યહોશુઆ 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અમોરીઓની હાર 1 હવે એમ થયું કે, યરુશાલેમના રાજા અદોની-સેદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આય કબજે કરીને તેનો નાશ કર્યો છે; અને જેમ તેણે યરીખોને ને તેના રાજાને કર્યું હતું, તેમ આયને ને તેના રાજાને પણ કર્યું છે; અને ગિબ્યોનના રહેવાસીઓ ઇઝરાયલની સાથે સલાહ કરીને તેઓની ભેગા રહે છે; 2 ત્યારે તેઓ બહુ બીધા, કેમ કે ગિબ્યોન તો પાટનગર જેવું મોટું નગર હતું, વળી આય કરતાં પણ મોટું હતું, ને તેના સર્વ માણસો બળવાન હતા. 3 માટે યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, તથા યાર્મૂથના રાજા પિરામને, તથા લાખીશના રાજા યાફીઆને, તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો: 4 “અહીં આવીને મને સહાય કરો. અને આપણે ગિબ્યોનને મારીએ, કેમ કે તેણે યહોશુઆની સાથે ને ઇઝરાયલીઓની સાથે સંઘી કરી છે.” 5 માટે યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા, યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા ને એગ્લોનનો રાજા એ અમોરીઓના પાંચ રાજાએ સંપ કર્યો, ને પોતાનાં સર્વ સૈન્ય લઈને તેઓએ ચઢાઈ કરી, ને ગિબ્યોનની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી. 6 અને ગિબ્યોનના માણસોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆએ એવો સંદેશો મોકલ્યો, “તું તારા દાસોને મદદ કરવામાં તારો હાથ ઢીલો કરીશ નહિ. અમારી પાસે વહેલો આવીને અમને બચાવ, ને અમને સહાય કર; કેમ કે પહાડી પ્રદેશમાં રહેનારા અમોરીઓના સર્વ રાજાઓ સંપ કરીને અમારા પર ચઢી આવ્યા છે.” 7 તેથી યહોશુઆ પોતાની સાથે સર્વ લડવૈયાઓ તથા સર્વ શૂરવીર પુરુષોને લઈને ગિલ્ગાલથી ચઢી આવ્યો. 8 અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ; કેમ કે મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે. તેઓમાંનો એકે તારી સામે ટકી શકનાર નથી.” 9 માટે યહોશુઆએ ગિલ્ગાલથી આખી રાત ચાલીને તેઓ પર ઓચિંતો હલ્લો કર્યો. 10 અને ઇઝરાયલની આગળ યહોવાએ તેઓને હરાવ્યા, ને ગિબ્યોન આગળ તેઓને મારીને તેણે તેઓનો મોટો સંહાર કર્યો, ને બેથ-હોરોન ઘાટને માર્ગે તેઓની પાછળ પડીને અઝેકા સુધી ને માક્કેદા સુધી તે તેઓને મારતો ગયો. 11 અને તેઓ ઇઝરાયલની આગળથી નાસતાં નાસતાં બેથ-હોરોનના ઢોળાવ આગળ આવ્યા, ત્યારે એમ થયું કે, અઝેકા સુધી યહોવાએ તેઓ ઉપર આકાશમાંથી મોટા મોટા કરા વરસાવ્યા, ને તેઓ મરણ પામ્યા. જેઓને ઇઝરાયલી લોકોએ તરવારથી માર્યા હતા, તેમના કરતાં જેઓ કરાથી માર્યા ગયા તેઓ વધારે હતા. 12 તે સમયે, એટલે યહોવાએ અમોરીઓને ઇઝરાયલીઓને સ્વાધીન કર્યા તે દિવસે, યહોશુઆ યહોવાની આગળ બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ખીણ ઉપર [સ્થિર રહે].” 13 અને લોકોએ તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ને ચંદ્ર થંભી રહ્યો. એ યાશારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો, અને આશરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળ ન કરી. 