અયૂબ 40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુ (ચાલુ) 1 વળી યહોવાએ અયૂબને ઉત્તર આપતાં કહ્યું, 2 “શું નિંદાખોરથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદવિવાદ કરે છે, તે તેનો ઉત્તર આપે.” અયૂબ 3 ત્યારે અયૂબે યહોવાને ઉત્તર આપ્યો, 4 “હું કંઈ વિસાતમાં નથી; તો હું તમને શો ઉત્તર આપી શકું? હું મારો હાથ મારા મોં ઉપર મૂકું છું. 5 એક વાર હું બોલ્યો છું, પણ હવે ફરી નહિ બોલું. હા, બે વાર [બોલ્યો છું] , પણ હવે હું આગળ વધીશ નહિ.’’ પ્રભુ 6 ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અયૂબને ઉત્તર આપ્યો, 7 “હવે મરપની જેમ તારી કમર બાંધ; હું તને પૂછીશ, અને તું મને ખુલાસો આપ. 8 શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે? 9 તને ઈશ્વરના જેવા હાથ છે? તેના જેવા અવાજથી શું તું ગર્જી શકે છે? 10 તું શ્રેષ્ઠતા તથા મહત્વથી પોતાને શણગાર, અને માન તથા પ્રતાપને ધારણ કર. 11 તારા કોપનો ઊભરો [ગર્વિષ્ઠો પર] ઢોળી દે, અને તેના પર દષ્ટિ કરીને તેને નમાવી દે. 12 દરેક અહંકારીને નીચો પાડ; અને દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં તેમને પગથી ખૂંદી નાખ. 13 તેઓ બધાને ધૂળમાં દાટી દે; અને શેઓલમાં તેઓનાં મુખ ઢાંકી દે. 14 ત્યારે તો હું પણ તારા વિષે કબૂલ કરીશ કે, તારો પોતાનો જમણિ હાથ તને બચાવી શકે. 15 મેં તારી સાથે ગેંડાને ઉત્પન્ન કર્યો છે તેને જો; તે બળદની જેમ ઘાસ ખાય છે. 16 તેનું બળ તેની કમરમાં છે, તેની શક્તિ તેના પેટની રજ્જુઓમાં છે. 17 તે પોતાની પૂંછડી દેવદારની જેમ હલાવે છે; તેના સ્નાયુઓ એકબીજા સાથે સજડ જોડાયેલા છે. 18 તેનાં હાડકાં પિત્તળની નળીઓ [સરખાં] છે; તેની પાંસળીઓ લોઢાના સળિયા જેવી છે. 19 તે ઈશ્વરની કૃતિઓમાં શ્રેષ્ઠ છે. તેના સરજનહારે તેને તેની તરવાર આપી. 20 જ્યાં સર્વ રાની પશુઓ રમે છે તેવા પર્વતોમાં તેને માટે તે ચારો ચોકકસ ઉગાવે છે. 21 કમળવૃક્ષો નીચે, અને બરુઓને ઓથે તથા ભીનાશવાળી જગાએ તે પડી રહે છે. 22 કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; નાળાંઓના વેલા તેની આસપાસ વીંટળાઈ વળે છે. 23 નદી ઊભરાય, તોપણ તે ધ્રૂજતો નથી; જો યર્દનમાં પૂર ચઢીને તેના મોં સુધી પાણી આવે તોપણ તે નિર્ભય રહે છે. 24 તે સાવધ હોય ત્યારે શું કોઈ તેને પકડી શકે, અથવા ફાંદા વડે કોઈ તેનું નાક વીંધી શકે? |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India