Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


અયૂબ (ચાલુ)

1 શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી? અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી?

2 આતુરતાથી છાયો ઈચ્છનાર ચાકરની જેમ, અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ;

3 મને મહિનાના મહિના ફોકટ કાઢવા પડે છે, અને કંટાળાભરેલી રાતો મારે માટે ઠરેલી છે.

4 સૂતી વેળાએ હું વિચાર કરું છું કે, હું ક્યારે ઊઠીશ? પણ રાત લાંબી જાય છે; અને સૂર્યોદય થતાં સુધી હું આમતેમ તરફડિયાં મારું છું.

5 મારું શરીર કીડાઓથી તથા ધૂળનાં ઢેફાંથી ઢંકાયેલું છે; મારી ત્વચા કઠણ થઈને ફાટી જાય છે,

6 મારા દિવસ વણકરના કાંઠલા કરતાં વધારે વેગવાળા છે, અને આશા વિના વહી જાય છે.

7 અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે, મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.

8 જેઓ મને જુએ છે, તેઓ ફરી મને જોશે નહિ. તું મને દેખતો હશે, પણ એટલામાં હું લોપ થઈશ.

9 વાદળાં જેમ ઓગળી જાય છે ને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઉતરનાર ફરીથી ઉપર આવશે નહિ.

10 તે પોતાને ઘેર ફરી કદી આવશે નહિ, અને હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.

11 માટે હું મારું મુખ બંધ નહિ રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુ:ખ રડીશ.

12 શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે, તું મારા પર પહેરો મૂકે?

13 જ્યારે હું માનું છું કે, મારું બિછાનું મને શાંતિ આપશે, અને મારો પલંગ મારો સંતાપ હલકો કરશે;

14 ત્યારે સ્વપ્નોથી તું મને એવો ત્રાસ ઉપજાવે છે, અને સંદર્શનોથી મને એવો ગભરાવે છે;

15 કે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારા [આ] હાડપિંજર કરતાં મોત પસંદ કરે છે.

16 મને કંટાળો આવે છે; હું હમેશાં જીવવા ઈચ્છતો નથી; મને પડી રહેવા દો; કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.

17 માણસ કોણ માત્ર છે કે, તમે તેને મોટો કરો, અને તમે તેના પર મન લગાડો?

18 અને તમે દર સવારે એની ખબર લો, અને દર ક્ષણે એની પરીક્ષા કરો?

19 ક્યાં સુધી મારા ઉપરથી તમે તમારી નજર દૂર કરશો નહિ, અને હું મારું થૂંક ગળું એટલો અવકાશ પણ તમે મને નહિ આપો?

20 જો મેં પાપ કર્યું હોય તો, હે મનુષ્યપ્રતિપાળક, હું તમને શું નડું છું? તમારે મારવાના નિશાન તરીકે તમે મને શા માટે બેસાડી રાખ્યો છે? તેથી હું પોતાને ભારરૂપ થયો છું.

21 અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan