યૂના 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યૂના પ્રભુના ફરમાન પ્રમાણે કરે છે 1 પછી યહોવાનું વચન બીજી વાર યૂનાની પાસે આવ્યું, 2 “ઊઠ, મોટા નગર નિનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધ તેને કર.” 3 આથી યૂના ઊઠીને યહોવાના વચન પ્રમાણે નિનવે ગયો. નિનવે તો બહું મોટું [શહેર] હતું. ત્રણ દિવસની મુસાફરી જેટલો [તેનો ઘેરાવો હતો]. 4 યૂનાએ નગરમાં દાખલ થઈને એક દિવસની મુસાફરી કરી, અને પોકારીને કહ્યું, “ચાળીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.” 5 નિનવેના લોકોએ ઈશ્વર [ના વચન] પર વિશ્વાસ કર્યો. અને તેઓએ ઉપવાસનો ઢંઢેરો પિટાવીને મોટાથી તે નાના સુધી સર્વએ ટાટ પહેર્યું. 6 નિનવેના રાજાને એ વાતની ખબર થઈ, એટલે તે પોતાની ગાદી પરથી ઊઠ્યો, ને પોતાનો ઝબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને ને પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં રાખમાં બેઠો. 7 અને તેણે તથા તેના અમીરોએ [કરેલા] ઠરાવ પ્રમાણે નિનવેમાં સર્વત્ર ઢંઢેરો પિટાવ્યો, “માણસ તેમ જ ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પણ કંઈ પણ ચાખે નહિ. તેઓ ખાય નહિ, તેમ પાણી પણ પીએ નહિ. 8 પણ માણસ તથા પશું બંને ટાટ ઓઢે, ને તેઓ ઈશ્વરની આગળ મોટેથી પોકાર કરે. હા, તેઓ સર્વ પોતપોતાના દુષ્ટ આચરણો તજે તથા પોતપોતાને હાથે થતો જોરજુલમ બંધ કરે. 9 આથી કદાચ ઈશ્વર [પોતાનો વિચાર] બદલીને પશ્ચાતાપ કરે, ને પોતાનો ઉગ્ર કોપ તજી દે, જેથી આપણો નાશ ન થાય.” 10 તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે [આપત્તિનો] અમલ કર્યો નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India