યહોશુઆ 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહોશુઆ યાબીન અને એના સહાયક રાજાઓને હરાવે છે 1 અને હાસોરના રાજા યાબીને એ વિષે સાંભળ્યું, ત્યારે એમ થયું કે તેણે માદોનના રાજા યોબાબને, તથા શિમ્રોનના રાજાને, તથા આખ્શાફના રાજાને, 2 અને ઉત્તરે પહાડી પ્રદેશમાં, તથા કિન્નેરોથની દક્ષિણે અરાબામાં, તથા નીચાણના પ્રદેશમાં અને પશ્ચિમે દોરના પર્વતોમાં જે રાજા હતા તેઓને, 3 અને પૂર્વ તથા પશ્ચિમના કનાનીઓને, તથા અમોરીઓને, તથા હિત્તીઓને, તથા પરિઝીઓને, તથા પહાડી પ્રદેશમાંના યબૂસીઓને, તથા મિસ્પાના પ્રાંતમાં હેર્મોનની તળેટીના હિવ્વીઓને કહેણ મોકલ્યું. 4 અને તેઓ તથા તેઓનાં સર્વ સૈન્ય, એટલે સમુદ્રના કાંઠા પરની રેતીની માફક અસંખ્ય લોક, બહુ ઘોડાને રથો સહિત નીકળી આવ્યા. 5 અને એ સર્વ રાજાઓ એકઠા થયા. અને તેઓએ આવીને ઇઝરાયલની સાથે લડવાને મેરોમ સરોવર પાસે એકત્ર છાવણી કરી. 6 અને યહોવાએ યહોશુઆને કહ્યું, તેઓથી બીશ નહિ; કેમ કે કાલે આ વખતે હું ઇઝરાયલને તેઓ સર્વને મરી ગયેલાં સોંપીશ. તારે તેઓના ઘોડાઓની જાંઘની નસો કાપી નાખવી, ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખવા. 7 તેથી યહોશુઆ ને તેની સાથે સર્વ લડવૈયા મેરોમ સરોવર પાસે તેઓ પર ઓચિંત આવીને તૂટી પડ્યા. પાસે તેઓ પર ઓચિંતા આવીને તૂટી પડ્યા. 8 અને યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપ્યા ને તેઓએ તેઓને માર્યા. ને મોટા સિદોન સુધી ને મિસ્રેફોથ-માઈમ સુધી, ને પૂર્વગમ મિસ્પાની ખીણ સુધી તેઓને નસાડ્યા; અને તેઓએ તેઓને એટલે સુધી માર્યા કે તેઓમાંના એકેને તેઓએ જીવતો રહેવા દીધો નહિ. 9 અને યહોવાએ યહોશુઆને કહ્યું હતું તેમ તેણે તેઓને કર્યું:તેણે તેઓના ઘોડાઓની જાંઘની નસો કાપી નાખી, ને તેઓના રથોને અગ્નિમાં બાળી નાખ્યા. 10 અને તે સમયે યહોશુઆએ પાછા વળીને હાસોર કબજે કર્યું, ને તેના રાજાને તરવારથી માર્યો. કેમ કે અગાઉ હાસોર તે સર્વ રાજ્યોમાં મુખ્ય હતું. 11 અને તેઓએ તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા, ને તેઓનો સંપૂર્ણ નાશ કર્યો. શ્વાસોચ્છવાસ કરનાર કોઈ પણ જીવતું રહેવા પામ્યું નહિ; અને તેણે હાસોરને અગ્નિમાં બાળી નાખ્યું. 12 અને યહોશુઆએ તે રાજાઓને સર્વ નગરો તથા તેઓનઅ સર્વ રાજાઓને કબજે કર્યા, ને જેમ યહોવાના સેવક મૂસાએ આજ્ઞા આપી હતી તેમ તેણે તેઓને તરવારથી મારીને તેઓનો વિનાશ કર્યો. 