યોએલ 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુના દિવસની ચેતવણી માટે તીડો 1 સિયોનમાં રણશિંગડું વગાડો, ને મારા પવિત્ર પર્વતમાં ભયસૂચક [નગારું] વગાડો. દેશના સર્વ રહેવાસીઓ, તમે કાંપો; કેમ કે યહોવાનો દિવસ આવે છે, ને તે છેક નજીક [આવી પહોંચ્યો] છે. 2 અંધકાર તથા ગમગીનીનો દિવસ, વાદળ તથા ઘાડા અંધકારનો દિવસ, પર્વતો પર દેખાતા ઝળઝળા જેવો [દિવસ તે થશે]. આગળ કદી થઈ નથી, ને હવે પછી ઘણી પેઢીઓ સુધી બીજી કોઈ થશે નહિ, એવી મોટી તથા બળવાન પ્રજા [આવશે]. 3 તેમની આગળ અગ્નિ ભસ્મ કરે છે; અને તેમની પાછળ ભડકા બળે છે. તેમની આગળ ભૂમિ એદન બાગ જેવી હોય છે, ને તેમની પાછળ તે ઉજ્જડ રણ જેવી થાય છે. હા, તેમના હાથમાંથી કોઈ પણ બચી જતું નથી. 4 તેમનો દેખાવ ઘોડાઓના દેખાવ જેવો છે; અને જાણે ઘોડેસવાર હોય તેમ તેઓ દોડે છે. 5 પર્વતોનાં શિખરો પર ગગડતા રથોની જેમ, ખૂંપરા ભસ્મ કરતા અગ્નિના ભડકાની જેમ, તથા યુદ્ધવ્યૂહમાં ગોઠવાયેલા બળવાન લોકોની જેમ તેઓ કૂદકા મારે છે. 6 તેમને જોઈને લોકો ત્રાસ પામ્યા છે. સર્વ ચહેરા ફિક્કા પડી ગયા છે. 7 તેઓ યોદ્ધાઓની જેમ દોડે છે; લડવૈયાઓની જેમ તેઓ કોટ પર ચઢે છે. તેઓ સર્વ પોતપોતાને માર્ગે ચાલે છે, ને હાર તોડતા નથી. 8 વળી એકબીજાને તેઓ ઠેલમઠેલા કરતા નથી; તેઓ સીધે માર્ગે જાય છે; તેઓ શસ્ત્રોની મધ્યે થઈને પાર ઘસી જાય છે, તેઓ પોતાનો માર્ગ બદલતા નથી. 9 તેઓ નગર ઉપર તૂટી પડે છે; તેઓ કોટ પર દોડે છે; તેઓ ચઢીને ઘરોમાં પેસી જાય છે; તેઓ ચોરની જેમ બારીઓમાં થઈને અંદર પ્રવેશ કરે છે. 10 તેઓની આગળ ધરતી કાંપે છે, આકાશો થથરે છે, સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે, ને તારાઓ ઝાંખા થઈ જાય છે. 11 યહોવા પોતાના સૈન્યને મોખરે મોટે અવાજે પોકારે છે. તેમની છાવણી બહું મોટી છે. જે તેમનું વચન અમલમાં લાવે છે તે સમર્થ છે. યહોવાનો દિવસ મોટો તથા મહા ભયંકર છે; કોણ તેને સહન કરી શકે? પશ્ચાતાપને માટે હાકલ 12 તોપણ, યહોવા કહે છે, “અત્યારે તમે તમારા ખરા અંત:કરણથી, તથા ઉપવાસ, રુદન, અને વિલાપસહિત મારી પાસે પાછા આવો. 13 તમારાં વસ્ત્રો નહિ પણ તમારાં હ્રદયો ફાડો, ને તમારા ઈશ્વર યહોવા પાસે પાછા આવો; કેમ કે તે કૃપાળુ તથા પૂર્ણ કરુણાળુ, કોપ કરવામાં ધીમા તથા દયાના સાગર છે, ને વિપત્તિને માટે તેમને પશ્ચાતાપ થાય છે. 14 કોણ જાણે, કદાચ તે પશ્ચાતાપ કરીને પાછા આવે, ને તે પોતાની પાછળ આશીર્વાદ, એટલે તમારા ઈશ્વર યહોવાને માટે ખાદ્યાર્પણ તથા પેયાર્પણ, રહેવા દે. 15 સિયોનમાં રણશિંગડું વગાડો, પવિત્ર ઉપવાસનો દિવસ નક્કી કરો, ધાર્મિક સંમેલન ભરો. 16 લોકોને ભેગા કરો, પ્રજાને પાવન કરો, વડીલોને એકત્ર કરો, છોકરાંને તથા ધાવણાં બાળકોને ભેગાં કરો. વર પોતાના ઓરડામાંથી, ને કન્યા પોતાની ઓરડીમાંથી નીકળીને ત્યાં જાય. 17 યાજકો, એટલે યહોવાના સેવકો, પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે, ‘હે યહોવા, તમારા લોકોને દરગુજર કરો, અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તમારો વારસો નિંદાપાત્ર થાય, એવું થવા ન દો.’ લોકોમાં એવું શા માટે કહેવાય કે, ‘તેઓનો ઈશ્વર ક્યાં છે?’ પ્રભુ દેશની ફળદ્રુપતા પાછી લાવે છે 18 ત્યારે યહોવાને પોતાના દેશને માટે લાગણી થઈ, ને તેમને પોતાના લોકો પર દયા આવી. 19 યહોવાએ ઉત્તર આપ્યો, ને પોતાના લોકોને કહ્યું, ”જુઓ, હું તમને અનાજ, દ્રાક્ષારસ તથા તેલ મોકલી આપીશ. ને તમે તેઓથી તૃપ્ત થશો. હું હવે પછી કદી પણ તમને બીજી પ્રજાઓમાં નિંદાપાત્ર કરીશ નહિ; 20 પણ હું ઉત્તરના સૈન્ય ને તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ, ને હું તેને ઉજ્જડ તથા વેરાન દેશમાં હાંકી કાઢીશ, એટલે તેના આગલા ભાગને પૂર્વ સમુદ્ર તરફ, ને તેના પાછલા ભાગને પશ્ચિમ સમુદ્ર તરફ [કાઢી મૂકીશ] ; તેની દુર્ગધ ઊડશે, ને તેની બદબો ઊંચી ચઢશે, કેમ કે તેણે મોટા કાર્યો કર્યાં છે. 21 હે દેશ, બીશ નહિ, ખુશી થા ને આનંદ કર; કેમ કે યહોવાએ મહાન કાર્યો કર્યાં છે. 22 હે વનચર પશુઓ, તમે બીશો નહિ, કેમ કે વનમાંના ચારાઓ ફીટી નીકળે છે, વૃક્ષનોને ફળ આવ્યાં છે, અંજીરીઓને તથા દ્રાક્ષાવેલાઓને સારો ફાલ આવ્યો છે. 23 એ માટે, હે સિયોનના પુત્રો, આનંદ કરો, ને તમારા ઈશ્વર યહોવામાં હરખાઓ, કેમ કે તે તમને આગલો વરસાદ જોઈએ તેટલો આપે છે, ને તે તમારે માટે વરસાદ, એટલે આગલો તથા પાછલો વરસાદ, પહેલાંની [માફક] વરસાવે છે. 24 ખળીઓ ઘઉંથી ભરાઈ જશે, ને કુંડોમાંથી દ્રાક્ષારસ તથા તેલ ઊભરાઈ જશે. 25 તીડો, કાતરાઓ, ઇયળો તથા જીવડાંઓની મોટી ફોજ જે મેં મારા તરફથી તમારામાં મોકલી હતી, તે જે વરસો [નો પાક] ખાઈ ગયાં છે, તેનો બદલો હું તમને વાળી આપીશ. 26 તમે પુષ્કળ ખાઈને તૃપ્ત થશો, ને તમારા ઈશ્વર યહોવા, જે તમારી સાથે આશ્ચર્યકારક રીતે વર્ત્યા છે તેમના નામની તમે સ્તુતિ કરશો. અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ. 27 ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું, ને હું તમારો ઈશ્વર યહોવા છું, ને બીજો કોઈ નથી; અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ. પ્રભુનો દિવસ 28 ત્યાર પછી એવું થશે કે, હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે 29 વળી તે સમયે દાસો તથા દાસીઓ પર હું મારો આત્મા રેડી દઈશ. 30 વળી હું આકાશોમાં તથા પૃથ્વી પર અદ્ભુત કામો બતાવીશ, એટલે લોહી, અગ્નિ તથા ધુમાડામા સ્તંભો. 31 યહોવાનો મોટો તથા ભયંકર દિવસ આવે તે પહેલાં સૂર્ય અંધકારરૂપ તથા ચંદ્ર લોહીરૂપ થઈ જશે. 32 [તે સમયે] એમ થશે જે કોઈ યહોવાને નામે વિનંતી કરશે, તે તારણ પામશે, કેમ કે જેમ યહોવાએ કહ્યું છે તેમ સિયોન પર્વત પર તથા યરુશાલેમમાં કેટલાક બચી જશે, ને બાકી રહેલાઓમાંથી જેમને યહોવા બોલાવે છે તેઓ [બચશે]. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India