અયૂબ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)બિલ્દાદ 1 ત્યારે બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો, 2 “તું ક્યાં સુધી એવી વાતો કરશે, અને તારા મોઢામાંથી તોફાની શબ્દો પવન જેમ નીકળ્યા કરશે? 3 શું ઈશ્વર ન્યાય ઉલટાવી નાખે છે? કે, શું સર્વશક્તિમાન ઈનસાફ ઊંધો વાળે છે? 4 જો તારાં છોકરાંઓએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે, તો ઈશ્વર તેઓને તેઓના અપરાધોનું ફળ આપ્યું છે. 5 જો તું ખંતથી ઈશ્વરની શોધ કરત, અને સર્વશક્તિમાનની યાચના કરત; 6 જો તું પવિત્ર અને પ્રમાણિક હોત; તો નિશ્ચે તે હમણાં તારે માટે જગૃત થઈને તારા ધાર્મિક નિવાસને આબાદ કરત. 7 જો કે તારી શરૂઆત જૂજ જેવી હતી, તોપણ આખરે તે તને બહુ સફળ કરત. 8 કૃપા કરીને આગલા જમાના [ના લોક] ને પૂછ, અને આપણા પિતૃઓએ ખોળી કાઢયું છે, તે પર ધ્યાન આપ; 9 (કેમ કે આપણે તો આજકાલના છીએ, અને કંઈ જાણતા નથી, પૃથ્વી ઉપર આપણા દિવસો છાયારૂપ છે;) 10 શું તેઓ તને નહિ શીખવે, અને કંઈ નહિ કહે, અને તેઓ પોતાના [ડહાપણના] શબ્દો તને નહિ કહે? 11 શું કાદવ વિના સરકટ ઊગે? કે, પાણી વિના બરુ થઈ શકે? 12 હજી તો તે લીલાં હોય છે, ને કપાયેલાં હોતાં નથી, એટલામાં બીજી કોઈ પણ વનસ્પતિની અગાઉ તે સુકાઈ જાય છે. 13 ઈશ્વરને વીસરી જનાર સર્વના એ જ હાલ છે; અને અધર્મીની આશા એમ જ નાશ પામશે. 14 તેની આશા ભંગ થઈ જશે, અને તેનો ભરોસો કરોળિયાની જાળ જેવો [નાજુક] છે. 15 તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહિ રહેશે. તે તેને મજબૂતાઈથી પકડી રાખશે, પણ તે ટકશે નહિ. 16 સૂર્ય [ના તાપ] થી તે લીલો હોય છે, અને તેની ડાળીઓ ફૂટીને તે વાડીમાં પસરે છે. 17 તેનાં મૂળ ઝરાની પાસે પથ્થરોને વીંટળાયેલાં હોય છે. 18 જો તે નાશ પામે તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’ 19 આ તો તેના માર્ગની ખૂબી છે, અને જમીનમાંથી બીજાઓ ઊગી નીકળશે. 20 ઈશ્વર સંપૂર્ણ માણસનો ત્યાગ કરશે નહિ, અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ. 21 હજી પણ તે તારું મુખ હાસ્યથી ભરશે, અને તારા હોઠો હર્ષથી જયજયકાર કરશે. 22 તારા દુશ્મનો લજ્જાથી દબાઈ જશે; અને દુષ્ટોનો તંબુ નાશ પામશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India