ખચીત તારું ને તારા વંશજોનું વતન સદાકાળ સુધી થશે. કેમ કે તું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આ નુસાર વર્ત્યો છે.’ 10 અને હવે જો, યહોવાએ પોતાના કહેવા પ્રમાણે મને આ પિસ્તાળીસ વર્ષ જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા તે વખતે યહોવાએ એ વચન મૂસાને આપ્યું હતું ત્યારથી; અને હવે જો, આજે હું પંચાસી વર્ષનો થયો છું. 11 મૂસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું, મજબૂત હતો તેવો જ હજી આજે પણ હું છું:યુદ્ધ કરવા માટે તથા બહાર જવા આવવા માટે ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ હાલ પણ મારામાં છે. 12 તો હવે આ પર્વત કે જે વિષે યહોવાએ તે દિવસે કહ્યું હતું, તે મને આપ; કેમ કે તે દિવસે તેં પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી, ને તેમનાં મોટાં તથા કોટવાળાં નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે, ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ.” 13 અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો; અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું. 14 એ માટે કનિઝી યફૂન્નેના દીકરા કાલેબનું વતન આજ સુધી હેબ્રોન છે. કેમ કે તે ઇઝરાયલના ઈશ્વર યહોવાની આ નુસાર સંપૂર્ણ રીતે વર્ત્યો. 15 હવે પહેલાં હેબ્રોનનું નામ કિર્યાથ-આર્બા હતું. તે [આર્બા તો] અનાકીઓમાં સૌથી મોટો પુરુષ હતો. અને દેશ યુદ્ધથી પરવાર્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India