અયૂબ 42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)અયૂબ 1 ત્યારે અયૂબે યહોવાને ઉત્તર આપ્યો, 2 “હું જાણું છું કે તમે બધું કરી શકો છો, તને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહિ. 3 ‘અજ્ઞાનપણાથી [ઈશ્વરી] ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે?’ [તે તમે કહ્યું તે ખરું કહ્યું]. તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું, તે બાબતો એવી અદભુત છે કે, હું તે સમજી શક્યો નહિ. 4 કૃપા કરીને સાંભળો, એટલે હું બોલું; ‘હું તને પૂછું, અને તું મને ખુલાસો આપ’ [એવું તમે બોલ્યા હતા]. 5 મેં મારા કાનથી તમારા વિષે સાંભળ્યું હતું; પણ હવે હું તમને પ્રત્યક્ષ જોઉં છું, 6 તેથી હું [મારી જાતથી] કંટાળું છું, અને ધૂળ તથા રાખમાં [બેસીને] પશ્ચાત્તાપ કરું છું.” ઉપસંહાર 7 અયૂબ સાથે બોલી રહ્યા પછી યહોવાએ અલિફાઝ તેમાનીને કહ્યું “તારા પર તથા બે મિત્રો પર મારો કોપ સળગી ઊઠયો છે; કેમ કે જેમ મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ તમે મારા વિષે ખરું બોલ્યા નથી. 8 તેથી તમારે માટે સાત ગોધા અને સાત ઘેટા લો, અને મારા સેવક અયૂબ પાસે જઈને પોતાને માટે દહનીયાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે. તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહિ કરું. મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ મારે વિષે જે ખરું છે તે તમે બોલ્યા નથી. 9 ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથીએ યહોવાએ તેમને જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું. અને યહોવાએ અયૂબ [ની પ્રાર્થના] નો સ્વીકાર કર્યો. 10 જ્યારે અયૂબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયૂબને બમણુ આપ્યું. 11 તે વખતે તેના સર્વ ભાઈઓ, તેની સર્વ બહેનો, તથા આગળના તેના સર્વ ઓળખીતાઓએ આવીને તેને ઘેર તેની સાથે ભોજન કર્યું. અને જે બધી વિપત્તિ ઈશ્વર તેના ઉપર લાવ્યા હતા તેને લીધે તેઓએ તેને માટે શોક કરીને તેને દિલાસો આપ્યો. વળી દરેક માણસે તેને નાણાનો એકેક સિક્કો તથા દરેક જણે સોનાની એકેક વીંટી આપી. 12 એમ યહોવાએ અયૂબના આગલા સમય કરતાં પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, એક હજાર જોડ બળદ, અને એક હજાર ગધેડીઓ થયાં. 13 વળી તેને સાત પુત્ર તથા ત્રણ પુત્રીઓ થયાં. 14 તેણે પહેલીનું નામ યમીમા, બીજીનું નામ કસિયા અને ત્રીજીનું નામ કેરન-હાપ્પૂખ પાડયું. 15 આખા દેશમાં અયૂબની પુત્રીઓ જેવી કોઈ ખૂબસૂરત સ્ત્રીઓ નહોતી. તેમના પિતાએ તેઓને તેઓના ભાઈઓની સાથે હિસ્સા આપ્યા. 16 એ પછી અયૂબ એક સો ચાળીસ વર્ષ સુધી જીવ્યો, અને તેણે પોતાના પુત્રો તથા પુત્રોના પુત્રો, હા, ચાર પેઢીઓ જોઈ. 17 આ પ્રમાણે અયૂબ સંપૂર્ણ વૃદ્ધ વયે મરણ પામ્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India