અયૂબ 39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુ (ચાલુ) 1 શું જંગલી પહાડી બકરીઓનો વિયાવાનો વખત તું જાણે છે? કે હરણીઓનો ફળવાનો વખત તું ઠરાવી શકે છે શું? 2 તેમના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણી શકે છે? અથવા તેઓ ક્યારે વિયાય તે સમય તું જાણે છે શું? 3 તેઓ નમીને તેમનાં બચ્ચાંને જણે છે, તેઓ પોતાનું દરદ નિવારે છે. 4 તેમનાં બચ્ચાં ખાસાં મઝેનાં હોય છે, તેઓ ખુલ્લા મેદાનમાં ઊછરે છે; તેઓ બહાર [ફરવા] નીકળે છે, અને તેમની પાસે પાછાં આવતાં નથી. 5 જંગલી ગધેડાને કોણે છૂટો મૂકી દીધો છે? અથવા જંગલી ગધેડાના બંધ કોણે છોડી નાખ્યા છે? 6 તેનું ઘર મેં વેરાનમાં, તથા તેનું રહેઠાણ મેં ખારવાળા પ્રદેશમાં ઠરાવ્યું છે. 7 તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે, અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી. 8 પર્વતોની હાર તેનું ચરવાનું બીડ છે, અને દરેક વનસ્પતિને તે શોધતો ફરે છે. 9 જંગલી ગોધા શું ખુશીથી તારી સેવા બજાવશે? અથવા શું તે તારા કોઢિયામાં રહેશે? 10 શું તું જંગલી બળદને અછોડાથી બાંધીને [ખેતરના] ચાસમાં ચલાવી શકે છે? કે શું તે તારી મરજી પ્રમાણે [ચાલીને] ખીણનાં ખેતરો ખેડશે? 11 તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે? 12 શું તું તેના પર એવો ભરોસો રાખશે કે તે તારા દાણા ઘેર લાવશે? અને તારા ખળા [ના દાણા] વખારમાં ભરશે? 13 શાહમૃગ પોતાની પાંખો આનંદથી હલાવે છે; [પણ] તેનાં પીછાં અને રૂવાં શું માયાળુ હોય છે? 14 કેમ કે તે પોતાનાં ઈંડા જમીન પર મૂકીને જતી રહે છે, અને ધૂળ તેમને સેવે છે, 15 કદાચ કોઈનો પગ તેમને કચરી નાખે કે, કદાચ રાની પશુ તેમને પગથી ખૂંદી નાખે, તે તે ભૂલી જાય છે. 16 તે પોતાનાં બચ્ચાં વિષે એવી નિર્દય થઈ જાય છે કે જાણે તેઓ તેનાં હોય જ નહિ. તેનો શ્રમ નિષ્ફળ જાય તોપણ તે બીતી નથી. 17 કેમ કે ઈશ્વરે તેને બુદ્ધિહીન સરજી છે, તેણે તેને અક્કલ આપી નથી. 18 તે પોતાની [પાંખ વડે] ઊંચી ચઢે છે તે સમયે તે ઘોડાને તથા તેના સવારને તુચ્છ ગણે છે. 19 શું ઘોડાને તેં બળ આપ્યું છે? શું તેં તેની ગરદનને ફરફરતી કેશવાળીથી ઢાંકી છે? 20 શું તેં તેને તીડની જેમ કુદાવ્યો છે? તેના હણહણાટની ધમક ભયંકર છે. 21 તે નીચા પ્રદેશમાં પગથી જમીન ખોતરે છે. અને પોતાના બળથી મઝા માણે છે; તે હથિયારબંધ માણસોની ભેટ લેવા જાય છે. 22 તે ભયને હસી કાઢે છે, અને ગભરાતો નથી; અથવા તરવાર સામે પીઠ ફેરવતો નથી. 23 ભાથો, ઝળકતો ભાલો તથા બરછી તેના પર ખણખણે છે. 24 તે જુસ્સાથી અને ક્રોધથી જમીનને ગળી જાય છે; અને રણશિંગડાનો અવાજ સાંભળે છે ત્યારે તે તેને ગણકારતો નથી. 25 જ્યારે જ્યારે રણશિંગડું [વાગે] ત્યારે ત્યારે તે કહે છે, ‘વાહ!’ અને તેને દૂરથી યુદ્ધની વાસ આવે છે, સરદારોનો ધમકાર તથા હોકારા પણ [સાંભળે છે]. 26 શું બાજ પક્ષી તારા ડહાપણથી ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ તરફ ફેલાવે છે? 27 શું ગરૂડ તારા હુકમથી ઊંચે ચઢે છે, અને પોતાનો માળો ઊંચે બાંધે છે? 28 તે ખડક પર વસે છે, ત્યાં ખડકના કરાડા પર તથા ગઢમાં તેનું રહેઠાણ છે. 29 ત્યાંથી તે પોતાનો શિકાર શોધી કાઢે છે; તેની આંખો તેને દૂરથી જુએ છે. 30 તેનાં બચ્ચાં પણ લોહી ચૂસે છે; અને જ્યાં મુડદાં છે, ત્યાં તે હોય છે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India