13 પણ જે નગરો તેઓની ટેકરી ઉપર હતાં. તેઓમાંથી હાસોર સિવાય એકેને ઇઝરાયલે બાળ્યું નહિ; પણ હાસોરને યહોશુઆએ બાળી નાખ્યું. 14 અને તે નગરોમાંની સર્વ માલમિલકત ને ઢોરઢાંક ઇઝરાયલીઓએ પોતાને માટે લૂટી લીધાં; પણ તેઓએ સર્વ માણસોનો નાશ થતાં સુધી તેઓએ સર્વ માણસોનો નાશ થતાં સુધી તેઓને તરવારથી માર્યા, અને તેઓએ કોઈ શ્વાસોચ્છશ્વાસ કરનારને જીવતું રહેવા દીધું નહિ. 15 જેમ યહોવાએ પોતાના સેવક મૂસાને આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ યહોશુઆને આજ્ઞા આપી, અને તે પ્રમાણે યહોશુઆએ કર્યું. યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, તેમાંની એક પણ તેણે અમલમાં લાવ્યા વગર રહેવા દીધી નહિ. યહોશુઆએ કબજે લીધેલો પ્રદેશ 16 એ પ્રમાણે યહોશુઆએ તે આખો દેશ કબજે કર્યો, એટલે પહાડી પ્રદેશ, ને આખો નેગેબ, ને આખો ગોશેન દેશ, ને નીચાણનો પ્રદેશ, ને અરાબા, ને ઇઝરાયલનો પહાડી પ્રદેશ, ને તેના જ તાબાનો નીચાણનો પ્રદેશ. 17 એટલે સેઈર પાસેના હાલાક પર્વતથી તે હેર્મોન પર્વતની તળેટીમાંના લબાનોનની ખીણમાં આવેલા બાલ-ગાદ સુધીનો [દેશ કબજે કર્યો] ; અને તેઓના સર્વ રાજાઓને પકડીને તેઓને મારી નાખ્યા. 18 તે સર્વ રાજાઓ સાથે યહોશુઆએ ઘણા વખત સુધી લડાઈ કરી. 19 ગિબ્યોનમાં રહેનારા હિવ્વીઓ સિવાય જેણે ઇઝરાયલ પ્રજાની સાથે સંધિ કરી ને હોય તેવું એક પણ નગર ન હતું. બીજાં બધાં તેઓએ લડાઈ કરીને કબજે કર્યા. 20 કેમ કે યહોવાએ તેઓનાં મન જડ કર્યાં હતાં, એ માટે કે તેઓ ઇઝરાયલની સાથે લડવા આવે કે, તે તેઓનો પૂરો નાશ કરાવે, ને તેઓ કંઈ કૃપા ન પામે, પણ યહોવાએ જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તે તેઓનો વિનાશ કરે. 21 અને તે વખતે યહોશુઆએ જઈને પહાડી પ્રદેશમાંના, હેબ્રોનમાંના, દબીરમાંના, અનાબમાંના, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાંના, ને ઇઝરાયલના આખા પહાડી પ્રદેશમાંના અનાકીઓનો સંહાર કર્યો. યહોશુઆએ તેઓનો તથા તેઓનાં નગરોનો પૂરો નાશ કર્યો. 22 ઇઝરાયલી લોકોના દેશમાં એકે અનાકીને તેઓએ રહેવા દીધો નહિ. માત્ર ગાઝામાં, ગાથમાં ને આશ્દોદમાં કેટલાક રહ્યા. 23 એમ યહોવાએ મૂસાને જે કંઈ કહ્યું હતું તે પ્રમાણે યહોશુઆએ તે દેશ કબજે કર્યો; અને યહોશુઆએ તે દેશ ઇઝરાયલને તેઓનાં કુળો પ્રમાણે હિસ્સો પાડીને વતન તરીકે વહેંચી આપ્યો. અને દેશ યુદ્ધથી પરવાર્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India