અયૂબ 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અલિફાઝ (ચાલુ) 1 હાંક માર; તને ઉત્તર આપનાર કોઈ છે વારુ? અને કયા ઇશ્ચરદૂતને શરણે તું જશે? 2 કેમ કે બળતરા મૂર્ખ માણસને મારી નાખે છે, અને ઈર્ષા મૂઢનો જીવ લે છે. 3 મેં મૂર્ખને જડ નાખતાં જોયો છે; પણ એકાએક મેં તેના મુકામને શાપ આપ્યો. 4 તેનાં ફરજંદો સહીસલામત નથી, તેઓ ભાગળમાં રગદોળાય છે, અને તેમને બચાવનાર કોઈ નથી. 5 તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે, અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે, તેઓનું દ્રવ્ય લોભીઓ ખાઈ જાય છે. 6 કેમ કે વિપત્તિ ધૂળમાંથી નીકળી આવતી નથી, અને સંકટ ભૂમિમાંથી ઊગતું નથી; 7 પણ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે, તેમ માણસ તો સંકટને માટે સૃજાયેલું છે. 8 તથાપિ હું તો ઈશ્વરની શોધ કરું, અને મારી બાબત ઈશ્વરને સોંપું; 9 તે મોટાં તથા અગમ્ય કૃત્યો, તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે. 10 તે ભૂમિ પર વરસાદ મોકલે છે, અને ખેતરોમાં પાણી પહોંચાડે છે. 11 એમ તે નીચને ઉચ્ચ બનાવે છે, અને શોકાતુરોને ઊંચે ચઢાવીને સલામત રાખે છે. 12 પ્રપંચીઓની યોજનાઓ તે એવી રદ કરે છે કે, તેઓના હાથતી તેમનાં [ધારેલાં] કાર્યો થઈ શકતાં નથી. 13 કપટીઓને તે તેમના પોતાના દાવપેચમાં જ ગૂંચવી નાખે છે; અને કુટિલ માણસોની યોજનાઓને ઉથલાવી પાડે છે. 14 ધોળે દિવસે તેઓને અંધકાર માલૂમ પડે છે, અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે. 15 પણ તે [લાચારોને] તેઓની તરવારથી, અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. 16 એવી રીતે ગરીબોમાં આશા ઉત્પન્ન થાય છે. અને અન્યાય પોતાનું મોઢું બંધ કરે છે. 17 જુઓ, જે માણસને ઈશ્વર શિક્ષા કરે છે તેને ધન્ય છે; મારે સર્વશક્તિમાનની શિક્ષાને તું તુચ્છ ન ગણ. 18 કેમ કે તે દુ:ખી કરે છે, અને તે જ પાટો બાંધે છે, તે ઘાયલ કરે છે, અને તેનો હાથ તેને સાજું કરે છે. 19 છ સંકટોમાંથી તે તને ઉગારશે; હા, સાતમાંથી તને કંઈ હાનિ થશે નહિ. 20 તે તને દુકાળમાં મોતથી, અને યુદ્ધમાં તરવારના ઝટકાથી છોડાવશે. 21 જીભના તીક્ષ્ણ મારથી તે તારું રક્ષણ કરશે, અને વિનાશ આવશે ત્યારે તું બીશે નહિ. 22 વિનાશ તથા દુકાળને તું હસી કાઢશે; અને પૃથ્વી પરનાં હિંસક પશુઓથી તું ડરશે નહિ. 23 ખેતરોના પથ્થરો તારા સંપીલા મિત્રો બનશે, અને જંગલી પશુઓ તારી સાથે માયાથી વર્તશે. 24 તને ખાતરી થશે કે, ‘મારો તંબુ સહીસલામત છે;’ અને તું પોતાના વાડાને તપાસી જોશે, તો તેમાંથી તને કશું ખોવાયેલું જણાશે નહિ. 25 વળી તને માલૂમ પડશે કે, ‘મારે પુષ્કળ સંતાન છે, અને મારો પરિવાર ભૂમિ પરના ઘાસ જેટલો થશે.’ 26 જેમ પાકેલા ધાન્યનો પૂળો તેની મોસમે ઘેર લવાય છે, તેમ તું પાકી ઉંમરે કબરમાં જશે. 27 અને એ વાતની ખાતરી કરી છે કે, તે તો એમ જ છે; તે તું સાંભળ, અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India