14 તે દિવસેના જેવો એક પણ દિવસ તેની આગળ કે તેની પાછળ થયો નથી, કે [જ્યારે] યહોવાએ માણસની વાણી સાંભળી હોય; કેમકે ઇઝરાયલને માટે યહોવા લડ્યા. 15 અને યહોશુઆ અને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા. અમોરીઓના પાંચ રાજાઓને કેદ પકડ્યા 16 અને તે પાંચ રાજાઓ નાસીને માક્કેદાની ગુફામાં સંતાઈ ગયા. 17 અને યહોશુઆને કોઈએ કહ્યું કે, “તે પાંચ રાજાઓ માક્કેદાની ગુફામાં સંતાયેલા છે.” 18 અને યહોશુઆએ કહ્યું, “ગુફાના મોં પર મોટા પથ્થરો ગબડાવી નાખો, ને તેઓની ચોકી કરવા એની આગળ માણસોને બેસાડો; 19 પણ તમે થોભશો નહિ; તમારા શત્રુઓની પાછળ પડીને તેઓમાંના સૌથી પાછળનાઓને મારો. તેઓનાં નગરોમાં તેઓને પસેવા દેશો નહિ; કેમ કે તમારા ઈશ્વર યહોવાએ તેઓને તમારા હાથમાં સોંપ્યા છે.” 20 અને તેઓનો વિનાશ થયો ત્યાં સુધી યહોશુઆ તથા ઇઝરાયલી લોકોએ ભારે કતલ કરીને તેઓનો સંહાર કર્યો, અને તેઓમાંના જેઓ બચ્યા તેઓ કોટવાળાં નગરોમાં ભરાઈ ગયા, ત્યારે એમ થયું કે, 21 સર્વ લોક માક્કેદાની છાવણીમાં યહોશુઆ પાસે સહીસલામત પાછા આવ્યા. ઇઝરાયલ પ્રજામાંના કોઈની વિરુદ્ધ કોઈ પણ એકે શબ્દ બોલી શક્યો નહિ. 22 ત્યારે યહોશુઆએ કહ્યું, “ગુફાનું મોં ઉઘાડીને તે પાંચ રાજાઓને ગુફામાંથી કાઢી મારી પાસે લાવો.” 23 અને તેઓએ તેમ કર્યું. અને યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, એગ્લોનના રાજાને, એ પાંચ રાજાઓને તેઓ ગુફામાંથી કાઢીને તેની પાસે લાવ્યા. 24 અને તે રાજાઓને યહોશુઆ પાસે તેઓ લાવ્યા, ત્યારે એમ થયું કે, યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને બોલાવ્યા, અને સૈનિકોના જે સરદારો તેની સાથે ગયા હતા તેઓને તેણે કહ્યું, “પાસે આવીને તમારા પગ આ રાજાઓની ગરદનો પર મૂકો.” અને તેઓએ પાસે આવીને પોતાના પગ તેઓની ગરદનો પર મૂકયા. 25 અને યહોશુઆએ તેઓને કહ્યું, “બીહો નહિ, તથા ગભરાઓ નહિ; બળવાન થાઓ ને હિમ્મત રાખો; કેમે કે જે જે શત્રુઓ સાથે તમે લડશો તે સર્વને યહોવા એમ જ કરશે.” 26 અને ત્યાર પછી યહોશુઆએ તેઓને ઠાર મારી નાખ્યા, ને તેઓને પાંચ ઝાડ પર લટકાયેલા રહ્યા. 27 અને સૂર્યાસ્ત થવાને સમયે એમ થયું કે, યહોશુઆએ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ તેઓને ઝાડ ઉપરથી ઉતારીને જે ગુફામાં તેઓ સંતાયા હતા તેમાં તેઓએ તેઓને નાખ્યા, ને ગુફાના મોં પર મોટા પથ્થરો મૂક્યા, જે આજ સુધી છે. યહોશુઆ અમોરીઓનો વધુ પ્રદેશ જીતી લે છે 28 અને તે દિવસે યહોશુઆએ માક્કેદા કબજે કર્યું, ને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે તેઓનો તથા તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો, તેણે એકેને જીવતું રહેવા દીધું નહિ. અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું, તેમ તેણે માક્કેદાના રાજાને કર્યું. 29 અને યહોશુઆ તથા તેની સાથે સર્વ ઇઝરાયલે માક્કેદાથી લિબ્નામાં જઈને લિબ્નાની સાથે લડાઈ કરી. 30 અને યહોવાએ તેને ને તેના રાજાને પણ ઇઝરાયલના હાથમાં સોંપ્યા; અને તેણે પણ ઇઝરાયલના હાથમાં સોંપ્યાં; અને તેણે તેને ને તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. તેમાંના એકેને તેણે જીવતું રહેવા દીધું નહિ; અને જેમ તેણે યરીખોના રાજાને કર્યું હતું, તેમ તેણે તેના રાજાને કર્યું. 31 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ લિબ્નાથી લાખીશમાં ગયા, ને તેની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી. 32 અને યહોવાએ લાખીશ ઇઝરાયલના હાથમાં સોંપ્યું, ને બીજે દિવસે તેણે તે કબજે કર્યું, ને જેમ તેણે લિબ્નાને કર્યું હતું તે પ્રમાણે તેણે તેને તથા તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. 33 ત્યારે ગેઝેરનો રાજા હોરામ લાખીશને સહાય કરવાને ચઢી આવ્યો; અને યહોશુઆએ તેને તેના લોકોને એટલે સુધી માર્યા કે તેમાંના કોઈને તેણે જીવતું રહેવા દીધું નહિ. 34 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલીઓ લાખીશથી એગ્લોન ગયા; અને તેઓએ તેની સામે છાવણી કરીને તેની સાથે લડાઈ કરી. 35 અને તે જ દિવસે તેઓએ તે કબજે કર્યું, ને તેને તરવારથી માર્યું, ને તેણે લાખીશને કર્યું હતું તે પ્રમાણે તેમાંનાં સર્વ પ્રાણીઓનો તે જ દિવસે તેણે નાશ કર્યો. 36 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ એગ્લોન છોડીને હેબ્રોનમાં આવ્યા; અને તેઓએ તેની સાથે લડાઈ કરી. 37 અને તેઓએ તે કબજે કર્યું, ને તેને તથા તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. જેમ તેણે એગ્લોનને કર્યું હતું તે પ્રમાણે તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; પણ તેણે તેનો તથા તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો. 38 અને યહોશુઆ તથા તેની સાથે સર્વ ઇઝરાયલ પાછા વળીને દબીરમાં આવ્યા; અને તેની સાથે તેઓએ લડાઈ કરી. 39 અને તેણે તેને ને તેના રાજાને ને તેનાં સર્વ નગરોને કબજે કર્યા. અને તેઓએ તેઓને તરવારથી માર્યા, ને તેમાંનાં સર્વ પ્રાણીઓનો પૂરો નાશ કર્યો. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ, જેમ હેબ્રોનને તેણે કર્યું હતું, વળી જેમ તેણે લિબ્નાને ને તેના રાજાને કર્યું હતું, તેમ તેણે દબીરને ને તેના રાજાને કર્યું. 40 એમ યહોશુઆએ આખા દેશને, એટલે પહાડી પ્રદેશને, તથા નેગેબને, તથા નીચાણના પ્રદેશને, તથા ઢોળાવને, તથા તેઓના સર્વ રાજાઓને માર્યા. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ. પણ જેમ ઇઝરાયલના ઇશ્વર યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ તેણે સર્વ શ્વાસોચ્છવાસ કરનારનો પૂરો નાશ કર્યો. 41 અને કાદેશ-બાર્નેઆથી ગાઝા સુધી તેઓને, તથા ગિબ્યોન સુધી ગોશેનના આખા પ્રદેશને, યહોશુઆએ માર્યા. 42 અને એ સર્વ રાજાઓને ને તેઓના દેશને યહોશુઆએ એક જ વખતે કબજે કર્યા, કેમ કે ઇઝરાયલનાં ઈશ્વરનાં યહોવા ઇઝરાયલ માટે લડતાં હતાં. 43 અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ ગિલ્ગાલની છાવણીમાં પાછા આવ્યા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India